વડોદરા જિલ્લાના વાઘોડિયાના ભાજપના દબંગ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે ભાજપમાંથી રાજીનામું આપ્યું છે. હવે મધુ શ્રીવાસ્તવ અપક્ષ ચૂંટણી લડી શકે છે. મધુ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, મારી ટિકિટ કપાતા મારા કાર્યકરો રોષે ભરાયા હતા. જેથી હું ભાજપના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપું છું. બે દિવસમાં કાર્યકરો અને કમિટી નક્કી કરે તે પ્રમાણે હું નિર્ણય કરીશ. કાર્યકરો કહેશે તો હું અપક્ષ ચૂંટણી લડીશ. હું આજે ભાજપને રામ રામ કહું છું.
મેં 300 કરોડનું કૌભાંડ પકડ્યું તો પાર્ટીએ મારૂ રાજીનામું માગ્યું હતું
વધુમાં તેઓઓ જણાવ્યું હતું કે, મને ત્રણ વર્ષ માટે એગ્રોનો ચેરમેન બનાવ્યો હતો. બે વર્ષ કોરોનામાં ગયા, છેલ્લુ એક વર્ષ બાકી હતું. એક વર્ષમાં મેં 300 કરોડ રૂપિયાનું કૌભાંડ પકડ્યું હતું. જેમાં મેનેજર આસિસ્ટન્ટ મેનેજર અને એમ.ડી.ને સસ્પેન્ડ કર્યાં હતા. મેં ગાંધીનગર એગ્રોની ઓફિસમાં જઈને 300 કરોડ રૂપિયાનું કૌભાંડ ઝડપ્યું હતું. તે સમયે પણ મને બોલાવીને પાર્ટીએ જબરદસ્તી રાજીનામું માંગ્યુ હતું.
500 કાર્યકરો સાથે ભાજપમાંથી રાજીનામું આપું છું: મધુ શ્રીવાસ્તવ
મધુ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, હું ભાજપના તમામ હોદ્દા પરથી રાજીનામું આપું છું. લાંબા સમયથી હું ભાજપનો કાર્યકર રહ્યો છું. પાર્ટીએ મને ધારાસભ્ય તરીકે સેવાની તક આપી. પરંતુ ભાજપે ઉમેદવારી માટે ટિકિટ ન ફાળવતા હવે હું સમાજની સેવા કરવા માગું છું. ત્યારે મારા કાર્યકરો અને શુભેચ્છકો સાથે ચર્ચા-વિચારણા કરી હું ભાજપના પ્રાથમિક સભ્યપદથી રાજીનામું આપું છું અને મારા 500 કાર્યકરો સાથે ભાજપમાંથી રાજીનામું આપું છું. અપક્ષ ચૂંટણી લડવી કે નહીં તે અંગે આગામી સમયમાં નિર્ણય કરીશ.
મધુ શ્રીવાસ્તવે કહ્યુંઃ હર્ષ સંઘવી કોણ?
ગૃહમંત્રીને ન મળવા બાબતે તેમણે જણાવ્યું હતું કે, હું તો દર્શન કરવા ગયો હતો અને હર્ષ સંઘવી કોણ? મારાથી ઉંમરમાં નાના, એ મને મનાવી શકે કે, હું એમને મનાવી શકું. એ પાર્ટીએ નક્કી કરવાનું. રૂપાણી અને મોટા લોકોને મોકલ્યા હોત તો કોઈ રસ્તો નીકળ્યો હોત. છોકરા જેવુ મનાવવા નીકળે એ શક્ય નથી. મારે અમિત શાહ સાથે પણ વાત થઈ હતી. એમને કહ્યું હતું કે, તમે ના લડો. મેં એમને કહ્યું કે, મારી કારકિર્દી પૂરી કરી દીધી છે. તેમને મને બે દિવસ રોકાવવા કહ્યું હતું કે, બે દિવસ રોકાઈ જાવ તો હું બે દિવસ રોકાઈ ગયો હતો. પરંતુ, કોઈ નિર્ણય ન લેવાતા મેં આ નિર્ણય કર્યો છે.
ટિકિટ કપાતા મધુ શ્રીવાસ્તવે રાજીનામું આપ્યું
વડોદરા જિલ્લાના વાઘોડિયા બેઠકના દબંગ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવની ટિકિટ ભાજપે કાપી હતી. જેને પગલે મધુ શ્રીવાસ્તવે અપક્ષ ચૂંટણી લડવાની તૈયારી કરી દીધી હતી. બે દિવસ પહેલાં જ મધુ શ્રીવાસ્તવે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હું ચૂંટણી લડીશ તો અપક્ષ તરીકે લડીશ, બીજી કોઈ પાર્ટીમાં નહીં જઉં. હું ભાજપનો છું અને ભાજપમાં જ રહેવાનો છું. ચૂંટણી લડ્યા પછી પણ ભાજપને જ સપોર્ટ કરવાનો છું. બે દિવસમાં કાર્યકર્તાઓને ભેગા કરીને કાર્યકર્તાઓ જે નિર્ણય લેશે, તેના આધારે હું ચાલવાનો છું.
કાર્યકર્તાઓ કહેશે કે મધુભાઈ તમે લડો તો જ હું ચૂંટણી લડીશ
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, પાર્લામેન્ટ્રી બોર્ડે જે નિર્ણય કર્યો તે શિરોમાન્ય છે. હવે કાર્યકર્તા વડે હું અપક્ષ કોર્પોરેટર બન્યો, ત્યારબાદ એ જ કાર્યકર્તાઓ વડે ધારાસભ્ય બન્યો. વડોદરા અને વાઘોડિયાના એ કાર્યકર્તાઓને બે દિવસમાં ભેગા કરીને કાર્યકર્તા જે નિર્ણય લેશે તેના આધારે હું ચાલવાનો છું. કાર્યકર્તાઓ કહેશે કે કોઈ કાર્યકર્તાને ચૂંટણી લડાવવાની છે, તો તેને લડાવીશું. કર્તાકર્તાઓ કહેશે મધુભાઈ તમે લડો તો જ હું ચૂંટણી લડીશ. તેમાં શંકાને કોઈ શંકાને સ્થાન નથી.
હું એ જ્ઞાતિમાં નથી આવતો હું પરપ્રાંતીયમાં આવું છું
તેમણે ઉમેર્યુ કે, પાર્લામેન્ટ્રીવાળા દિલ્હીમાં બેઠા છે. જાતિવાદી ટિકિટ આપવાની હોય, બે દરબારો અને બે પટેલોને આપો. હું એ જ્ઞાતિમાં નથી આવતો હું પરપ્રાંતીયમાં આવું છું. મારો ગુજરાતીઓ સાથે વર્ષોથી સંબંધ છે. મને રિપીટ કરવાના જ હતા. કોઇક લોકોએ ભરમાવતા અને જુઠ્ઠું બોલવાના કારણે ત્યાં અહેવાલ પહોંચ્યો હતો. હું જીતીને ભાજપમાં જ છું. હું જાતે જ લડવાનો છું અને જીતીને ભાજપમાં જ જવાનો છું.
રૂપાલાએ ગુપ્ત બેઠક યોજી હતી, મધુ શ્રીવાસ્તવને દૂર રખાયા હતા
વડોદરા જિલ્લાની વાઘોડિયા વિધાનસભાની ગત સપ્તાહે યોજાયેલી સેન્સપ્રક્રિયા બાદ 27 ઉમેદવારની યાદી નક્કી કરાઈ હતી. જોકે તેમ છતાં રવિવારે સાંકરદા ખાતે કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ ગુપ્ત મિટિંગ કરી હતી, જેમાં વાઘોડિયા વિધાનસભાના ઉમેદવારોની ફરીથી સેન્સ લેવામાં આવી હોવાની માહિતી મળી છે. મળતી માહિતી મુજબ, શનિવારે ગાંધીનગર ખાતે મળેલી પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં ઉમેદવારની પસંદગીમાં સર્વ સંમતિ સધાઈ નહોતી, જેને કારણે મંત્રી પુરુષોત્તમ રૂપાલા વડોદરા આવ્યા હતા. સાંકરદા ખાતે ફાર્મહાઉસમાં બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સાંસદ રંજનબેન ભટ્ટ, જિલ્લા પ્રમુખ અશ્વિન પટેલ તેમજ વડોદરા જિલ્લા અને તાલુકાના સંગઠન મંત્રીઓ હાજર રહ્યા હતા. જોકે વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવને દૂર રાખવામાં આવ્યા હતા.
મધુ શ્રીવાસ્તવને 7મી વખત ચૂંટણી લડવી હતી
વાઘોડિયા બેઠક પર મધુ શ્રીવાસ્તવ વિજયી બનતા આવ્યા છે. 1995માં અપક્ષમાંથી ચૂંટાયા બાદ તેઓ ભાજપમાં જોડાયા હતા અને સતત 6 ટર્મથી ચૂંટણી જીતતા આવ્યા છે અને મધુ શ્રીવાસ્તવને 7મી વખત ચૂંટણી લડવી હતી, પરંતુ ભાજપે આ વખતે તેમને રિપીટ કર્યાં નહોતા.
મધુ શ્રીવાસ્તવ સતત વિવાદોમાં રહ્યા
વડોદરાના વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય વારંવાર વિવાદોમાં રહેતા આવ્યા હતા. ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ મીડિયાને ધમકી આપવાની હોય કે તંત્રને ધમકાવવાનું હોય, પોતે જ સર્વોપરી છે તેમ માની અને પોતાની દબંગાઈનો પરચો બતાવતા આવ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.