વિવાદ:અધ્યાપકો, સ્ટાફ અને વિદ્યાર્થીની હાજરી પર નજર રાખવા આદેશ

વડોદરા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • ઇ. હેડ બનાવ્યાના 3 દિનમાં ડાંગરવાલાને વાઇસ ડીનની જવાબદારી
  • અગાઉ પણ ગેરહાજર અધ્યાપકોને મેમો આપવા જણાવાયું હતું

મ.સ. યુનિવર્સિટીના વીસી અને કોમર્સ ફેકલ્ટી વચ્ચે વિવાદ બંધ થવાનું નામ નથી લઇ રહ્યો. યુનિ. સત્તાધીશોએ કોમર્સના નવા ઇન્ચાર્જ ડીન તરીકે ઉમેશ ડાંગરવાલાની નિમણૂક કરી છે સાથે નવી સૂચના આપી છે, જેમાં ફેકલ્ટીમાં આવતા વિદ્યાર્થી, અધ્યાપકો તથા બિન શૈક્ષણિક કર્મીઓની હાજરી પર નજર રાખવાની રહેશે.

આ પ્રકારની સૂચનાને પગલે સમગ્ર યુનિવર્સિટીમાં ચર્ચાનો વિષય બન્યો છે. મ.સ. યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં વિવાદો ઓછા થઈ રહ્યા નથી. વીસી દ્વારા 15 દિવસ પહેલાં ફેકલ્ટીની મુલાકાત લઇને ગેરહાજર રહેલા અધ્યાપકોને મેમો આપવાની સૂચના ફેકલ્ટી ડીન કેતન ઉપાધ્યાયને આપ્યા બાદ ડીન પદ પરથી કેતન ઉપાધ્યાયે રાજીનામું આપી દીધું હતું.

જોકે હજુ સુધી રાજીનામું મંજૂર કરાયું નથી. બીજી તરફ કોમર્સના સિનિયર અધ્યાપક ઉમેશ ડાંગરવાલાને 3 દિવસ પહેલાં ઇન્ચાર્જ હેડ બનાવ્યા બાદ તેમને કોમર્સના વાઇસ ડીનની જવાબદારી પણ સોંપી દેવાઈ છે. એક જ સપ્તાહમાં તેમને 2 પદો અપાયાં છે.

જોકે નિમણૂક પત્રમાં સૂચના પણ અપાઈ છે કે, ઇન્ચાર્જ ડીનની જવાબદારી ફેકલ્ટીના વિદ્યાર્થીઓ રેગ્યુલર કોલેજ આવે છે કે નહિ તે ચેક કરવા સહિત અધ્યાપકો તથા બિન શૈક્ષણિક કર્મચારીઓની હાજરી પર પણ નજર રાખવાની પણ છે. યુનિવર્સિટીમાં અને ખાસ કરીને કોમર્સ ફેકલ્ટીમાં હજુ સુધી આ પ્રકારની કોઇ સૂચના આપવામાં આવી નથી. સત્તાધીશો દ્વારા આ પ્રકારની સૂચના આપવાના કારણે વિવાદ થાય તેવી શક્યતા છે.

અન્ય સમાચારો પણ છે...