વડોદરા શહેરના હરણી વિસ્તારમાં લગ્ન પ્રસંગમાં ગયેલા પરિવારના બંધ મકાન અને કારેલીબાગના ગણપતિ મંદિરને નિશાન બનાવી અજાણ્યા તસ્કરો રૂ. 36 હજારની મત્તા ચોરી ફરાર થઈ જતા ફરિયાદના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
પરિવારમાં મુંબઇ લગ્નમાં ગયો ને ઘરમાં ચોરી
વડોદરા શહેરના હરણી વિસ્તારમાં કેસલ વીલામાં રહેતા પ્રવીણચંદ્ર નટવરલાલ શાહ નિવૃત્ત જીવન ગુજારે છે. 27 ડિસેમ્બરના રોજ મકાનને લોક કરી પરિવાર મુંબઈ ખાતે લગ્ન પ્રસંગમાં ગયો હતો. આ દરમિયાન ત્રાટકેલા અજાણ્યા તસ્કરો બેઠક રૂમની બારીના સળિયા કાપી ઘરમાં પ્રવેશી તિજોરીમાંથી રૂ.11 હજારની કિંમત ધરાવતા ચાંદીના વાસણો ચોરી ફરાર થઈ ગયા હતા. આ બનાવ સંદર્ભે હરણી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ગણપતિ મંદિરમાં ચોરી
બીજા બનાવમાં વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારની શાસ્ત્રી પોળ સામે આવેલ શ્રી વડેશ્વર ગણપતિ મંદિરમાંથી અજાણ્યા તસ્કરો દાનપેટી તોડી તેમાંથી અંદાજે રૂ.10 હજાર તથા શ્રીજીની મૂર્તિ પરના ચાંદીના છત્તર મળી કુલ રૂ 25 હજારની મત્તા ચોરી ફરાર થઈ ગયા હતા.
અપહરણના ગુનામાં આરોપી ઝડપાયો
માંજલપુર પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયેલા અપહરણ તથા પોક્સો એક્ટ હેઠળના ગુનાના કામના આરોપી મહેન્દ્ર સુરેશભાઇ વસાવા (રહે. બીલગામ, વડોદરા) અને આ કામે અપહ્યત ભોગ બનનાર સગીર વયની દીકરીને ટેક્નિકલ સોર્સ તથા અંગત બાતમી રાહે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પાસેના ગામમાંથી હસ્તગત કરી હતી.
આરોપીની પીટ એનડીપીએસ હેઠળ અટકાયત
અધિક પોલીસ મહાનિર્દેશક સીઆઇડી ક્રાઈમ અને રેલ્વે ગુજરાત રાજ્ય તરફથી નાર્કોટિક્સ પદાર્થોનું વેચાણ કરતા ઝડપાયેલ અને જામીનમુક્ત આરોપીઓ વિરુદ્ધ પ્રિવેન્શન ઓફ ઇલીસીયટ ટ્રાફિક ઇન નાર્કોટિક ડ્રગ એન્ડ સાઇકોટ્રાપિક સબસ્ટેન્સ એક્ટ મુજબ કાર્યવાહી હેતુ સમગ્ર રાજ્યમાં ડ્રાઇવ રાખી છે. જેના અનુસંધાને ગાંજાના બે ગુનામાં ચંદુભાઈ મધુબેન સુરસીંગ શંકરજી (રહે. સુભાષનગર, વિશ્વામિત્રી બ્રિજની નીચે) જામીનમુક્ત છે. હાલ આ પ્રકારના આરોપીઓ જામીનમુક્ત થયા બાદ પણ પ્રવૃત્તિ આચરે તેવી શક્યતાના આધારે ઉપરોક્ત આરોપીની પીટ એનડીપીએસ એક્ટ હેઠળ અટકાયત કરી અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે મોકલવાની તજવીજ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.