વડોદરાના સમાચાર:મનપાએ શહેરના વિવિધ વિસ્તારોમાં પરકોલેટીંગ વેલ બનાવવાની શરૂઆત કરી, કરૂણા અભિયાન માટે 7 એમ્બ્યુલન્સની ફાળવણી

વડોદરા18 દિવસ પહેલા
  • કૉપી લિંક

વડોદરા કોર્પોરેશન દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણીનો ઉપયોગ થઈ શકે તે માટે તેમજ જમીનમાં પાણીનું સ્તર વધે તે આશયથી પરકોલેટીંગ વેલ સિસ્ટમની કામગીરી હાથ ધરવામાં આવી છે. શહેરમાં ત્રણ સ્થળોએ સિસ્ટમને સફળતા મળ્યા બાદ હવે કોર્પોરેશન તે દિશામાં આગળ વધી રહ્યું છે

સરકારની સૂચનાનુ પાલન
વડોદરા કોર્પોરેશનના સ્થાયી સમિતિના અધ્યક્ષ ડો. હિતેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારની સૂચના અને માર્ગદર્શન હેઠળ વડોદરા કોર્પોરેશન દ્વારા રેઇન વોટર રિચાર્જ સિસ્ટમ તેમજ પરકોલેટિંગ વેલ સિસ્ટમ તરફ ભાર મૂકવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત વડોદરા કોર્પોરેશન દ્વારા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણીનો વેડફાટ , ભરાવો રોકવા પરકોલેટીંગ વેલ સિસ્ટમની કામગીરી હાથ ધરી છે. હાલ ચકલી સર્કલ, કોનકર્ડ બિલ્ડીંગ અને ગોત્રી તળાવ ખાતે પરકોલેટીંગ વેલ સિસ્ટમનું ડેમોસ્ટ્રેશન હાથ ધરવામાં આવ્યું હતું .

પાણી જમીનમાં ઉતરશે
કોર્પોરેશનને પ્રાથમિક સફળતા મળતા હવે તે દિશામાં આગળ વધવાનું પાલિકાએ નક્કી કર્યું છે. આ સિસ્ટમ પાછળ રૂપિયા 1.50 લાખથી રૂપિયા 7 લાખ સુધીનો ખર્ચ થાય છે. જેના થકી વરસાદી પાણી સીધું જમીનમાં ઉતરી જવાની સાથે વરસાદી કાસ બનાવવા જેટલો માતબર ખર્ચ અટકે છે. આ માટે કોર્પોરેશન આગામી બજેટમાં પ્રાવધાન કરશે તેવી શકયતા છે. અને 40 કી.મી એરિયામાં વરસાદી કાસ ચેનલોમાં દોઢ કિલોમીટર દીઠ પરકોલેટીંગ વેલ સિસ્ટમ કાર્યરત કરશે.

કરૂણા અભિયાન માટે 7 એમ્બ્યુલન્સની ફાળવણી
પશુ અને પક્ષીઓની આરોગ્ય સંજીવની ગણાતી સેવા એટલે 1962 પશુ હેલ્પલાઈન જે દિવસ રાત અબોલ પશુ અને પક્ષીઓની માટે ખડે પગે તૈનાત રહે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ EMRI ગ્રીન હેલ્થ સર્વિસની 1962 એમ્બ્યુલન્સ અને ફરતું પશુ દવાખાનું કરુણા અભિયાન 2023 હાથ ધરવામાં આવ્યું છે.

વડોદરામાં ઉતરાયણ અને વાસી ઉતરાયણ નિમિત્તે ઘણા પક્ષીઓની પતંગની દોરીથી ઘવાઈ જય છે, જેમાં ખાસ કરીને કબૂતર, ઘુવડ અને સમડી વધુ હોય છે. ગતવર્ષની માહિતી અનુસાર કરુણા અભિયાન 2022માં કુલ 477 પશુ અને પક્ષીઓની નિઃશુલ્ક સારવાર કરવામાં આવી હતી. કરુણા અભિયાન-2023માં પણ વડોદરામાં કુલ 7 એમ્બ્યુલન્સ EMRI ગ્રીન હેલ્થ સર્વિસની 1962ની એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી છે.

જાહેર જનતાને 1962 એનિમલ હેલ્પલાઇન તરફથી ખાસ નિવેદન છે કે, પતંગ ચડાવા માટે સવારે 10 વાગ્યા પછીનો અને સાંજે 6 વાગ્યા પછી પતંગ ના ચગાવે તો સારું કારણ કે, પક્ષીઓનો પોતાના માળામાંથી જવા અને આવવાનો આ સમય હોય છે.

અન્ય સમાચારો પણ છે...