પરિવાર સાથે મિલન:ગોવા ફરવા માટે ગયેલો હરિયાણાનો યુવાન વતન પરત ફરતા ભૂલો પડ્યો, વડોદરામાં લઘર-વઘર કપડાંમાં મળી આવ્યો

વડોદરા4 દિવસ પહેલા
  • કૉપી લિંક
માતા-પિતા અને પુત્રના મિલનને જોઇ પોલીસ જવાનો પણ ભાવવિભોર થઇ ગયા. - Divya Bhaskar
માતા-પિતા અને પુત્રના મિલનને જોઇ પોલીસ જવાનો પણ ભાવવિભોર થઇ ગયા.
  • પુત્ર હેમખેમ હોવાની જાણ થતા પરિવાર વડોદરા દોડી આવ્યા પુત્ર સાથે માતા-પિતાનું મિલન થતાં ભાવવિભોહ દ્રશ્યો સર્જાયા

ગોવા ફરવા માટે ગયેલો હરિયાણાના સોનીપતનો યુવાન વતન ફરતી સમયે ભૂલો પડી જતાં વડોદરાના લક્ષ્મીપુરા પોલીસ મથકની શી ટીમ દ્વારા યુવાનના પરિવારનો સંપર્ક કરી મિલન કરાવ્યું હતું. કાગડોળે પુત્રની રાહ જોઇ રહેલા માતા-પિતાને પોતાનો પુત્ર હેમખેમ હોવાના વડોદરા પોલીસ તરફથી સમાચાર જતાં, વહાલસોયા દીકરાને લેવા માટે માતા-પિતા વડોદરા દોડી આવ્યા હતા. લક્ષ્મીપુરા પોલીસ મથકમાં પુત્ર સાથે માતા-પિતાનું મિલન થતાં ભાવવિભોહ દ્રશ્યો સર્જાયા હતા.

યુવક લક્ષ્મીપુરા લોટ્સ પ્લાઝા પાસેથી મળી આવ્યો
લક્ષ્મીપુરા પોલીસ મથકના પી.આઇ. જે. એચ. ચૌધરીએ માહિતી આપતા જણાવ્યું હતું કે, સિનીયર સિટીઝન, મહિલાઓ તેમજ બાળકોને સુરક્ષા મળી રહે તે માટે પોલીસ કમિશનર તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા અવાર-નવાર સૂચના આપવામાં આવે છે. લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફ તા.22 નવેમ્બરના રોજ પેટ્રોલિંગમાં હતો. તે સમયે લક્ષ્મીપુરા લોટ્સ પ્લાઝા પાસે એક યુવાન લઘર-વઘર કપડાંમાં મળી આવ્યો હતો.

યુવકની વીડિયો કોલિંગથી માતા સાથે વાત કરાવી
આ યુવાનને પોલીસ ટીમ પોલીસ મથકમાં લઇ આવી હતી. અને તેની પૂછપરછ કરતા તેણે પોતાનું નામ હર્ષ સંદિપભાઇ પંચોરી (ઉં.22) જણાવ્યું હતું. વધુ પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે, તે પોતે હરીયાણા સોનીપતનો રહેવાસી હોવાનું જણાવ્યું હતું. તેની પાસે પોતાની ઓળખના કોઇ પુરાવા મળી આવ્યા ન હતા. પોલીસે તેને વડોદરા કેવી રીતે આવી પહોંચ્યો તે અંગે તેણે જણાવ્યું કે, તે ગોવા ફરવા માટે ગયો હતો. અને પરત સોનીપત જતી વખતે રેલવે ટ્રેનના જનરલ ડબામાં બેસી ગયો હતો. વડોદરા આવતા ટ્રેન નીકળી જતાં ભૂલો પડી ગયો છું. પોલીસે હર્ષે આપેલી માહિતી ઉપર વિશ્વાસ મુકી તેને આપેલી માહિતીના આધારે પોલીસ જવાન રાઇટર સુરેશભાઇ વિરસીંગભાઇએ પોતાના મોબાઇલ ફોન દ્વારા હર્ષને તેની માતા જ્યોતિબહેન સાથે વીડિયો કોલીંગ કરાવ્યો હતો.

વીડિયો કોલિંગમાં પુત્રને માતાએ ઓળખી બતાવ્યો
પોલીસ જવાન સુરેશભાઇ પોતાના મોબાઇલ ફોનથી તેમની માતાને વીડિયોકોલ કરતા અને તેમના પુત્રને બતાવતા સામસામે એકબીજાને ઓળખી બતાવ્યા હતા. અને તેમની માતા હોવાનું જણાવ્યું હતું. તે સાથે હર્ષની માતા જ્યોતિબહેને એમ પણ જણાવ્યું હતુ કે, તેઓ સોનીપત સેશન્સ કોર્ટમાં નોકરી કરે છે. સાથે એવી પણ પોલીસને માહિતી આપી કે, મારો પુત્ર હર્ષ ગોવા ફરવા માટે ગયો હતો. તેની રીટર્ન ટિકીટ 17 નવેમ્બરની હતી અને કેબ કારમાં બેસી રેલ્વે સ્ટેશન ગયેલ ત્યાં સુધી આવ્યો હતો. ત્યાર બાદ તેનો સંપર્ક થઇ શક્યો ન હતો.

શી-ટીમના માણસો દ્વારા યુવકને માનવતાભરી હુંફ આપી
પુત્ર સાથે મોબાઇલ ઉપર વાતચિત થતાં અને તે હેમખેમ હોવાના સમાચાર મળતા માતા ફોન ઉપર વાત કરતા કરતા જ રડી પડ્યા હતા. બાદમાં રાઇટર સુરેશભાઇ સાંત્વના આપી જણાવ્યું કે, તમારો પુત્ર હાલ ગુજરાતના વડોદરા શહેર ખાતે આવેલ લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનમાં છે. તેની જમવાની તથા રેહવાની વ્યવસ્થા શી-ટીમના માણસો દ્વારા કરવામાં આવેલ છે. હર્ષ પંચોરી સાથે શી-ટીમના માણસો દ્વારા માનવતાભરી હુંફ આપવામાં આવી રહી છે. ચિંતા કરશો નહીં. આપ જરૂરી દસ્તાવેજો સાથે વડોદરા આવી જાવ.

પરિવાર સાથેના મિલનને જોઇ પોલીસ જવાનો પણ ભાવવિભોર
વડોદરા પોલીસે આપેલી માહિતી મુજબ હર્ષ પંચોરીના માતા-પિતા વડોદરા લક્ષ્મીપુરા પોલીસ મથકમાં આવી પહોંચ્યા હતા. જ્યાં પુત્રને હેમખેમ જોતા ભેટી પડ્યા હતા. માતા-પુત્રને જોઇ પોતાના હર્ષના આંસુ રોકી શક્યા ન હતા. માતા-પિતા અને પુત્રના મિલનને જોઇ પોલીસ જવાનો પણ ભાવવિભોર થઇ ગયા હતા. દરમિયાન પોલીસે જરૂરી દસ્તાવેજો લઇ હર્ષને તેના માતા-પિતાને સોંપ્યો હતો. અને તેઓને તેમના વતન સોનીપત રવાના કર્યા હતા. માતા-પિતા અને હર્ષે વડોદરા લક્ષ્મીપુરા પોલીસ મથકના તમામ પોલીસ જવાનોનો આભાર માન્યો હતો. આ કામગીરીમાં નટુભાઇ વિલીયમભાઇ, મીનાક્ષીબહેન નરેન્દ્રભાઇ, મંદિનુભાઇ માલાભાઇ, જયદીપભાઇ હરીભાઇ, અશોકભાઇ, શાંતિભાઇ, શૈલેષભાઇ, નિલમબહેન અને હિનાબહેન મદદરૂપ થયા હતા.