માંજલપુર કે સસ્પેન્સપુર:માંજલપુરનો પેચ પ્રદેશમાં ફસાયો યોગેશ પટેલ આજે ફોર્મ ભરશે?

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભાજપ 182માંથી માત્ર 1 ઉમેદવારની જાહેરાત ના કરી શક્યો
  • અનાર પટેલ, અતુલ પટેલનાં​​​​​​​ નામ મોખરે, મોડી રાત સુધી જાહેરાત નહીં

રાજ્યની 182 વિધાનસભા બેઠક પૈકી વડોદરા શહેરની એકમાત્ર માંજલપુર બેઠકના ભાજપના ઉમેદવારનું નામ મોડી રાત સુધી જાહેર થઈ શક્યું ન હતું. જેમાં પ્રદેશ કક્ષાએ પેચ ફસાયો હતો. આનંદીબેન પટેલના પુત્રી અનાર પટેલ અને ગૃહમંત્રી અમિત શાહના નિકટવર્તી અતુલ પટેલના નામ મોખરે હતા. 75 વર્ષની ઉંમરના નિયમ હેઠળ યોગેશ પટેલની ટિકીટ કાપી બન્નેમાંથી એકને ટિકીટ આપવાનો તખતો ઘડાયો હતો. જેના ભાગરૂપે ફોર્મ ભરવાના છેલ્લા દિવસની આગલી રાત સુધી ઉમેદવારના નામનું સસ્પેન્સ યથાવત રખાયુ હતું.

જો કે બુધવારે મોડી રાત્રે શિવભક્ત યોગેશ પટેલના નામ ઉપર મહોર મારી હોવાનો મેસેજ ફરતો થયો હતો. આ અંગે યોગેશ પટેલને પુછતાં પ્રદેશથી કોઇ ફોન નહીં આવ્યો હોવાનું જણાવ્યુ હતું. જો કે તેમણે ટિકીટ મળે તેવો આશાવાદ પણ સેવ્યો હતો. બીજી તરફ ગુરુવારે પુરુષોત્તમ રૂપાલા મેયર કેયુર રોકડિયાનું સયાજીગંજ બેઠક પર ફોર્મ ભરાવવા જવાના છે ત્યારે યોગેશ પટેલ તેમની સાથે ફોર્મ ભરશે કે તેમના વિના અપક્ષમાંથી પણ ફોર્મ ભરે છે કે કેમ તેની ઉપર સૌની મીટ મંડાઇ છે.

ધારાસભ્ય યોગેશ પટેલે ખુલ્લી જીપનાં ટાયર બદલાવ્યાં, કાર્યાલય પણ ટીપ-ટોપ કરાવ્યું શહેરની વિધાનસભાની 5 બેઠકો પૈકી માંજલપુર બેઠક ભાજપ સહિત ઉમેદવારો અને કાર્યકરો માટે મંથન અને પરીક્ષાની બેઠક બની છે. વડોદરા શહેર ભાજપના નેતાઓ અને કાર્યકરો માટે કોયડા રૂપ બનેલી આ બેઠક ઉપર ઉમેદવારના નામની જાહેરાત ગમે ત્યારે થઈ શકે તેવી પરિસ્થિતિ ઉદ્દભવી છે. જોકે આજે 17મી તારીખે ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ છે તેની આગલી મોડી રાત સુધી ઉમેદવારના નામની જાહેરાત થઇ નથી. જો કે તે પૂર્વે કેટલાક દાવેદારો દ્વારા ઉમેદવારીપત્રો ભરવાની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. એટલું જ નહીં, ધારાસભ્ય યોગેશ પટેલે તેમની જીપ સુદ્ધાં તૈયાર કરાવી દીધી છે અને તેને નવા ટાયરો પણ નખાવી દીધા છે. જ્યારે તેમના માંજલપુર ખાતે આવેલા વિધાનસભા ચૂંટણીના કાર્યાલયનું પણ રીપેરીંગ કામ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. જો કે મોડી રાત સુધી જાહેરાત ના થતાં તમામની ઉંઘ હરામ થઇ ગઇ છે.

ઉમેદવારોએ ફોન બંધ ન થાય તે માટે પાવર બેંક પણ લગાવી
માંજલપુર બેઠકના દાવેદારો પ્રદેશ મોવદીઓનો ફોન આવે તેની કાગડોળે રાહ જોઈ રહ્યા છે. કોલ આવે અને મોબાઈલ ફોન સ્વીચ ઓફ ન થાય તે માટે સતત મોબાઈલ ફોનનું ચાર્જિંગ કરી રહ્યા છે તેમ જ કેટલાકે તો પાવર બેંક સાથે રાખીને જ ફરી રહ્યા છે

દાવેદારોએ ફોર્મ ભરી રાખ્યાં કેટલાકે બીજી તૈયારીઓ કરી
સયાજીગંજના ઉમેદવારની જાહેરાત થયા બાદ હાલ કોંગ્રેસના ભાવેશ પટેલે પણ દાવેદારી નોંધાવ્યા બાદ ભાજપ માટે ફોર્મ ભરીને તૈયાર રાખ્યું છે. જ્યારે ડૉ.હિતેન્દ્ર પટેલ, સ્નેહલ પટેલ, કલ્પેશ પટેલ (જય રણછોડ) સહિતનાએ તૈયારી કરી લીધી છે.

અન્ય સમાચારો પણ છે...