કરુણાંતિકા:વડોદરાના સેજપુરાની ફરતે પાણી ભરાતાં પરિવાર બીમાર દીકરીને લઈને ભટકતો રહ્યો, સમયસર હોસ્પિટલ ન પહોંચી શકતાં કિશોરીનું મોત

વડોદરા4 મહિનો પહેલા
  • ધોરણ-10 માં અભ્યાસ કરતી બીમાર દીકરીને પરિવારજનો હોસ્પિટલ પહોંચાડી ન શક્યાં
  • મૃતદેહ લઈને નીકળેલી એમ્બ્યુલન્સના ચાલકે તૂટેલો રસ્તો ક્રોસ કરવાની હિંમત ન કરી

વડોદરાના ડભોઈ તાલુકામાં અનરાધાર વરસેલો વરસાદ સેજપુરા ગામના આદિવાસી પરિવાર માટે આફતનો વરસાદ પુરવાર થયો છે. ચારેકોર ભરાયેલાં પાણીને કારણે 16 વર્ષની બીમાર કિશોરીને સમયસર સારવાર માટે હોસ્પિટલમાં પહોંચાડી ન શકતાં મોતને ભેટી હતી. એ તો ઠીક, ચારેકોર ભરાયેલાં પાણીને કારણે મૃતદેહને પણ પોતાના ગામ સુધી લઇ જવામાં અનેક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. મામાને પોતાનો જીવ જોખમમાં મૂકી પોતાની ભાણીના મૃતદેહને ઊંચકીને ઘૂઘવાટા મારતા વહેતા પાણી પાર કરીને ગામમાં જવાની ફરજ પડી હતી.

દીકરીના મૃતદેહને ઊંચકીને લઇ જતો પરિવાર.
દીકરીના મૃતદેહને ઊંચકીને લઇ જતો પરિવાર.

સારવાર માટે બીમાર ભાણીને લઈ રિક્ષામાં નીકળ્યા
આ બનાવની વિગત એવી છે કે વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના સેજપુર ગામમાં રહેતી અને ધોરણ-10માં અભ્યાસ કરતી રેણુકા મહેન્દ્રભાઇ વસાવા બે દિવસથી બીમાર હતી. બીમારી દરમિયાન તેને ઊલટીઓ શરૂ થતાં પરિવાર તેણે રિક્ષામાં કારવણ ગામ સ્થિત સરકારી દવાખાને લઇ જવા માટે નીકળ્યા હતા, પરંતુ, ડભોઇ તાલુકામાં થયેલા ભારે વરસાદને કારણે ચારેકોર પાણી ભરાઇ ગયા હોવાથી રસ્તાઓ પણ બંધ હતા.

સેજાપુરા ગામથી બીમાર દીકરીને રિક્ષામાં લઈ જવામાં આવી હતી.
સેજાપુરા ગામથી બીમાર દીકરીને રિક્ષામાં લઈ જવામાં આવી હતી.

કિશોરીનું હોસ્પિટલ પહોંચતા પહેલાં જ મોત
પરિવાર બીમાર રેણુકાને છત્રાલ ગામ થઈને કારવણ જવાનો વિચાર કર્યો હતો, પરંતુ છત્રાલ ગામના માર્ગો ઉપર પાણી હોવાને કારણે પરિવારને બીમાર દીકરીને મંડાળા ગામ જવાના રસ્તાએથી કારવણ જવા નીકળ્યા હતા, પરંતુ પરિવાર રેણુકાને કારવણ હોસ્પિટલ સુધી પહોંચાડે એ પહેલાં રસ્તામાં જ તેનું મોત થયું હતું. પરિવાર તેને કારવણ હોસ્પિટલમાં લઇ ગયા હતા, જ્યાં તબીબોએ રેણુકાની તપાસ કરતાંની સાથે જ તેને મૃત જાહેર કરતાં પરિવાર સ્તબ્ધ બની ગયો હતો. રેણુકાનું મોત થતાં પરિવારના હૈયાફાટ રુદને સન્નાટો પાથરી દીધો હતો.

મૃતક કિશોરની ફાઇલ તસવીર.
મૃતક કિશોરની ફાઇલ તસવીર.

રસ્તો તૂટેલો હોવાથી એમ્બ્યુલન્સના ચાલકે આગળ જવાની હિંમત ન કરી
રિક્ષામાં કારવણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઇ જતી વખતે જ રસ્તામાં જ રેણુકાએ જીવ છોડી દીધો હતો. હોસ્પિટલમાં ગયા બાદ તબીબોએ રેણુકાને મૃત જાહેર કરતાં પરિવાર એમ્બ્યુલન્સમાં દીકરીના મૃતદેહને લઇ ખાનપુરાના રસ્તા પરથી પોતાના ગામ સેજપુરા આવવા નીકળી ગયા હતા, પરંતુ તાલુકામાં થયેલા ભારે વરસાદને કારણે ખાનપુર ગામના રસ્તા ધોવાઇ ગયા હતા. તૂટેલા રોડને કારણે એમ્બ્યુલન્સચાલકે મૃતદેહને લઇ સેજપુરા ગામ સુધી પહોંચાડવાની હિંમત કરી ન હતી. એમ્બ્યુલન્સચાલકે તૂટેલો રોડ ક્રોસ કરીને આગળ જવાનો ઇનકાર કરી દેતાં પરિવાર મૂંઝવણમાં મુકાઇ ગયો હતો.

મામાએ મૃતદેહ લઈ જવા બીજા વાહનની વ્યવસ્થા કરી
દરમિયાન રેણુકાના પિતા ન હોવાથી રેણુકાને હોસ્પિટલમાં લઈ ગયેલા અને હોસ્પિટલમાંથી મૃતદેહ લઇને પરત ફરેલા મામાએ સેજપુરા ગામમાં ફોન કરીને બીજા વાહનની વ્યવસ્થા કરી હતી. જોકે ગામમાંથી આવેલી ઇકો કારના ચાલકે પણ તૂટેલા રસ્તો પાર કરવાની હિંમત કરી ન હતી. જેથી મામા પોતાની ભાણીના મૃતદેહને પોતાના હાથથી ઊંચકી રોડ ઉપરથી પસાર થઇ રહેલા ઘૂઘવાટા મારતા પાણી પાર કરીને બીજી મગાવેલી કાર સુધી પહોંચ્યા હતા. એ કારમાં મૃતદેહને લઇ સેજપુરા ગામ પહોંચી રેણુકાની અંતિમવિધિની કાર્યવાહી હાથ ધરી હતી.

ધોરણ-10માં અભ્યાસ કરતી બીમાર દીકરીને પરિવારજનો હોસ્પિટલ પહોંચાડી ન શક્યાં.
ધોરણ-10માં અભ્યાસ કરતી બીમાર દીકરીને પરિવારજનો હોસ્પિટલ પહોંચાડી ન શક્યાં.

સેજપુરાના પરિવાર માટે વરસાદ આફત બન્યો
ઉલ્લેખનીય બાબત એ છે કે ડભોઇ તાલુકામાં થયેલો ભારે વરસાદ ભલે ધરતીપુત્રો માટે સોના સમાન પુરવાર થયો હોય, પરંતુ સેજપુરા ગામના વસાવા પરિવાર માટે ભારે વરસાદ આફતનો વરસાદ પુરવાર થયો હતો. ચારેકોર ભરાયેલાં પાણીને કારણે સમયસર સારવારના અભાવે ધોરણ-10ની વિદ્યાર્થિનીને પોતાનો જીવ ખોવાનો વખત આવ્યો છે, ત્યારે દરેક ગામમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની સુવિધાની ગુલબાંગો હાંકતી સરકારે હવે આ કિસ્સા પરથી આંખ ખોલવાની જરૂર છે. ગામલોકો દ્વારા દીકરીના પરિવારને સરકાર દ્વારા મદદ કરવામાં આવે એવી લાગણી વ્યક્ત કરી છે.

અન્ય સમાચારો પણ છે...