મહીસાગર જિલ્લા ભાજપના કારોબારી સભ્ય અને તેમનાં પત્નીની હત્યા કેસમાં ત્રિભોવનદાસ પંચાલના ખાસ મિત્રએ જ હત્યા કરી હોવાનો ઘટસ્ફોટ થયો છે. રૂપિયાની લેતીદેતીમાં હત્યા થઇ હોવાનું બહાર આવ્યું છે. મહીસાગર પોલીસે આરોપી ભીખાભાઇ પટેલની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
ભાજપના નેતા-પત્નીના લોહીલુહાણ હાલતમાં મૃતદેહો મળ્યા હતા
મહીસાગર જિલ્લાના લુણાવાડાના ગોલાના પાલ્લા ગામમાં રહેતા ત્રિભોવનદાસ પંચાલ(ઉ.77) અને તેમના પત્નની જશોદાબેન પંચાલ(ઉ.70) પોતાનું નિવૃત જીવન ગાળી રહ્યા હતા. ત્રિભોવનદાસ મહીસાગર જિલ્લા ભાજપના કારોબારી સભ્યનો હોદ્દો ધરાવતા હતા. 4 ઓગસ્ટે રાત્રીના સમયે ત્રિભોવનદાસ પંચાલ અને તેમના પત્ની જમી રહ્યા હતા. તે દરમિયાન કોઈ અજાણ્યા ઈસમોએ બુમ પાડીને વૃદ્ધ ત્રિભોવનદાસને બહાર બોલાવ્યા હતા. જેથી તેઓ ઘરની બહાર આવી ઘરના કમ્પાઉન્ડ વોલ પાસે આવેલી લોખંડના દરવાજાનું તાળું ખોલી પરત ઘર તરફ આવતા હતા. તે દરમિયાન હત્યારાઓએ ત્રિભોવનદાસના માથાના ભાગે તિક્ષ્ણ હથિયારના ઉપરા છાપરી 3 ઉપરાંત ઘા મારી હુમલો કરી હત્યા કરી નાખી હતી.
લોહીલુહાણ હાલતમાં મૃતદેહ જોઇને લોકો ચોંકી ઉઠ્યા
દરમિયાન ઘર બહાર થયેલી હિલચાલને લઈને તેમના પત્નિ જશોદાબેન ઘર બહાર આવ્યા હતા. તે વખતે જ તેમને પણ તેઓ ઘરની બહાર આવે તે પહેલાં જ તેમને પણ માથાના ભાગે તિક્ષ્ણ હથિયારના માથાના ભાગે ઘા મારી જીવલેણ હુમલો કરી તેમની હત્યા કરી નાખી હતી અને હત્યારાઓ ફરાર ગયા હતા. સવારે દૂધ ભરવા માટે જતા લોકોએ કમ્પાઉન્ડમાં ખુલ્લામાં લોહીલુહાણ હાલતમાં મૃતદેહ જોઇને ચોંકી ઉઠ્યા હતા.
સોના-ચાંદીના દાગીના પણ સલામત મળી આવ્યા હતા
આ બનાવની જાણ લુણાવાડા પોલીસને તેમજ મૃતકના આણંદ ખાતે રહેતા પુત્રને થતાં તાત્કાલિક તેઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ડબલ મર્ડરને લઇને રેન્જ આઇજી સહિત પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી. પોલીસે ડોગ સ્કોવડ અને FSLની મદદ લઇને હત્યારાઓ સુધી પહોંચવા માટે સઘન તપાસ હાથ ધરી છે. તપાસ દરમિયાન ઘરમાં રાખવામાં આવેલી રોકડ રકમ તેમજ અન્ય સોના-ચાંદીના દાગીના પણ સલામત મળી આવ્યા હતા.
ગૃહ રાજ્યમંત્રીએ તપાસના આદેશ આપ્યા હતા
ડબલ મર્ડર કેસમાં ગૃહ રાજ્યમંત્રીએ તપાસના આદેશ આપ્યા હતા. રેન્જ IG જિલ્લા પોલીસ વડા સહિત પોલીસની અલગ-અલગ ટીમો સહિત જિલ્લા પોલીસનો કાફલાએ ઘટના સ્થળે પહોંચીને સતત તપાસ હાથ ધરી હતી. લુણાવડા નગરના CCTV ફૂટેજ ચેક કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પોલીસ તપાસ દરમિયાન આ કેસમાં મૃતક ત્રિભોવનદાસના મિત્રએ જ હત્યા કરી હોવાનું ખુલ્યુ છે. જેને પગલે પોલીસે આરોપી ભીખાભાઇ પટેલની ધરપકડ કરી છે. સામાન્ય પૈસાની લેતી-દેતીમાં હત્યા થઇ હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ આજે સવારે આરોપીને ઘટના સ્થળે લઇ ગઇ હતી. પોલીસે આરોપીનો મોબાઇલ અને હથિયાર કબજે કરીને વધુ તપાસ હાથ ધરી છે.
પંચાલ સમાજે આરોપીને કડક સજા આપવાની માંગ કરી
દાહોદમાં આવેલા ગૃહ રાજ્યમંત્રીને પંચાલ સમાજે આવેદન આપ્યુ હતું. મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના ગોલાના પાલ્લા ગામે પંચાલ સમાજના આગેવાન એવા દંપતિની કરપીણ હત્યાના બનાવનો દાહોદ જિલ્લા પંચાલ સમાજ પ્રગતિ મંડળ, દાહોદે વખોડી કાઢી હતી. આ ઘટનાનો ભેદ ઉકેલીને હત્યારાઓને પકડી પાડી કડકમાં કડક સજા કરવામાં આવે તેવી લાગણી અને માંગણી સાથેનું એક આવેદનપત્ર ગૃહ રાજ્યમંત્રીને સુપ્રત કરવામાં આવ્યું હતું.
જમતા જમતા આવેલાં ત્રિભોવનદાસને પાળિયું મારી તેમના પત્નીને પાણી લઇ બહાર આવવા કહ્યું અને આવતાં જ મારી દીધું
મૃતક ત્રિભોવનદાસ સાથે પૈસા બાબતે મોબાઇલ ફોન પર ભીખાભાઇ સાથે બોલાચાલી થતાં ભીખાભાઇએ ઘરે આવું છુ. તેમ કહીને ઘરની પાછળના ભાગે લોખંડનુ પાળીયું લઇને દંપતીની હત્યા કરી નાંખી હતી. પોલીસે હત્યારા ભીખાભાઇને પકડીને હત્યાના સ્થળે લઇને સમગ્ર ઘટનાનું રીકન્સ્ટ્રકશન કરાવ્યું હતું. હત્યારા ભીખાભાઇ ત્રિભોવનદાસના ઘરની પાછળના ભાગે જઇને આશરે 5 ફુટ જેટલો ઉભો લોખંડનો ઝાંપા પરની તારની વાડ પર પગ મુકીને કૂદીને કમ્પાઉન્ડમાં ગયો હતો.
મૃતક ત્રિભોવદાસ જમવાનું અધવચ્ચે છોડીને બહાર આવતાં તેમની પર લોખંડનુ પાળીયું મારીને હત્યા કરતાં તેઓ નીચે જમીન પર ઢળી પડ્યા હતા તે જગ્યા પોલીસને બતાવી હતી. અવાજ થતાં જમવા બેઠેલા જશોદાબેન બહાર આવતાં હત્યારા ભીખાભાઇએ કહ્યું કે પાણી લઈ આવો ત્રિભોવનદાસને કંઈક થયું છે અને જમીન પર પડી ગયા છે. તેમ કહેતાં જેવા માજી પાણી લેવા ગયા ત્યારે મેં તેમને પાછળથી ઘા મારતા તેઓ પણ ઘરની અંદર જમીન પર પડી ગયા હતા. ત્યાર બાદ હું ત્રિભોવનદાસનો મોબાઈલ લઈ મારા ઘરે આવીને મોબાઈલ ગોખલામાં મુકી દીધો હતો. પોલીસે હત્યારાએ લોખંડનું પાળીયુ કેવી રીતે મારીને હત્યા કેવી રીતે કરી તેનું રીકન્સ્ટ્રકશન કરાવ્યું હતું.
હત્યાનો મુદ્દામાલ કબજે કર્યો
ભીખાભાઇ પટેલે પહેલાં ત્રિભોવનદાસની અને બાદમાં જશોદાબેનની હત્યા કરીને પકડાઇ જવાના ડરે ત્રિભોવનદાસનો મોબાઇલ લઇ લીધો હતો. તેમજ હત્યા કરીને ભાગતાં લોખંડનુ પાળિયું નજીકમાં ફેંકી તે ઘરે જતો રહ્યો હતો. ભીખાભાઇએ મૃતકનો મોબાઇલ પોતાના ઘરમાં સંતાડી દીધો હતો.
કડક ઉઘરાણીની દાઝ રાખીને હત્યા કરી
ત્રિભોવનદાસ અને ભીખાભાઇ પટેલ મિત્ર હતા અને ત્રિભોવનદાસે તેમના ખેતરમાં ખેતીકામ કરવા ભીખાભાઇને ખેતર સોપ્યું હતું. ત્રિભોવનદાસ ઉછીના આપેલા 20 હજારની ઉઘરાણી કરવા ખેતર પર અને તેના ઘરે જતા હતા. તેમની કડક ઉઘરાણીથી ભીખાભાઇ ત્રાસી ગયા હતા. જેથી ફોન પર બોલાચાલી બાદ દાઝ રાખીને હત્યા કરી હતી.
હત્યારાના ઘરમાંથી મોબાઇલ મળ્યો
વૃદ્ધ દંપતીની હત્યાની પોલીસે તપાસ કરતાં તેમનો એક મોબાઇલ ન મળતાં પોલીસે મોબાઇલનું લોકેશન શોધી હત્યા સ્થળથી 500 મીટરમાં બતાવતું હતું. બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્ક્વોડની મદદ લેવાઇ હતી. સાથે પોલીસે ટીમો બનાવી 4 દિવસ શોધખોળ કરતાં પકડાયેલાં હત્યારાએ મોબાઇલ તેના ઘરના ગોખલામાં હોવાની કબૂલાત કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.