PMOનું વટાવી વૈભવી ઠાઠ ભોગવતા અમદાવાદના મહાઠગ કિરણ પટેલે અનેકને પોતાની જાળમાં ફસાવ્યાનું સામે આવી રહ્યું છે, ત્યારે વડોદરાના મહારાજા સમરજીતસિંહ ગાયકવાડ પણ આ મહાઠગને ઓળખી શક્યા નહોતા. અને 2018માં મહાઠગને પુસ્તક આપીને તેનું સન્માન કર્યું હતું.
2018માં મહાઠગ વડોદરા આવ્યો હતો
વર્ષ-2018માં વડોદરાના નવલખી મેદાનમાં ભાજપાના અગ્રણી મેહુલ ઝવેરી દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. ગરબાના આયોજનમાં તે સમયના અકોટા વિધાનસભાના ધારાસભ્ય સીમાબહેન મોહિલે પણ ગરબાના આયોજનના એક ભાગ હતા. વડોદરા શહેરના વિવિધ વિસ્તારમાં નવલખી મેદાનમાં ગરબાના આયોજનના ઠેર-ઠેર હોર્ડિંગ્સ લાગ્યા હતા. જેમાં ધારાસભ્ય સીમાબહેન મોહિલે, મહુલ ઝવેરી સહિતના આયોજકોના ફોટા પણ લાગ્યા હતા.
આ ગરબાનું આયોજન પણ વડોદરામાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. તે સમયે ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીના સંચાલકો સાથે કિરણ પટેલ વડોદરા આવ્યો હતો. આ સમયે જ મહાઠગ કિરણ પટેલની સમરજીતસિંહ ગાયકવાડ સાથે થઈ હતી અને મહાઠગનું પુસ્તક આપીને સન્માન કર્યું હતું. તેની તસવીર પણ સામે આવી છે.
નવરાત્રિમાં ઠગ આવ્યો હતો
મળેલી માહિતી પ્રમાણે વર્ષ-2018માં નવલખી મેદાનમાં થયેલા ગરબાના આયોજન સમયે આયોજકો દ્વારા એક ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીને કામ સોંપવામાં આવ્યું હતું. તે સમયે ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીના સંચાલકો સાથે ઠગ કિરણ પટેલ વડોદરા આવ્યો હતો. અકોટા વિધાનસભાના માજી ધારાસભ્ય સીમાબહેન મોહિલેનો સંપર્ક કર્યો હતો. તે સમયે પણ તેને પોતે PMOનું નામ વટાવ્યું હતું. સાથે ભાજપાના મોટા ગજાના રાજકીય અગ્રણીના નામો સાથે સબંધો હોવાનું જણાવી ધારાસભ્ય ઉપર પ્રભાવ પાડ્યો હતો.
ઠગને મોટી હસ્તીના રૂપમાં જોતા હતા
માજી ધારાસભ્ય સીમાબહેન મોહિલે પણ ઠગ કિરણ પટેલની વાકછટામાં આવી ગયા હતા. ઠગ કિરણ પટેલને પોતાના ગરબાના આયોજનના અન્ય આયોજકોને સારા વ્યક્તિ તરીકેની ઓળખ આપી હતી. ધારાસભ્ય સીમાબહેન મોહિલે ઠગ કિરણ પટેલને ગરબાના આયોજનમાં મદદરૂપ થવાના ભાગરૂપે લઇ આવ્યા હોવાથી, ગરબાના અન્ય આયોજકો મેહુલ ઝવેરી સહિતના અન્ય આયોજકો પણ ઠગ કિરણ પટેલને મોટી હસ્તીના રૂપમાં જોતા હતા. તેને સારો આવકાર આપતા હતા.
ભાજપની મહિલા કાર્યકરોને બહેન બનાવી દેતો
એવી પણ માહિતી મળી છે કે, મહાઠગ કિરણ પટેલે વડોદરામાં કેટલાક લોકોને ચૂંટણીઓમાં ટિકિટ અપાવવાના પણ બણગાં ફૂંક્યા હતા. પરંતુ, કેટલાંક લોકોને ઠગ કિરણ પટેલ મહા ઠગ હોવાની જાણ થતાં ભાજપના અગ્રણીઓને પોતાના નીકટના લોકોને સચેત કરી દીધા હતા. આ ઠગ ભાજપાના ઉચ્ચ હોદ્દાદારો સાથે પોતાના ઘનિષ્ઠ સબંધો રાખતો હતો અને ભાજપની અગ્રીમ હરોળની બહેનોને પોતાની બહેન તરીકેની લોકોને ઓળખ આપી પ્રભાવિત કરી દેતો હતો અને વૈભવી ઠાઠ ભોગવતો હતો.
દુકાનમાંથી PMO અધિકારીનું નકલી કાર્ડ બનાવ્યું હતું
ઠગ કિરણે અમદાવાદના મણિનગરમાં આવેલી એક દુકાનમાંથી અશોકસ્તંભ સાથેના PMOનું વિઝિટિંગ કાર્ડ બનાવ્યું હતું. જેને લઈને પોલીસની સ્પેશ્યિલ ટીમે મણિનગરની દુકાનમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં દુકાનમાંથી અમુક દસ્તાવેજો, કોમ્પ્યુટર અને CCTV ફૂટેજ કબજે કર્યાં છે. કિરણ પરિવાર સાથે શ્રીનગર ગયો, ત્યારે પોતાની ઓળખ PMO અધિકારીની આપતા સ્થીનિક સુરક્ષા એજન્સીએ તેને Z+ સિક્યોરિટી આપી હતી.
પોલીસે તપાસ શરૂ કરી
આ ઉપરાંત તેના સોશિયલ મીડિયામાં ભાજપના નેતાઓ સાથેના ફોટા મુકીને તેની ઓળખાણ ટોચના નેતાઓ સાથે હોવાનું કહીને પણ ગુજરાતમાં ઠગાઈ આચરતો હોવાનું સામે આવ્યું છે. તેની ઠગાઈની જાળમાં ગુજરાતના કેટલાંક સંતો, ખેડૂતો, નિવૃત પોલીસ અધિકારીઓ અને રાજકારણી ફસાયા હોવાનું ખુલ્યું છે. ગુજરાત પોલીસ પણ કિરણની કુંડણીની તપાસ કરવામાં લાગી છે.
સુરક્ષી એજન્સીઓને શંકા ગઈ
PMOનો અધિકારી હોવા છતાં ફેબ્રુઆરી અને માર્ચમાં સતત બે વાર કાશ્મીરની મુલાકાતે જતાં કાશ્મીરની સુરક્ષા એજન્સીઓને શંકા ગઈ કે, PMO અધિકારી પાસે આટલો સમય તો ના જ હોય. જેથી તપાસ કરતા તે નકલી અધિકારીનો આખો ભાંડો ફૂટ્યો હતો. કિરણ કાશ્મીરની મુલાકાતે જતો ત્યારે સરકારી તંત્રને જણાવતો કે, કેન્દ્ર સરકારે કાશ્મીરમાં સફરજનના બગીચાઓમાં રોકાણની તકો શોધવાની જવાબદારી તેને સોંપી હતી. તેણે સ્થાનિક અધિકારીઓ સાથે બે વાર બેઠક યોજી હતી.
દૂધપથરી પ્રવાસન સ્થળે SD કક્ષાના અધિકારી દ્વારા સ્વાગત
ગુજરાતના મહાઠગ કિરણ પટેલે કાશ્મીરની મુલાકાત દરમ્યાન દૂધપથરી નામના પ્રખ્યાત પ્રવાસન સ્થળની મુલાકાત લીધી હતી. જ્યાં SD કક્ષાના અધિકારીએ તેનું ભવ્ય સ્વાગત કરીને વિવિધ જગ્યાએ ફરવા લઇ ગયા હતા. બાદમાં કિરણ પટેલે લાઇન ઓફ કંટ્રોલની કમાન પોસ્ટ અને દાલ લેકની પણ મુલાકાત લીધી હતી. બુલેટપ્રૂફ કારમા કરતા કિરણની સુરક્ષા માટે સંખ્યાબંધ હથિયારધારી સિક્યુરિટી સ્ટાફ ખડેપગે રહેતા હતા. આખો ભાંડો ફૂટતા નિશાત પોલીસે તેની ધરપકડ કરી એટલે તેણે તરત જ તેનો ગુનો કબૂલી લીધો હતો. ઉપરાંત તેને વીવીઆઈપી સુરક્ષા આપવા મામલે જમ્મુ કાશ્મીરના બે ઉચ્ચ અધિકારીઓની પૂછપરછ ચાલી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.