પોલીસની લોકસેવા:વડોદરાના કરજણના માત્રોજ ગામ બેટમાં ફેરવાયું, પોલીસે 230 લોકો અને પશુઓને ખભે બેસાડી બહાર કાઢ્યા

વડોદરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ઢાઢર નદીમાં આવેલા પૂરના પાણી ગામમાં ફરી વળતા પોલીસ જવાનોએ માણસો અને પશુઓને સલામત સ્થળે ખસેડ્યા - Divya Bhaskar
ઢાઢર નદીમાં આવેલા પૂરના પાણી ગામમાં ફરી વળતા પોલીસ જવાનોએ માણસો અને પશુઓને સલામત સ્થળે ખસેડ્યા
  • ડભોઇ તાલુકાના ગોજાલી ગામમાંથી મોડી રાત્રે 50 લોકોનું સ્થળાંતર કરાયુ
  • આશ્રય સ્થાનોમાં લાવવામાં આવેલા લોકોને ભોજનની વ્યવસ્થા કરવામાં આવી

છેલ્લા 24 કલાકથી એકધારા વરસી રહેલા વરસાદને પગલે વડોદરા જિલ્લાના અનેક ગામો બેટમાં ફેરવાઇ ગયા છે. તંત્ર દ્વારા પાણીની વચ્ચે ફસાયેલા લોકોનું સ્થળાતંર કરવામાં આવી રહ્યું છે. ત્યારે ભૂખી નદીમાં આવેલા પૂરના કારણે ફસાયેલા માત્રોજ ગામના 230 લોકોનું કરજણ પોલીસ દ્વારા માનવતાને શોભે તે રીતે રેસ્ક્યૂ કરી સલામત સ્થળે ખસેડ્યા હતા. પોલીસ જવાનોએ માણસોને તો ઠીક પશુઓને પણ ખભા ઉપર બેસાડી સલામત સ્થળે ખસેડ્યા હતા.

પોલીસે બીમાર લોકોને ખાટલામાં સૂવાડી સલામત સ્થળે ખસેડ્યા
મળેલી માહિતી પ્રમાણે કરજણ તાલુકામાં પણ ઢાઢર નદીના કિનારે આવેલા અનેક ગામો અસરગ્રસ્ત થયા છે. કરજણ તાલુકામાંથી પસાર થતી ભૂખી નદીના પાણી માત્રોજ ગામના નીચાણવાળા વિસ્તારમાં ફરી વળતા હતા. નિચાણવાળા વિસ્તારો બેટમાં ફેરવાઇ ગયા હતા. આ અંગેની જાણ કરજણ પોલીસને થતાં પી.આઇ. એમ.એ. પટેલ પોલીસ જવાનો સાથે મદદે પહોંચી ગયા હતા અને ફસાયેલા બાળકો,વૃદ્ધો સહિત કુલ 230 જેટલા ગ્રામજનોને સલામત સ્થળે ખસેડ્યા હતા.

પોલીસે બિમાર લોકોને ખાટલામાં સુવડાવી સલામત સ્થળે ખસેડ્યા
પોલીસે બિમાર લોકોને ખાટલામાં સુવડાવી સલામત સ્થળે ખસેડ્યા

પોલીસે વૃદ્ધો,બાળકો સહિત ઇજાગ્રસ્તોને પણ ઊંચકી ખભે બેસાડીને પૂરના પાણીમાંથી બહાર કાઢ્યા હતા. કેટલાકની ઉભા થવાની સ્થિતિ ન હોવાથી તેઓને ખાટલામાં સુવડાવી ચાર પોલીસ જવાનોએ ખાટલો ઊંચકી સલામત સ્થળે પહોંચાડ્યા હતા. પોલીસ માણસોને સલામત સ્થળે ખસેડવાની સાથે પશુઓને પણ સલામત સ્થળે ખસેડ્યા હતા. બકરીઓને ખભા ઉપર મૂકીને સલામત સ્થળે લાવ્યા હતા. માત્રોજ ગામના લોકોને જય ભવાની હોલમાં ખસેડવામાં આવ્યા હતા.

પગમાં ઇજા પામેલા યુવાનને ખભે બેસાડી પોલીસે સલામત સ્થળે ખસેડ્યો
પગમાં ઇજા પામેલા યુવાનને ખભે બેસાડી પોલીસે સલામત સ્થળે ખસેડ્યો

હલદરવા ગામના 150 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું

આ ઉપરાંત ઢાઢર નદીમાં આવેલા પૂરના કારણે પ્રભાવિત થયેલા કરજણ તાલુકાના હલદરવા ગામના 150 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. આ લોકોને ગામની પ્રાથમિક શાળામાં આશ્રય આપવામાં આવ્યો હતો. આશ્રય સ્થાનોમાં ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. ઉપરાંત મોડી રાત્રે ડભોઇ તાલુકાના ગોજાલી ગામના 50 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. સ્થળાંતર કરવામાં આવેલા લોકોને ગામની પ્રાથમિક શાળામાં આશ્રય આપવામાં આવ્યો હતો. તંત્ર દ્વારા લોકોના સ્થળાંતર સાથે તેમનો ઘરવખરી સામાન પણ સલામત સ્થળે ખસેડવાની કામગીરી કરવામાં આવી હતી.

પોલીસે માણસોની સાથે પશુઓને પણ ખભે બેસાડી સલામત સ્થળે ખસેડ્યા
પોલીસે માણસોની સાથે પશુઓને પણ ખભે બેસાડી સલામત સ્થળે ખસેડ્યા

ઢાઢરમાં આવેલા પૂરના કારણે ગામ લોકોને એલર્ટ કરાયા

સ્થાનિક પૂર નિયંત્રણ કક્ષમાંથી મળેલી માહિતી પ્રમાણે હાલોલ ખાતે આવેલા દેવ નદી ડેમના 6 દરવાજા આંશિક રીતે ખોલવામાં આવ્યા છે. પરિણામે દેવ નદીમાં પૂરની સ્થિતિ સર્જાઇ છે. દેવ નદી આગળ જઈને ઢાઢર નદીને મળે છે. જેને અનુલક્ષીને દેવ અને ઢાઢર નદીમાં પણ પૂરની સ્થિતિ સર્જાઇ છે. તંત્ર દ્વારા દેવ નદીના કાંઠા વિસ્તારમાં આવેલા વાઘોડિયા તાલુકાના ફલોડ, વેજલપુર, અલવા, ઝવેરપુરા, ગોરજ, માધવપુરા, ધાનખેડા, અંબાલી, પાટીયાપુરા, મુનીઆશ્રમ, મુવાડા, જયાપુરા, અંટોલી, વાનકૂવા, ઘોડાદરા, વ્યારા ધોલાર, કાગડીપુરા અને અકાડીયાપુરા અને ઢાઢર નદીના કાંઠે આવેલા ડભોઇ તાલુકાના બનૈયા, અબ્દુલપુરા, કડાદરા, કરાલી, ગોજાલી, કડાદરાપુરા અને વણાદરા ગામના લોકોને એલર્ટ રહેવા અને સલામત સ્થળ પર ખસી જવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...