પતંગની દોરીએ જિંદગીની દોર કાપી:વડોદરામાં માંજાએ બાઇકસવારનું આખેઆખુ ગળું કાપી નાખ્યું, 3 દિવસમાં બીજુ મોત, પરિવારજનોનું આક્રંદ

વડોદરાએક મહિનો પહેલા
પતંગની દોરીથી ગળું કપાઈ જતા મહેશભાઈ ઠાકુરનું મોત.

ઉત્તરાયણ નજીક આવતા પતંગની દોરીથી ગળા કપાવવાની ઘટનાઓ સતત સામે આવી રહી છે. બે દિવસ પહેલા જ પૂર્વ નેશનલ હોકી પ્લેયરનું પતંગની દોરીથી ગળું કપાઈ જતા મોત થયું હતું, ત્યારે આજે વધુ એક બાઇકસવારનું પતંગની દોરીથી ગળું કપાઈ જતાં મોત થયું છે.

પતંગની દોરીથી ગળુ કપાઈ જતા મોત
વડોદરા પાસે રણોલીમાં આવેલી શોભા પાર્ક સોસાયટીમાં રહેતા 46 વર્ષીય મહેશભાઈ ભગવત પ્રસાદ ઠાકુર સિક્યોરિટીનો કોન્ટ્રાક્ટર ચલાવે છે. તેઓ આજે સાંજે 5 વાગ્યે તેમના માણસોને લેવા મુકવા માટે સમા કેનાલથી વેમાલી રોડ તરફ બાઇક પર જઈ રહ્યા હતા, ત્યારે ગળાના ભાગે પતંગના દોરાથી તેમને ગંભીર ઇજા થતાં 108 મારફતે સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં મહેશ ઠાકુરને તબીબોએ મૃત જાહેર કર્યાં હતા.

હોસ્પિટલમાં પરિવારમાં જ આક્રંદ કરવા લાગ્યો હતો.
હોસ્પિટલમાં પરિવારમાં જ આક્રંદ કરવા લાગ્યો હતો.

પરિવારનું આક્રંદ
આ બનાવની જાણ તેમના પરિવારને થતા પરિવાર શોકમગ્ન થઈ ગયો છે અને હોસ્પિટલમાં પરિવારમાં જ આક્રંદ કરવા લાગ્યો હતો. મૃતક મહેશભાઈ પરિણીત હતા અને તેમને એક પુત્ર પણ છે. મહેશભાઈના મૃત્યુની ઘટનાની જાણ થતાં જ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

ઉત્તરાયણને હજુ 10 દિવસ બાકી
ઉત્તરાણયણ 14મી જાન્યુઆરીએ છે અને પર્વને હજુ 10 દિવસ બાકી છે. ત્યારે પતંગની દોરીથી વધુ યુવકનું મોત થયું છે, ત્યારે શહેરીજનોએ અને ખાસ બાઇકસવાર માટે આ લાલબત્તી સમાન કિસ્સો છે. માણસોની સાથે સાથે પક્ષીઓ માટે પણ પતંગનો દોરો જીવલેણ સાબિત થઇ રહ્યો છે.

મહેશ ઠાકુરને તબીબોએ મૃત જાહેર કર્યાં હતા.
મહેશ ઠાકુરને તબીબોએ મૃત જાહેર કર્યાં હતા.

દોરીથી ગળું કપાતાં પૂર્વ નેશનલ હોકી પ્લેયરનું મોત થયું હતું
વડોદરાના આર.વી દેસાઈ રોડ પર નવા વર્ષના પ્રથમ દિવસે જ પતંગની દોરી વાગતા બાઈકસવાર પૂર્વ નેશનલ હોકી પ્લેયરનું ગળું કપાતા કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. રવિવાર સાંજે સાડા છ વાગ્યે વડોદરામાં રહેતો પૂર્વ નેશનલ હોકી પ્લેયર રાહુલ બાથમ(ઉ.30) કામ અર્થે આર.વી. દેસાઇ રોડ પર નિકળ્યો હતો. દરમિયાન નવાપુરા પોલીસ સ્ટેશન નજીક બાઇકસવાર રાહુલ બાથમના ગળામાં પતંગની દોરી આવી જતાં તેના ગળા પર ગંભીર ઇજાઓ થઇ હતી. જેથી સારવાર માટે તેને 108 એમ્બ્યુલન્સ દ્વારા સયાજી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો.

ગળાની નસો કપાઈ ગઈ હતી
રાહુલ બાથમને સયાજી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો ત્યારે ખૂબ જ લોહી વહી રહ્યું હતુ. ડોક્ટર્સ દ્વારા તેની સારવાર કરવામાં આવી રહી હતી. પરંતુ ગળાની નસો કપાઇ જતાં અને લોહી વહી જતાં તેનું મોત નિપજ્યું હતું. જેથી પરિવારજનોના આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું હતું. પતંગની દોરીથી ગળું કપાતા કરૂણ મોતને ભેટેલ યુવક રાહુલ બાથમ વડોદરાના દંતેશ્વર વિસ્તારમાં આવેલ ભાથીજી પાર્કનો રહેવાસી હતો. તે કામ અર્થે આર.વી.દેસાઇ રોડ પરથી પસાર થઇ રહ્યો હતો ત્યારે અચાનક તેના ગળામાં દોરી વાગી હતી અને તેનું મોત નિપજ્યું હતું.

આજે વધુ એક બાઇકસવારનું પતંગની દોરીથી ગળું કપાઈ જતાં મોત થયું છે.
આજે વધુ એક બાઇકસવારનું પતંગની દોરીથી ગળું કપાઈ જતાં મોત થયું છે.

સુરતમાં પતંગના દોરાથી ગળું કપાતાં મોત થયું હતું
બે દિવસ પહેલા જ સુરત નજીક કામરેજ ચાર રસ્તા પરથી એક શ્રમજીવી બળવંત ઉર્ફે રાજુભાઈ પટેલ પોતાની બાઈક પર પસાર થઈ રહ્યો હતો. દરમિયાન જ એકાએક પતંગનો દોરો આવી જતાં વાહનચાલકના ગળાના ભાગે ગંભીર ઈજા થઈ હતી. વાહનચાલકના ગળા પરથી માંજો ફરી જતાં બાઈક પરથી નીચે ફટકાયો હતો. યુવકનું ગળું ભયંકર રીતે કપાયું હતું. એને કારણે તેનું મોત નીપજ્યું હતું. પતંગનો માંજો કેટલો હાનિકારક છે એ આ ઘટના પરથી સમજી શકાય છે.

SSGના કર્મચારીને 9 દિવસ પહેલાં 9 ટાંકા આવ્યા હતા
હોસ્પિટલના એમએલઓ દ્વારા જાણવા મળ્યા મુજબ ઓફિસની ઉપર ક્લાર્ક તરીકે પહેલા માળે ફરજ બજાવતા રતિલાલ રાઠવાને 7 દિવસ પહેલા પતંગના દોરાથી ગળા ઉપર ગંભીર ઈજા પહોંચી હતી. જેમાં તેમને નવ ટાંકા લેવા પડ્યા હતા. સદનસીબે તેમણે વચ્ચે હાથ નાખતા દોરાથી વધુ ઇજા થતા અટકી ગઈ હતી.

સયાજી હોસ્પિટલ.
સયાજી હોસ્પિટલ.

ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ છતાં વેચાણ
ચાઇનીઝ દોરી જીવલેણ હોવાથી તેના પર સરકારે પ્રતિબંધ મુક્યો છે. છતાં તેનું વેચાણ થઇ રહ્યું છે. ત્રણ દિવસ પહેલા જ વડોદરાના ગોરવા વિસ્તારમાં બોરીયા તળાવ પાસે પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનું વેચાણ કરતા શકીલહુસેન હબીબભાઈ પરમાર (રહે. કરોડિયા રોડ)ને પોલીસે 49 રીલ સાથે ઝડપી પાડી રૂ.9,800નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...