વડોદરાના માણેજા વિસ્તારમાં ગઈકાલે બે ગાયે શિંગડે ભેરવી કચડી નાખતા વૃદ્ધાનું મોત થયું હતું, આ મામલે બંને ગાયના માલિક કિરણ મૂળજીભાઈ રબારી (ઉ.27), (રહે.143, શ્રીજી ટેનામેન્ટ, માણેજા, વડોદરા) સામે ગુનો નોંધીને તેની ધરપકડ કરી છે.
દર્દથી પીડાઇને વૃદ્ધાએ દમ તોડ્યો હતો
વડોદરા શહેરના માણેજા વિસ્તારમાં રહેતા વૃદ્ધાને ભેટીએ ચઢાવી ગાયે બેથી ત્રણવાર પગથી ચગડી નાખતા મોઢા અને પગના ભાગે ઇજાગ્રસ્ત થયેલી વૃદ્ધાનું સ્થળ પર જ મોત થયું હતું. ગાય ભેટીઓ પર ભેટીઓ મારતી હતી અને વૃદ્ધા ત્યાં હાજર લોકોને બચાવવા કણસતી રહી હતી અને ગાયને કોઈ મારો, તેને હટાવો તેવી ચીસો પાડતી રહી હતી. પરંતુ, કોઈ તેમને બચાવવા આવ્યા ન હતા. અંતે દર્દથી પીડાઈને વૃદ્ધાએ સ્થળ પર જ દમ તોડ્યો હતો.
લોકો વીડિયો ઉતારતા રહ્યા હતા
માણેજાના સત્યમનગરમાં રહેતા 60 વર્ષના ગંગાબેન પરમાર બપોરે 2 વાગ્યે ઘરકામ પતાવી પંચરત્ન સોસાયટી નજીકથી પસાર થઈ રહ્યા હતા. તે સમયે નજીકમાં જ આવેલા ઢોરવાડામાંથી આવેલી એક વિયાયેલી ગાયે ગંગાબેનને ભેટી મારી પાડી દીધા હતા અને ઉપરાછાપરી ભેટીઓ મારી પગથી કચડતી રહી હતી. ગાય એક પછી એક ત્રણ વાર જમીન પર પડેલા વૃદ્ધા પર હુમલો કર્યો હતો. આ આખી ઘટનાનો સ્થાનિક રહીશોએ વીડિયો ઉતાર્યો હતો. વીડિયોમાં દેખાય છે કે, ઇજાગ્રસ્ત વૃદ્ધા કણસી રહી છે અને ત્યાં હાજર રહીશોને બચાવવા માટે આ ગાયને કોઈ મારો, હટાવોની બુમો પાડતી રહી. પરંતુ કોઈએ વૃદ્ધાને ગાયથી બચાવવા હિંમત કરી નહતી. અંતે સ્થળ પર નિઃસહાય અને અશક્ત વૃદ્ધાએ દમ તોડ્યો હતો.
કોઈએ મદદ કરી હોત તો કદાચ વૃદ્ધા જીવીત હોત
ગાયે વૃદ્ધ ગંગાબેન ભેટી મારતા તેઓ નિઃસહાય જમીન પર પડ્યા પડ્યા બચાવવા માટે અજીજી કરી રહ્યા હતા. બીજી તરફ ત્યાં લોકો વીડિયો બનાવી રહ્યા હતા. ગાય વારંવાર આવી હુમલો કરતી હતી. જે વચ્ચેના સમયમાં જો સ્થાનિક લોકોએ વીડિયો બનાવવા સાથે મહિલાને ઉંચકીને પોતાના ઘરમાં પણ લઈ આવ્યા હોત તો કદાચ વૃદ્ધા જીવીત હોત.
આજે મારી માતા ગઈ છે, કાલે કોઈનું વ્યક્તિ જશે
મૃતકના પુત્રી નિરૂબેન પરમારે જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં ગાયોનો ભારે ત્રાસ છે, તેઓ એકલા રહે છે અને ઘરે જતા હતા તે સમયે ઘટના બની છે. આજે મારી માતા ગઈ છે કાલે બીજા કોઈનું ઘરનું વ્યક્તિ જશે. રોડ પર જ ઢોરવાડો ઉભો કર્યો છે અને ગાયો અહીંયા જ ફરે છે.
ઢોરવાડો સીલ કર્યો, 40 ગાય પકડી
વર્ષોથી આ સ્થળે ઢોરવાડો ઉભો કરાયો છે અને સ્થાનિક લોકો કહે છે કે, ગાયોનો ભારે ત્રાસ છે. તેમ છતાં તંત્ર સ્થળ પર આવીને જોઈને જતું રહે છે. પરંતુ, વૃદ્ધાના મોત બાદ પોતાની આબરૂ બચાવવા નિંદ્રાધીન તંત્ર જાગ્યું હતું અને તાબડતોબ સ્થળ પર પહોંચી 40 ગાય ઝડપીને ઢોરવાડો સીલ કર્યો હતો. જો આવી કામગીરી પહેલા કરી હોત તો નિર્દોષ વૃદ્ધા ગંગાબેન જીવીત હોત.
ઢોર માલિક મહિલા સામે ફરિયાદ
મકરપુરા વિસ્તારમાં ઢોરપાર્ટી રખડતા ઢોરને પકડવાની કામગીરી દરમિયાન ઢોરપાર્ટીએ મકરપુરા વિસ્તારમાં આવેલા શરદનગર પાસેથી એક ગાયને પકડી હતી. ઢોર પાર્ટીના કર્મચારીએ ઢોરના માલિક કાંતાબેન રબારી સામે મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.