તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાજપમાં ભાંજગડ:સેવ-ઉસળની દુકાનને સીલ મારવાના મુદ્દે ડે.મેયર-મંત્રી યોગેશ પટેલ આમને સામને

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખત્રી પોળના નાકે દુકાનને સીલ, 4 કલાકમાં ખોલવું પડ્યું
  • ડે.મેયરે કાર્યવાહીની સૂચના આપી : યોગેશ પટેલે મેયરને ‘હું પણ મંત્રી છું’ તેવો ટોણો માર્યો

રાજ્યકક્ષાના મંત્રી યોગેશ પટેલનું ઘર જ્યાં છે તેવી અમદાવાદી પોળ પાસેની સેવ ઉસળની દુકાનને પાલિકાએ સીલ કરતાં મંત્રી ખફા થયા હતા અને લાલ આંખ કરતાં 4 કલાકમાં સીલ ખોલી નખાયું હતું. પાલિકાના ઇલેક્શન વોર્ડ 14માં રાવપુરાનો વિસ્તાર આવે છે. જેમાં જ્યુબિલીબાગ પાસે ખત્રી પોળના નાકે ભયલુ નામે સેવ-ઉસળ વેચતી દુકાન છે. દુકાનમાં પાલિકાની જાણ બહાર બાંધકામમાં ફેરફાર થતો હોવાનું અને તેનું ભાડું બાકી હોવાનું ખૂલ્યું હતું. દુકાનમાં બિન પરવાનગીથી થતા ફેરફાર અંગેની ફરિયાદ સ્થાનિકોએ ડે.મેયર નંદા જોષી પાસે કરી હતી.

જેથી તેમણે વોર્ડ 1ના વોર્ડ ઓફિસર મહેશ રબારીને બોલાવી સ્થિતિની જાણકારી મેળવી હતી. આ વૉર્ડ નંદા જોશીનો ઇલેક્શન વોર્ડ પણ છે તે નોંધનિય છે. ડેપ્યુટી મેયર પાસે રજૂઆત આવતાં તેમણે સ્થાયી સમિતિના અધ્યક્ષ સાથે પણ પ્રાથમિક ચર્ચા કરી હતી અને ત્યારબાદ તેમના થકી વોર્ડ ઓફિસરને કાર્યવાહી કરવા માટે સૂચના આપી હતી. જેના પગલે વૉર્ડ 1ના વોર્ડ ઓફિસરે આ દુકાને સીલ મરાવી દીધું હતું. આ દુકાનના સીલ અંગેની ફરિયાદ રાજ્ય સરકારના મંત્રી અને રાવપુરા અમદાવાદી પોળમાં રહેતા માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલ પાસે પહોંચી હતી.

પોતાના ઘર પાસેની દુકાનને સીલ મારવાની ઘટનાથી અજાણ મંત્રી યોગેશ પટેલ ધુંવાપૂવા થયા હતા અને તેમણે મેયર કેયૂર રોકડિયાને ફોન કરીને હું પણ મંત્રી છું અને આ રીતે કોઈને હેરાન ન કરવા તેવો ઉભરો ઠાલવ્યો હતો. નવાઇની વાત તો એવી છે કે આ ઘટનામાં મેયર સીલ અંગે અજાણ હતા પણ યોગેશ પટેલે વૉર્ડ ઓફિસરે મેયર, ડેપ્યુટી મેયર અને સ્થાયી અધ્યક્ષની સૂચનાથી સીલ માર્યું છે તેવું કહ્યું છે તેવી જાણ થતાં મેયર પણ ચોંકી ઊઠ્યા હતા. આખરે તેમણે દરમિયાનગીરી કરીને સમગ્ર કિસ્સાની જાણકારી મેળવી હતી.

મંત્રી યોગેશ પટેલે આ દુકાનદાર નિયમ મુજબ નાણાં ભરવા તૈયાર છે અને હું મંત્રી છું તો પણ મારી વાત સાંભળતા નથી, તેવો આક્રોશ ઠાલવતાં આખરે 4 કલાકમાં સીલ ખોલી નાખવામાં આવ્યું હતું. જોકે આ ઘટનામાં રૂપાણી સરકારના મંત્રી અને પાલિકાના શાસકો વચ્ચેનો ગજગ્રાહ ખુલ્લો પડી ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...