વડોદરાના મહાઠગ હર્ષિલ લિમ્બાચીયા સામે અગાઉ માંજલપુર પોલીસ મથકમાં નોંધાયેલા રૂપિયા 48 લાખની છેતરપિંડીના ગુનામાં આજે રિમાન્ડ પૂર્ણ થયા છે. તે પહેલા જ મહાઠગ સામે માંજલપુર પોલીસ મથકમાં વધુ એક છેતરપિંડીનો ગુનો નોંધાયો છે. હર્ષિલ લિંબાચીયાએ જીએમઇઆરએસમાં સેટીંગ કરીને સિક્યોરીટીનો કોન્ટ્રાક્ટ અપાવવાના બહાને બોગસ વર્ક ઓર્ડર આપી લાખો પડાવ્યા હતા. આ મામલે મહાઠગ હર્ષિલ લિંબાચીયા સામે વધુ એક રૂપિયા 4 લાખ ઉપરાંતની ફરિયાદ નોંધાઇ છે.
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં હર્ષિલ સામે માંજલપુર પોલીસ મથકમાં રૂપિયા 48 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાતા વડોદરા ક્રાઇમ બ્રાન્ચે તેને દમણથી દબોચ્યો હતો. આ મામલે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. અને પ્રથમ તેના રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા. જેની મુદ્દત આજે પુર્ણ થાય છે. તે પહેલા જ તેની સામે માંજલપુર પોલીસ મથકમાં વધુ એક ફરિયાદ નોંધાઇ છે.
માંજલપુર પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર, દિપકકુમાર સતીષચંદ શર્મા (ઉં. 40) (રહે. ચાણક્ય પુરી, સમા રોડ) સિક્યુરીટી એજન્સીનું કામ કરે છે. તેઓ ઇન્ડિયન આર્મર સર્વિસીસ નામથી સિક્યુરીટી ચલાવે છે. જેની ઓફિસ છાણી ખાતે આવેલી છે. વર્ષ 2019 માં તેઓ મિત્ર થકી હર્ષિલ લિંબાચીયાના સંપર્કમાં આવ્યા હતા. હર્ષિલે મુલાકાતમાં જણાવ્યું કે, જીએમઇઆરએસના સમગ્ર ગુજરાતના ડાયરેક્ટર સાથે મારે ઓળખાણ છે. સેટીંગ કરાવીને સિક્યોરીટીના કોન્ટ્રાક્ટ અપાવું છું, તમારે કામ હોય તો કહેજો. વાત આગળ વધતા હર્ષિલે દિપક કુમાર પાસેથી સિક્યોરીટીના કોન્ટ્રાક્ટના કમિશન પેટે રૂપિયા 11 લાખ રોકડાની માંગ કરી હતી. જે જીએમઇઆરએસના ડાયરેક્ટર સાથે મીટીંગ બાદ આપવાનું નક્કી થયું હતું.
જે બાદ હર્ષિલે એક દિવસ સવારે ફોન કરીને ડાયરેક્ટરને મળવાનું છે, તેમ કહીને જીએમઇઆરએસ ગોત્રી લઇ ગયો હતો. ત્યાં પાર્કિંગમાં દિપકકુમારને બેસાડીને ડાયરેક્ટરને ફોન કરૂ છું તેમ જણાવ્યું હતું. કોઇની સાથે ફોન પર વાત કરી જવાબ આપ્યો કે, ડાયરેક્ટર ગાંધીનગર છે. કાલે આવવાના છે, કાલે મળીશું. તેમ કહી દિપકકુમારને એક મોબાઇલ નંબર આપ્યો હતો. જે નંબર ડાયરેક્ટર સંજયરાવ શુક્લાનો હોવાનું કહ્યું હતું. અને તેના પર ફોન નહિ કરવા જણાવ્યું હતું.
ત્યાર બાદ કોન્ટ્રાક્ટનો વર્ક ઓર્ડર મળી ગયો હોવાની જાણ કરતો ફોન હર્ષિલ લિંબાચીયાએ કર્યો હતો. આ અંગેની કોપી હર્ષિલે વોટ્સએપ થકી દિપકકુમારને મોકલી આપી હતી. વર્ક ઓર્ડરની હાર્ડ કોપી લેવા માટે રૂપિયા 9 લાખ રોકડા લઇને હર્ષિલના ઘરે બોલાવ્યા હતા. હર્ષિલના ઘરે જયા હર્ષિલ લિંબાચીયાએ તેના ઘર નીચે પાર્કિંગમાં વર્ક ઓર્ડરની હાર્ડ કોપી આપી હતી. જે બાદ દિપક કુમારે પૈસા આપ્યા હતા. અને રૂપિયા 1 લાખ ગુગલ પે મારફતે હર્ષિલને મોકલ્યા હતા. પછી ડાયરેક્ટર શુક્લાને આઇફોન અને રૂપિયા 31,500 રોકડા ગિફ્ટમાં આપવાના હોવાનું જણાવીને બંને વસ્તુઓ મંગાવી હતી.
આખરે સિક્યોરીટીના માણસે ક્યાં ક્યાં મુકવાના છે તે સહિતની માહિતી માંગતા હર્ષિલે પુછીને જાણ કરવાનું જણાવ્યું હતું. જે બાદ કોન્ટ્રાક્ટની તારીખ બદલાઇ હોવાનું જણાવીને નવો વર્ક ઓર્ડર વોટ્સએપના માધ્યમથી દિપકકુમારને મોકલ્યો હતો. આખરે એક દિવસ દિપકકુમારે જીએમઇઆરએસ ગોત્રીમાં ઇન્કવાયરી કરતા કોઇ સિક્યોરીટી બદલવાની નહિ હોવાનું માલુમ પડ્યું હતું. જેથી તેઓએ હર્ષિલ પાસેથી રૂપિયા 11 લાખ પરત માંગ્યા હતા. જે મામલે ગોળગોળ જવાબ જ મળ્યો હતો. આખરે તેણે બે ચેક આપ્યા હતા. જે બાઉન્સ થયા હતા. સમગ્ર બનાવટી વર્ક ઓર્ડરના કૌભાંડમાં હર્ષિલે રૂપિયા 9.76 લાખની ઠગાઇ કરતા મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે.
હર્ષિલે દિપકકુમાર પાસેથી લીધેલા રૂપિયા 11 લાખ પૈકી રૂપિયા 7.35 લાખ પરત આપ્યા હતા. તે ઉપરાંત જીએસટી, સિક્યુરીટી ગાર્ડના યુનિફોર્મ મળીને રૂપિયા 9.76 લાખનું નુકશાન પહોંચાડ્યું હતું. આખરે હર્ષિલ સામે માંજલપુર પોલીસ સ્ટેશનમાં વધુ એક છેતરપિંડીનો ગુનો નોંધાયો છે. સુત્રોના જણાવ્યા અનુસાર, મહાઠગની માયાજાળમાં ફસાયેલા અનેક લોકો આગળ આવી શકે છે અને ઠગાઇના વધુ કિસ્સાઓ પોલીસ મથક સુધી પહોંચે તો નવાઇ નહીં.
વડોદરા શહેરના માંજલપુર પોલીસ સ્ટેશનમાં સહિત 13 જેટલા કેસ નોંધાયા છે. આજે જ હર્ષિલ સામે નોંધાયેલા છેલ્લા ગુનાના રિમાન્ડ પૂર્ણ થાય છે અને ગતરોજ તેની સામે વધુ એક ગુનો નોંધાયો છે. જેને લઇને આવનારા સમયમાં તેની મુશ્કેલીઓ વધી શકે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.