ભક્તો ઉમટ્યા:111 દિવસ બાદ આજે પાવાગઢ ડુંગર પર મહાકાળી માતાનું મંદિર ખુલ્યુ, 10 વર્ષથી ઓછી અને 65 વર્ષથી વધુ ઉંમરના લોકોને પ્રવેશ નહીં મળે

હાલોલ2 વર્ષ પહેલા
  • સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક પહેરીને ભક્તોને આજે સવારથી પાવાગઢ મંદિરમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે
  • માઈ ભક્તો ઘરે બેઠા પણ વેબસાઈટ પરથી માતાજીના ઓનલાઇન દર્શન કરી શકશે

દેશભરની 64 શક્તિપીઠો પૈકીની એક એવી પાવાગઢ ડુંગર પર બિરાજમાન માતા કાલિકા માતાજીનું મંદિર 111 દિવસ બાદ આજે ખુલ્યું છે. જેને પગલે ભક્તો દર્શન માટે પહોંચ્યા છે. કોરોના વાઈરસના કહેર અને વિકાસના ચાલુ કામોને લઇને માઈ ભક્તો માટે મંદિર દર્શન માટે બંધ રાખવામાં આવ્યું હતું. આજે સવારે 6 વાગ્યાથી સાંજે 7:30 વાગ્યા સુધી સરકારી ગાઇડલાઇન પ્રમાણે દર્શનાર્થીઓ વચ્ચે સોશિયલ ડિસ્ટન્સિંગ અને મોઢા પર માસ્ક પહેરીને દર્શન કરવા માટે માઈ ભક્તોને મંદિરમાં પ્રવેશ આપવામાં આવશે. જોકે 10 વર્ષથી ઓછી અને 65 વર્ષની ઉપરની ઉમરના લોકોને મંદિરમાં પ્રવેશ નહીં મળે. 

સરકારની ગાઇડલાઇનનું પાલન કરવા મંદિર ટ્રસ્ટની ભક્તોને અપીલ
સોશિયલ ડિસ્ટન્સિંગ સહિતની સરકારી ગાઇડલાઇનનું પાલન કરવા માઈ ભક્તોને શ્રી કાલિકા માતાજી મંદિર ટ્રસ્ટ દ્વારા અપીલ કરવામાં આવી છે. પાવાગઢ મંદિરમાં પ્રસાદ અને ભોજન શાળાની સેવા હાલ પુરતી બંધ રાખવામાં આવી છે. માચીથી ડુંગર સુધી રોપવે ઉંડનખટોલા સેવા શરૂ કરવા સંચાલકો દ્વારા તૈયારીઓ પુરી કરી લેવાઇ છે, જે ભક્તોને ઘરે બેઠા માતાજીના દર્શન કરવા હોય તેઓ ઓનલાઇન વેબસાઈટ ઉપરથી માતાજીના દર્શન કરી શકશે.

મહાકાળી માતાના દર્શન માટે ભક્તો ઉમટ્યા
મહાકાળી માતાના દર્શન માટે ભક્તો ઉમટ્યા

પાવાગઢ ડુંગર પર વાદળીયો માહોલ સર્જાયો
પાવાગઢ મંદિર આજે ખુલતાની સાથે ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા હતા અને ડુંગર ઉપર આજે વરસાદ સાથે વાદળીયો માહોલ હોવાથી હીલ સ્ટેશન જેવો માહોલ સર્જાયો હતો. જેથી ભક્તોએ વાતાવરણની મજા માણી હતી.

વાદળીયા માહોલ વચ્ચે ભક્તોએ દર્શન કર્યાં
વાદળીયા માહોલ વચ્ચે ભક્તોએ દર્શન કર્યાં

વર્લ્ડ હેરિટેઝ સાઇટમાં સ્થાન પામેલા ઐતિહાસિક સ્મારકો પ્રવાસીઓ માટે ખુલ્લા મુકાયા 
પાવાગઢ, હાલોલ સહિત પંચમહાલ જિલ્લાના બાવકા, રતનપુર, કાંકણપુર સહિતના 39 પર્યટન સ્થળો પણ સોમવારથી પ્રવાસીઓ માટે ખોલી દેવામાં આવ્યા છે, ત્યારે પાવાગઢ ક્ષેત્રમાં આવેલા અનેક પ્રવાસન સ્થળોની મુલાકાત પ્રવાસીઓએ લીધી હતી. જ્યાં ઓનલાઇન પેમેન્ટની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

પાવાગઢના અન્ય પર્યટન સ્થળો ખુલતા સ્ક્રિનિંગ કરીને પ્રવેશ અપાયો હતો
પાવાગઢના અન્ય પર્યટન સ્થળો ખુલતા સ્ક્રિનિંગ કરીને પ્રવેશ અપાયો હતો

(અહેવાલ અને તસવીરોઃ મક્સુદ મલિક, હાલોલ)

અન્ય સમાચારો પણ છે...