નાગો બાવો બનીને યુવકની સોનાની ચેન ચોરી લેનારા આરોપીની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. આરોપીએ પોતાના 2 સાગરીતો સાથે મળીને ગુનો આચર્યો હોવાનું કબૂલ્યું હતું. આરોપી અગાઉ 2019માં રાવપુરા પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદીને આશીર્વાદ આપવાના બહાને ઠગાઇ કરવાના ગુનામાં ઝડપાયેલો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.
ક્રાઇમ બ્રાંચના એસીપી ડી.એસ.ચૌહાણે જણાવ્યું કે, હરણી પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા ગુના અનુસાર ફરિયાદી 29 એપ્રિલે ખેતર બહાર સ્કૂટર પાર્ક કરી બેઠા હતા. આ વખતે સફેદ કલરની નંબર પ્લેટ વગરની ગાડીમાં 3 ઈસમો આવ્યા હતા. ડ્રાઈવરની બાજુમાં બેઠેલા નાગા બાવાએ ફરીયાદીના હાથમાં રુદ્રાક્ષનો મણકો, બે રૂપિયાનો સિક્કો મૂકીને ‘તુમ્હારા કલ્યાણ હો જાયેગા’ કહી રૂા.70 હજારની સોનાની ચેન લઇને ફરાર થઇ ગયા હતા.પોલીસે આરોપી કિશનનાથ બબુનાથ મદારી (કરસનપુરા, કપડવંજ)ની ધરપકડ કરી પૂછપરછમાં જાણ્યું હતું કે, તેણે વનરાજ મદારી અને અરજણ ભરવાડ સાથે મળી ગુનો કર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.