મધ્ય ગુજરાત લેટેસ્ટ ન્યૂઝ:વતન પીરામણમાં અહેમદ પટેલના પાર્થિવદેહની દફનવિધિ કરાઈ, કેવડિયામાં 2 દિવસીય ઓલ ઇન્ડિયા પ્રિસાઇડિંગ ઓફિસર કોન્ફરન્સ પૂર્ણ

વડોદરા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અહેમદ પટેલની દફનવિધિમાં રાહુલ ગાંધી હાજર રહ્યા હતા - Divya Bhaskar
અહેમદ પટેલની દફનવિધિમાં રાહુલ ગાંધી હાજર રહ્યા હતા

1. વતન પીરામણમાં માતા-પિતાની કબરની બાજુમાં જ અહેમદ પટેલના પાર્થિવદેહની દફનવિધિ
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકા પીરામણ ગામમાં આવેલા કબ્રસ્તાનમાં તેમનાં માતા-પિતાની કબરની બાજુમાં જ અહેમદ પટેલના પાર્થિવદેહની દફનવિધિ કરવામાં આવી હતી. ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલનું નિધન થતાં ખાસ ચાર્ટર પ્લેન મારફત તેમના પાર્થિવદેહને વડોદરા એરપોર્ટ પર લવાયો હતો, જ્યાંથી અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલ એન્ડ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટમાં રાત્રિ દરમિયાન રાખવામાં આવ્યો હતો, જ્યાંથી તેમનો પાર્થિવદેહ વતન પીરામણ લઇ જવાયો હતો. અહીં સુન્ની વહોરા મુસ્લિમ જમાઅતના કબ્રસ્તાનમાં અહેમદ પટેલની અંતિમવિધિ શરૂ કરવામાં આવી હતી અને જનાજાની નમાઝ અદા કર્યા બાદ તેમની દફનવિધિ કરવામાં આવી હતી. આ દરમિયાન રાહુલ ગાંધીએ અહેમદ પટેલના પાર્થિવદેહને કાંધ આપી હતી. કબ્રસ્તાનની બહાર હજારોની સંખ્યામાં લોકોનો જમાવડો થયો હતો.

2. 80મી ઓલ ઇન્ડિયા પ્રિસાઇડિંગ ઓફિસર કોન્ફરન્સ આજે પૂર્ણ થઇ
કેવડિયા ખાતે યોજાયેલી બે દિવસીય 80મી ઓલ ઇન્ડિયા પ્રિસાઇડિંગ ઓફિસર કોન્ફરન્સ આજે પૂર્ણ થઇ હતી. ભારતીય પરિષદના મહેમાનોએ આજે પ્રથમ સત્રની શરૂઆત પહેલાં સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લઈને સરદાર વંદના કરી હતી. અખંડ ભારતના શિલ્પી સરદાર પટેલની પ્રતિમા નિહાળીને ભાવ અભિભૂત થયેલા મહેમાનોએ મુલાકાત પોથીમાં નોંધ કરી હતી. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમાપન સમારોહને વર્ચ્યુઅલ માધ્યમથી સંબોધન કર્યું હતું.

3. શહેરા આરોગ્યની ટીમ દ્વારા શહેરા પોલીસ સ્ટેશનમાં પોલીસ અધિકારી સહિતના કર્મચારીઓનો કોરોના ટેસ્ટ કરાયા
સમગ્ર દેશમાં કોરોના મહામારીની બીજી લહેર ઉઠી છે, જેના કારણે લોકો મોટી સંખ્યામાં કોરોના સંક્રમિત થવા લાગ્યા છે, ત્યારે પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકા આરોગ્ય અધિકારી ડો ભરત ગઢવીની સૂચના અને માર્ગદર્શન હેઠળ શહેરા આરોગ્યની આર.બી.એસ.કે તબીબોની ટીમ દ્વારા છેલ્લાં ત્રણ દિવસથી શહેરા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.આર.નકુમ તેમજ પોલીસ કર્મીઓ અને જી.આર.ડી. હોમગાર્ડસના જવાનોની કોરોનાનાસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં શહેરા પોલીસ મથકમાં ફરજ બજાવતા બે પોલીસ કર્મીઓ કોરોના સંક્રમિત મળી આવ્યા હતા જેઓને સરકારની માર્ગદર્શિકા મુજબ હોમ કોરોન્ટાઈન કરવામાં આવ્યા હતા. જ્યારે અન્યના ટેસ્ટ નેગેટિવ આવતા હાશકારો અનુભવ્યો હતો.

4. સુરસાગર તળાવ ફરતે લોકો પક્ષીઓને ચણ નાખવા પર પ્રતિબંધનો વિરોધ
વડોદરા શહેરના સુરસાગર તળાવ ફરતે લોકો પક્ષીઓ માટે ચણ નાખતા હોય છે પરંતુ તેના કારણે શિવજીની પ્રતિમા અને આસપાસ પક્ષીઓ ચરકતા ગંદકી ફેલાતી હોય છે. પરિણામે તંત્ર દ્વારા સિક્યુરિટી ગાર્ડ તૈનાત કરી ચણ નાખવા પર પાબંધી મૂકવામાં આવી છે. છેલ્લા કેટલાક વર્ષોથી સુરસાગર તળાવ ફરતે ચણ નાખવા માટે પક્ષી પ્રેમીઓ આવતા હોય છે, ત્યારે અચાનક ચણ નાખવા પર પાબંધી લાગતા સિક્યુરિટી ગાર્ડ અને પક્ષી પ્રેમીઓ વચ્ચે રકઝક ના દ્રશ્યો જોવા મળ્યા હતા અને પાલિકાની આ કામગીરી સામે રોષ સાથે જણાવ્યું હતું કે, હાલ કોવિડ મહામારીમાં લોકોની આર્થિક પરિસ્થિતિ કફોડી છે અને ભૂખમરા જેવી પરિસ્થિતિ ઉદભવી છે, તેવા સમયે પ્રાણી પ્રેમીઓ પશુ પક્ષીઓ માટે અન્ન પાણીની વ્યવસ્થા કરતા હોય છે ક્યારે આવા સમયે પાલિકાની કામગીરી કેટલી યોગ્ય તેવો પ્રશ્ન કર્યો હતો.

5. બહાદરપુર અને ગોલાગામડી વચ્ચેથી વધુ 14 પક્ષીઓના મૃતદેહ મળ્યા
છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના બહાદરપુર ગોલાગામડી વચ્ચે સસ્તા અનાજના ગોડાઉનની સામે વડના ઝાડ નીચેથી ગુરૂવારે પણ મૃત પક્ષીઓ મળવાનો સિલસિલો ચાલુ રહ્યો છે. ગુરુવારે વધુ 14 જેટલા મૃત પક્ષીઓ મળી આવ્યા હતા. આ પક્ષીઓના મોતનું કારણ પણ ફૂડ પોઇઝનિંગ હોવાનું અનુમાન કરાઈ રહ્યું છે. મંગળવારે 13 પક્ષીઓ બુધવારે 35 અને આજે 14 પક્ષીઓ મૃત હાલતમાં અહિયાથી મળી આવ્યા છે.

6. ધાવડિયામાં ટ્રકમાંથી 26880 રૂપિયાનો દારૂ મળી આવ્યો
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના ધાવડિયા ગામે નાકાબંધી કરીને પોલીસ વાહનોની તપાસ કરતી હતી. તે વખતે ટ્રકમાંથી 28 હજાર રૂપિયા ઉપરાંતનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. આ અંગે લીમડી પોલીસે ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

અન્ય સમાચારો પણ છે...