હિલ સ્ટેશન જેવો માહોલ:2 વર્ષ બાદ નવેમ્બરમાં માવઠું આગામી બે દિવસની આગાહી

વડોદરા18 દિવસ પહેલા
  • કૉપી લિંક
શહેરમાં ગુરુવારના રોજ બપોરથી મોડી સાંજ સુધી કમોસમી વરસાદ થતાં માર્ગો પર ખાબોચિયાં ભરાયાં હતાં. - Divya Bhaskar
શહેરમાં ગુરુવારના રોજ બપોરથી મોડી સાંજ સુધી કમોસમી વરસાદ થતાં માર્ગો પર ખાબોચિયાં ભરાયાં હતાં.
  • કમોસમી વરસાદ પડતાં ઠંડક વધી
  • ​​​​​​​13 કિમીની ઝડપે પવનો ફૂંકાયા, ઉઘાડ બાદ ઠંડી વધશે

ગુરુવારે સવારથી જ શહેરમાં છુટોછવાયો વરસાદ વરસવાનું શરૂ થયું હતું. બપોરના સમયે કમોસમી વરસાદી ઝાપટાં પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. ઠંડીનો પારો પણ 3 ડિગ્રી વધીને 21 ડિગ્રી રહ્યો હતો. જોકે બુધવારે જ્યારે સાંજ સુધી ઠંડીનો પારો 19 ડિગ્રી સુધી પહોંચી ગયો હોય તેવી અનુભૂતિ થતી હતી. વર્ષ 2019માં ઓક્ટોબર-નવેમ્બર મહિનામાં ક્યાર વાવાઝોડાના પગલે કમોસમી વરસાદ વરસ્યો હતો. વર્ષ 2020 ડિસેમ્બર માં કમોસમી વરસાદ વરસ્યો હતો.આમ 2 વર્ષે નવેમ્બર મહિનામાં કમોસમી વરસાદ વરસ્યો છે.

અરબ સાગરમાં સર્જાયેલા લો પ્રેશરના પગલે 20 નવેમ્બર સુધી શહેરમાં કમોસમી માવઠાની આગાહી હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગના મતે બુધવારે શહેરમાં 3 મિમી વરસાદ વરસ્યો હતો. વડોદરા શહેર ઉપરાંત કરજણમાં પણ વરસાદ વરસ્યો હતો. સવારથી થયેલા માવઠાને પગલે લોકોને પોતાના રેઈનકોટ ફરી બહાર કાઢવા પડ્યા હતા.

બપોર બાદ વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી હતી, જેના પગલે મોડી સાંજથી લોકો ઘરમાં જ પુરાઈ રહ્યાં હતાં. જ્યારે વાદળ દૂર થતાં ઠંડીનો પ્રકોપ વધે તેવી પણ સંભાવના રહેલી છે. શહેરમાં ગુરુવારના રોજ મહત્તમ તાપમાનનો પારો 31.2 ડિગ્રી અને લઘુતમ તાપમાનનો પારો 21.4 ડિગ્રી નોંધાયો હતો. જ્યારે ભેજનું પ્રમાણ સાંજે 91 ટકા નોંધાયું હતું.

અન્ય સમાચારો પણ છે...