• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Mamlatdars Of Vadodara District Today Performed Their Duty Wearing Black Band In Protest Against Indecent Treatment Of Mamlatdars Of Karjan.

ભરૂચના સાંસદનો વિરોધ:કરજણના મામલતદાર સાથે અશોભનીય વર્તન કરવાના વિરોધમાં આજે વડોદરા જિલ્લાના મામલતદારોએ કાળી પટ્ટી પહેરીને ફરજ બજાવી

વડોદરા5 મહિનો પહેલા
રાજ્યના તમામ મામલતદારો કાળી પટ્ટી પહેરીને ફરજ બજાવી
  • આવતીકાલે મામલતદારો માસ સીએલ પર ઉતરશે

ભરૂચના સાંસદ મનસુખ વસાવા દ્વારા કરજણના મામલતદાર સાથે અશોભનીય વર્તન કરી ગાળો ભાંડવાના વિરોધમાં આજે રાજ્યના તમામ મામલતદારો કાળી પટ્ટી પહેરીને ફરજ બજાવી હતી. જેમાં વડોદરા જિલ્લાના મામલતદારો પણ જોડાયા હતા. આવતીકાલે તા. 4 માર્ચના રોજ મામલતદારો માસ સીએલ પર ઉતરશે અને સાસંદ દ્વારા કરવામાં આવેલા વર્તનનો વિરોધ કરશે.

મામલતદારો આજે કાળી પટ્ટી પહેરીને ફરજ બજાવી
કરજણના માલોદ પાસે રેતીના ડમ્પર અડફેટે ત્રણ લોકોનાં મોત નિપજ્યાં હતા. આ બાબતની જાણ થતાં ભરૂચના સાંસદ મનસુખ વસાવા અને માજી ધારાસભ્ય સતીષ નિશાળીયા દ્વારા 21 ફેબ્રુઆરીના રોજ કરજણ મામલતદાર અને તેમના સ્ટાફ સાથે અશોભનીય વર્તન કરવામાં આવ્યું હતું. જે મામલે ગુજરાત રાજ્ય મામલતદાર એસોસિયેશન દ્વારા બંને સંબંધિત પદાધિકારીઓ જાહેરમાં મામલતદારની માફી માંગવા માટે અને તેમના વિરૂદ્ધ યોગ્ય કાર્યવાહી કરવા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામા આવ્યું હતું. પરંતુ, આજદિન સુધી સાંસદ તરફથી કોઈ પ્રત્યુત્તર ન મળતા રાજ્યના તમામ મામલતદારો આજે કાળી પટ્ટી પહેરીને ફરજ બજાવી હતી.

મામલતદારોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો
સાસંદના વર્તનના વિરોધમાં આવતીકાલે તા. 4 માર્ચના રોજ રાજ્યના તમામ મામલતદારો માસ સી.એલ પર ઉતરી જશે અને તા. 4 માર્ચ પછી આગળના કાર્યક્રમો જાહેર કરવામાં આવશે. ઉલ્લેખનિય છે કે, કરજણના માલોદ પાસે રેતીના ડમ્પર અડફેટે ત્રણ લોકોનાં મોત થયા હતા. આ બાબતની જાણ થતાં સાંસદ મનસુખ વસાવા મંગળવારે કરજણના પૂર્વ ધારાસભ્ય સતીષ નિશાળિયા સાથે ઘટના સ્થળની મુલાકાતે પહોંચ્યા હતા. આ સમયે પ્રોટોકોલ મુજબ કરજણ મામલતદાર પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. સાંસદે મનસુખ વસાવાએ જાહેરમાં જ અધિકારીઓનો ઊધડો લીધો હતો અને તેમને બેફામ ગાળો ભાંડી ગંભીર આક્ષેપો કર્યા હતા. જે બનાવના પગલે વડોદરા સહિત રાજ્યભરમાં મામલતદારોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે.

અમારી લડત ચાલુ રહેશે
મામલતદાર પ્રદિપસિંહ ગોહિલ અને ભરત પટેલે જણાવ્યું હતું કે, આગામી સમયમાં અન્ય કોઇ મામલતદારોનું જાહેરમાં અપમાન ન કરે તે માટે અમે એક થયા છે. સાસંદ અને માજી ધારાસભ્ય દ્વારા જાહેરમાં માફી માંગવામા નહીં આવે ત્યાં સુધી વિવિધ કાર્યક્રમો સાથે અમારી લડત ચાલુ રહેશે.

અન્ય સમાચારો પણ છે...