ભારતી આશ્રમ વિવાદ:પૂછપરછ પૂર્ણ થયા બાદ સ્વામી હરિહરાનંદ જુનાગઢ જવા રવાના, કહ્યું: 'જમીન વિવાદ બાબતે માનસિક દબાણ હોવાથી આશ્રમ છોડ્યો હતો'

વડોદરા2 મહિનો પહેલા
  • સ્વામી હરિહરાનંદ 4 દિવસ બાદ નાસિક નજીકથી એક કારમાં મળ્યા
  • બાપુની તબિયત સારી છે, જરૂર લાગશે તો અમે સારવાર કરાવીશુંઃ જુનાગઢ ભારતી આશ્રમના ટ્રસ્ટી

ગત 30 એપ્રિલના રોજ વડોદરાની કપુરાઈ ચોકડી ખાતેથી એક ટેમ્પોમાં બેસીને નાસિક તરફ ગયેલા હરિહરાનંદ બાપુને તેમના સેવકો જ આજે શોધી લાવ્યા હતા અને વડોદરા ક્રાઈમ બ્રાન્ચ ખાતે તેમની પૂછપરછ બાદ તેઓ તેમના અનુયાયીઓ સાથે સીધા જુનાગઢ જવા રવાના થયા છે. ​​​​​​જુનાગઢ ભારતી આશ્રમના ટ્રસ્ટી ધર્મેન્દ્રભાઈ પ્રજાપતિએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, હરિહરાનંદ બાપુને અમે હવે સીધા જુનાગઢ લઈ જઈ રહ્યા છીએ ત્યાં ભારતી આશ્રમ ખાતે તેઓ રહેશે. બાપુની તબિયત સારી છે, જરૂર લાગશે તો અમે રસ્તામાં તેમની હોસ્પિટલમાં સારવાર કરાવીશું. અત્રે ઉલ્લેખનીય છે કે, હરિહરાનંદ બાપુએ મીડિયા સમક્ષ બોલવાનું ટાળ્યું હતું.

આશ્રમના વિવાદને લઈને દુઃખી હોવાથી આશ્રમ છોડ્યો હતો
વડોદરા ક્રાઈમ બ્રાંચ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, હરિહરાનંદ બાપુને તેમના સેવકો એ જ નાસિક પાસેથી શોધી કાઢ્યા છે. બાપુ આશ્રમના વિવાદને લઈને દુઃખી હોવાથી આશ્રમ છોડી નીકળી ગયા હતા. આશ્રમની જમીન મામલે જે વિવાદ છે, તેની તપાસ જુનાગઢ અથવા તો સરખેજ અમદાવાદથી થશે. વડોદરામાં માત્ર હરિહરાનંદજી બાપુ ગુમ થયા હતા અને તેમને શોધી લાવવામાં આવ્યા છે તેની તપાસ કરવામાં આવશે. DCP ઝોન 3 યશપાલ જગાણીયાએ જણાવ્યું હતું કે, હરિહરાનંદજી બાપુ વડોદરાથી એક ટેમ્પોમાં બેસીને નાસિક ગયા હતા. તેમને કોઇ રાજકીય દબાણની વાત કરી નથી. પણ જમીન વિવાદ બાબતે માનસિક દબાણ હોવાથી આશ્રમ છોડી જતા રહ્યા હોવાની વાત કરી છે.

વડોદરા ક્રાઇમ બ્રાંચ સ્વામી હરિહરાનંદની પૂછપરછ શરૂ કરવામાં આવી છે
વડોદરા ક્રાઇમ બ્રાંચ સ્વામી હરિહરાનંદની પૂછપરછ શરૂ કરવામાં આવી છે

કપુરાઈ ચોકડીથી ગુમ થયા હતા
ભારતી આશ્રમના મહંતસ્વામી હરિહરાનંદ ભારતીજી વડોદરાની કપુરાઈ ચોકડીથી ગુમ થયાની અરજી વાડી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. પોલીસે પણ તેમની શોધખોળ હાથ ધરી હતી, ગુમ થયાની રાત્રે તેઓ કપુરાઈ ચોકડી નજીક આવેલી હોટલ ક્રિષ્ના બહાર લાગેલા CCTVમાં કેદ થયા હતા. આ મામલે ક્રાઇમ બ્રાન્ચે 5 ટીમ બનાવી હતી તેમજ તેમના અંગે માહિતી આપનારને પણ ઇનામ આપવાની જાહેરાત પણ કરી હતી.

સ્વામી હરિહરાનંદને કારમાં વડોદરા ક્રાઇમ બ્રાંચમાં લવાયા હતા
સ્વામી હરિહરાનંદને કારમાં વડોદરા ક્રાઇમ બ્રાંચમાં લવાયા હતા

અમદાવાદ મેડિકલ ચેકઅપ માટે ગયા હતા
પરમેશ્વર ભારતી (રહે. શ્રી ભારતી આશ્રમ, ગુરડેશ્નર, જિલ્લો નર્મદા)એ વડોદરાના વાડી પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી કે અમારા આશ્રમના ગાદીપતિ શ્રી શ્રી 1008 મહામંડલેશ્વર સ્વામી શ્રી હરિહરાનંદ ભારતીજી મહારાજ ગત તા. 30 એપ્રિલ 2022ના રોજ બપોરના આશરે 12 વાગ્યે અમારા આશ્રમ કેવડિયાથી અમદાવાદ સિવિલ હોસ્પિટલની બાજુમાં આવેલી ડૉ. રવીન્દ્ર લોઢાની હોસ્પિટલમાં ચેકઅપ કરાવવા માટે નીકળ્યા હતા. ચેકઅપ કરાવી સાંજના આશરે સાડાપાંચ વાગ્યે કેવડિયા આશ્રમ ખાતે આવવા નીકળ્યા હતા.

ક્રાઈમ બ્રાંચ દ્વારા કચેરીનો મુખ્ય દરવાજો બંધ કરીને પૂછપરછ શરૂ કરાઈ હતી.
ક્રાઈમ બ્રાંચ દ્વારા કચેરીનો મુખ્ય દરવાજો બંધ કરીને પૂછપરછ શરૂ કરાઈ હતી.

વડોદરામાં અનુયાયીને ત્યાં રોકાયા બાદ રસ્તામાંથી ગુમ થયા
વડોદરા શહેરમાં રહેતા તેમના એક સેવક રાકેશભાઇ રસિકભાઇ ડોડિયા (રહે. રુદ્રાક્ષ હાઇટ્સ, કપુરાઇ ચોકડી પાસે) રાત્રિ ભોજન કરવા માટે ગયા હતા. જ્યાં રાત્રે આશરે નવ વાગ્યે તેમણે કારેલીબાગ ખાસવાડી સ્મશાન ખાતે તેમના શિષ્ય કાળુ ભારતી પાસે જવાનું કહેતાં રાકેશભાઇ ડોડિયાએ હરિહરાનંદ મહારાજને કપુરાઇ ચોકડી પાસે આવેલી પોલીસ ચેકપોસ્ટની પાછળ હનુમાન દાદાની ડેરીએ કારમાંથી ઉતાર્યા હતા. ત્યાર બાદ રાકેશભાઇ તેમના ઘરે જતા રહ્યા હતા.

વડોદરા ક્રાઇમ બ્રાંચની કચેરીમાં સ્વામી હરિહરાનંદની પૂછપરછ શરૂ કરાઈ.
વડોદરા ક્રાઇમ બ્રાંચની કચેરીમાં સ્વામી હરિહરાનંદની પૂછપરછ શરૂ કરાઈ.

કોઈ આશ્રમમાં ભાળ ન મળી
બાદમાં હરિહરાનંદ મહારાજ ગઇકાલે તા. 1 મે 2022ની સવારે 10 વાગ્યા સુધી કેવડિયા આશ્રમે ન પહોંચતાં આ અંગે કાળુ ભારતીને ફોન કરી પૂછતાં તેમણે હરિહરાનંદ તેમને મળવા જ આવ્યા નથી એમ જણાવ્યું હતું. જેથી રાકેશભાઇ ડોડિયાનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું હતું કે તેમણે તો બાપુને કપુરાઇ ચેકપોસ્ટ પાસે કારમાંથી ઉતાર્યા હતા. બાદમાં તેમના વિશે કંઇ ખબર નથી. જેથી બાપુ અંગે જૂનાગઢ સહિતના વિવિધ આશ્રમોમાં તપાસ કરતાં હરિહરાનંદ ભારતીજીની કોઇ ભાળ મળી નથી.

કપુરાઇ ચોકડી પાસે સ્વામી હરિહરાનંદ સીસીટીવીમાં દેખાયા હતા.
કપુરાઇ ચોકડી પાસે સ્વામી હરિહરાનંદ સીસીટીવીમાં દેખાયા હતા.

કંટાળીને આશ્રમ છોડ્યાનો વીડિયો વાઇરલ
હરિહરાનંદ બાપુનો એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો, જેમાં હરિહરાનંદ બાપુ કહે છે, ‘ભારતી આશ્રમ સરખેજનો ખૂબ વિવાદ થયો. એક વર્ષ થયું, મારા ગુરુ ભારતી બાપુ બ્રહ્મલીન થયા ત્યાર પછીથી સતત વિવાદ ચાલી રહ્યો છે. મારી પાસે આશ્રમ માગે છે, વિલ મારા નામે છે. મારી સામે ફ્રોડ (નકલી) વિલ બનાવ્યું. મને ખૂબ દબાણ કરવામાં આવ્યું છે. મારી પર યેન કેન પ્રકારેણ કીચડ ઊડ્યો અને ઉડાડે એવા માણસો તૈયાર કર્યા. માણસો પણ કીચડ ઉડાડી મને દબાણ કરે છે. તો હું કંટાળી ગયો છું અને મેં આ નિર્ણય લીધો છે કે હું આ છોડીને નીકળી જાઉં.’

અન્ય સમાચારો પણ છે...