• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Madhu Srivastav In Waghodia And Dinu Mama In Padra Will Fight As An Independent, The BJP Is In Trouble On The Sayajiganj Manjalpur Seat.

વડોદરા સત્તાનો સંગ્રામ LIVE:વાઘોડિયામાં મધુ શ્રીવાસ્તવ અને પાદરામાં દિનુ મામા અપક્ષ લડશે, સયાજીગંજ-માંજલપુર બેઠક પર ભાજપમાં કોકડું ગુંચવાયું

વડોદરા18 દિવસ પહેલા
  • કૉપી લિંક
મધુ શ્રીવાસ્તવ અને દિનેશ પટેલ(દિનુ મામા) - Divya Bhaskar
મધુ શ્રીવાસ્તવ અને દિનેશ પટેલ(દિનુ મામા)

ભાજપે પહેલી યાદી જાહેર કરતા વડોદરા જિલ્લાની પાદરા અને વાઘોડિયા બેઠક પર ભડકો થયો છે. પાદરા વિધાનસભા બેઠક પર પણ ભાજપના પૂર્વ ધારાસભ્ય દિનેશ પટેલ (દિનુ મામા)એ અપક્ષ ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. તેઓએ જણાવ્યું હતું કે, આગામી 17 નવેમ્બરના રોજ ઉમેદવારીપત્ર ભરીશ અને હું પાદરા બેઠક ઉપર જંગી મતથી જીત મેળવીશ. આ ઉપરાંત વડોદરા શહેરમાં સયાજીગંજ અને માંજલપુર બેઠક પર ભાજપમાં કોકડું ગુંચવાયું છે.

સયાજીગંજ બેઠક પર 3 દાવેદાર
ભારતીય જનતા પાર્ટી માટે સયાજીગંજ વિધાનસભાની બેઠક પર ઉમેદવારો નક્કી કરવાનું મુશ્કેલ બન્યું છે. આ બેઠક પરથી શહેરના દિગ્ગજોએ ટિકિટ માંગી છે. જાતિ સમીકરણ, પ્રદેશ અને શહેર સંગઠન તેમજ ચૂંટાયેલી પાંખના પ્રતિનિધિઓએ પણ આ બેઠક પર દાવેદારી કરી છે. પાર્લામેન્ટરી બોર્ડની બેઠક વેળાએ ભરત ડાંગર અને ડો. વિજય શાહ વચ્ચે ચાલતા વિવાદનું સમાધાન કરી સયાજીગંજ અને અકોટા બેઠક પર એકબીજાના નામો મુકવા અંગે સહમતી થઇ હોવાની વાતો સામે આવી હતી. પરંતુ, અકોટામાં ચૈતન્ય દેસાઈનું નામ જાહેર થતાં જ બધા સમીકરણો ઉલ્ટા પડ્યા છે. હાલમાં જીગર ઇનામદાર, ભરત ડાંગર અને રાજેશ આયરેનું નામ ચર્ચાઈ રહ્યું છે. જેમાં જીગર ઇનામદાર સાવલીમાંથી ચૂંટણી લડ્યા હતા અને હારનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે ભરત ડાંગર બિનહરીફ કાઉન્સિલર તરીકે ચૂંટાયા બાદ મેયર બન્યા હતા. તો રાજેશ આયરે ગત ચૂંટણીમાં 40 હજારથી વધુ વોટ મેળવ્યા હતા.

રાજેશ આયરે અને યોગેશ પટેલ.
રાજેશ આયરે અને યોગેશ પટેલ.

માંજલપુરમાં યોગેશ પટેલને આશા
વડોદરા શહેરના માંજલપુર વિધાનસભા બેઠક પર પટેલ ફેક્ટર મહત્વનો ભાગ ભજવે છે. તાજેતરમાં સી.આર પાટીલે 75 વર્ષના ઉમેદવારોને ટિકિટ નહીં મળે તેવી જાહેરાત કરી હતી. ગત ટર્મના ધારાસભ્ય યોગેશ પટેલની ઉંમર 75 વર્ષને પાર કરી ગઈ છે. જોકે તેમ છતાં તેઓને હજી આશા છે કે તેઓને પાર્ટી વધુ એક તક આપશે. આ સિવાય ડો. વિજય શાહ, ડો. હિતેન્દ્ર પટેલ, સ્નેહલ પટેલ, મનોજ પટેલ અને જૈમીન અમીનના નામોની ભારે ચર્ચા છે. જેમાં ડો. હિતેન્દ્ર પટેલ સ્થાયી સમિતિના ચેરમેન છે. બીજી તરફ સ્નેહલ પટેલ મહિલા ઉમેદવાર અને પાટીદાર છે. જૈમીન અમીન પૂર્વ કોર્પોરેટર છે અને તેઓનું સમાજ પર સારું એવું પ્રભુત્વ છે. તો મનોજ પટેલ અગાઉ પણ કોર્પોરેટર બન્યા હતા અને હાલમાં સ્થાયી સમિતિના સભ્ય છે.

પાર્ટી પ્લોટ ઉપર સમર્થકો ઉમટ્યા
ભાજપ દ્વારા ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં પાદરાની બેઠક ઉપર પ્રબળ દાવેદાર મનાતા ભાજપના પૂર્વ ધારાસભ્ય અને બરોડા ડેરીના વર્તમાન ચેરમેન દિનેશ પટેલના બદલે ભાજપે પાદરા નગરપાલિકાના પ્રમુખ વિજયસિંહ ઝાલાને ટિકિટ આપતા ભડકો થયો છે. દિનુ મામાની ટિકિટ કપાતા જ તેમના સમર્થકો તેઓના પાર્ટી પ્લોટ ખાતે પહોંચી ગયા હતા અને દિનુ મામાને અપક્ષ ચૂંટણી લડવા માટે રજૂઆત કરી હતી.

સયાજીગંજ બેઠકના દાવેદાર ભરત ડાંગર.
સયાજીગંજ બેઠકના દાવેદાર ભરત ડાંગર.

દિનેશ પટેલ પાદરા બેઠક પરથી બે વખત જીત્યા છે
ઉલ્લેખનીય છે કે, દિનુ મામા 2007માં અપક્ષ તરીકે ચૂંટણી લડ્યા હતા અને તેમાં તેમનો વિજય થયો હતો. તે બાદ તેઓએ ભાજપનો ખેસ ધારણ કરી લીધો હતો. ભાજપમાં ગયા બાદ 2012માં ભાજપે તેઓને ટિકિટ આપી હતી. અને તેમાં પણ તેઓ વિજયી બન્યા હતા. ભાજપે 2017માં તેઓને ટિકિટ આપી હતી. પરંતુ તેમાં તેઓને કોંગ્રેસના ઉમેદવાર જસપાલસિંહ ઠાકોર (પઢીયાર) સામે પરાજય થયો હતો.

ક્ષત્રિય ઉમેદવારને ટિકિટ આપી
2017માં પાદરાના મતદારોએ નકાર્યા પછી પણ તેઓએ પાદરા બેઠકમાંથી દાવેદારી નોંધાવી હતી અને તેઓ પ્રબળ દાવેદાર પણ મનાતા હતા. પરંતુ ભાજપે તેઓને ટિકિટ ન આપીને નવા ચહેરારૂપે પાદરા નગરપાલિકાના પ્રમુખ વિજયસિંહ ઝાલાને ટિકિટ આપી છે. નોંધનીય છે કે, ભાજપે આ વખતે કોંગ્રેસના ક્ષત્રિય ઉમેદવાર સામે ક્ષત્રિય ઉમેદવારને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે.

મારા મતદારો ઉપર વિશ્વાસ છે
પાદરા બેઠક ઉપર ભાજપે દિનુ મામાને ટિકિટ ન આપતા તેઓએ અપક્ષ ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. તે સાથે તેઓએ તા.17 નવેમ્બરના રોજ ઉમેદવારી પત્ર ભરવાની પણ જાહેરાત કરી છે. તેમણે મીડિયાને એમ પણ જણાવ્યું હતું કે, આ વખતે હું અપક્ષ ચૂંટણી લડીશ અને જીતીને આવીશ. મને મારા પાદરાના મતદારો ઉપર વિશ્વાસ છે કે, મારા મતદારો મને જીતાડીને વિધાનસભામાં મોકલશે.

સયાજીગંજ બેઠકના દાવેદાર જીગર ઇનામદાર.
સયાજીગંજ બેઠકના દાવેદાર જીગર ઇનામદાર.

વડોદરા જિલ્લાની પાંચ બેઠકો પૈકી વાઘોડિયા બેઠક ઉપર હવે ત્રિપાંખીયો જંગ નક્કી થઇ ચૂક્યો છે. જ્યારે સાવલી અને ડભોઇ બેઠક ઉપર ભારે રસાકસી થશે તેવા એંધાણ વર્તાઇ રહ્યા છે. નોંઘનીય છે કે, વાઘોડિયાના મતદારોમાં વર્તમાન ધારાસભ્યને બદલવા માટે માંગ ઉઠી હતી. ત્યારે ભાજપા મોવડી દ્વારા ઉમેદવાર બદલીને નવો આપતા મતદારો હવે ભાજપા સાથે રહેશે કે પછી ખીસ્સાના નાણાં ખર્ચીને મતદારોને આકર્ષવાનો પ્રયાસ કરી રહેલા ઉમેદવાર સાથે રહેશે ? તેવી ચર્ચાઓ શરૂ થઇ ગઇ છે.

ભાજપા સામે વિરોધ નથી
મળેલી માહિતી પ્રમાણે વાઘોડિયા બેઠક ઉપર ભાજપા દ્વારા ભાજપામાંથી જ ગત વિધાનસભાની ચૂંટણીમાં સસ્પેન્ડ કરાયેલા અને આ વખતે અપક્ષ ચૂંટણી લડનાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાને આડકતરી રીતે ફાયદો કરવા માટે બે વખત જિલ્લા પંચાયતની ચૂંટણી હારી ચૂકેલા જિલ્લા ભાજપા પ્રમુખ અશ્વિન પટેલને ટિકીટ આપી હોવાનું ચર્ચાઇ રહ્યું છે. જોકે, વાઘોડિયા મતદારોના સર્વેમાં એવું સ્પષ્ટ બહાર આવ્યું છે કે, વાઘોડિયાના મતદારોને ભાજપા સામે વિરોધ ન હતો. પરંતુ, ભાજપાના વર્તમાન ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ સામે વિરોધ હતો. ત્યારે વાઘોડિયા વિધાનસભા મત વિસ્તારના મતદારો ભાજપા સાથે રહેશે કે પછી અપક્ષ અથવા કોંગ્રેસ ઉમેદવાર સાથે રહેશે. તેવી ચર્ચાઓ શરૂ થઇ ગઇ છે.

વાઘોડિયામાં મધુ શ્રીવાસ્તવ અપક્ષ લડશે.
વાઘોડિયામાં મધુ શ્રીવાસ્તવ અપક્ષ લડશે.

વાઘોડિયા તાલુકા ભાજપામાં નારાજગી
વાધોડીયાની બેઠક અંગે ભાજપામાં એવી પણ ચર્ચા થઇ રહી છે કે, ભાજપા પાસે વાઘોડિયા બેઠક ઉપર ચૂંટણી લડાવવા માટે શિક્ષીત અને જિલ્લા ભાજપા મહામંત્રી રહી ચૂકેલા ધર્મેશ પંડ્યા જેવા પણ દાવેદારો હતા. પરંતુ, ભાજપાએ વાઘોડિયા બેઠક ઉપર છેલ્લા કેટલાંક સમયથી ખિસ્સાના નાણાં ખર્ચીને પ્રચાર કરી મતદારોને આકર્ષવાનો પ્રયાસ કરી રહેલા અને અપક્ષ ચૂંટણી લડી જીતવા માટે કમરકસી રહેલા અશિક્ષીત ધર્મેન્દ્રસિંહ વાઘેલાને આડકતરી રીતે ફાયદો કરાવવા માટે જિલ્લા ભાજપા પ્રમુખ અશ્વિન પટેલને ટિકીટ આપી છે. ભાજપા દ્વારા લેવામાં આવેલા આ નિર્ણય અંગે વાઘોડિયા તાલુકા ભાજપામાં પણ નારાજગી જોવા મળી રહી છે.

કોંગ્રેસના સંભવિત ઉમેદવાર ગામડા ખૂંદી રહ્યા છે
જોકે, ભાજપા સમર્થક મતદારો ઉમેદવાર કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જોઇને મત આપતા હોય છે. ત્યારે વાઘોડિયા બેઠક ઉપર ભાજપાના મતદારો જો ભાજપા દ્વારા જાહેર કરાયેલા ઉમેદવાર અશ્વિન પટેલ તરફે વોટ કરશે તો આ બેઠક ઉપર જમનારા ત્રિપાંખીયા જંગમાં અણધાર્યું પરિણામ આવશે. કારણ કે, કોંગ્રેસ દ્વારા ભૂતપૂર્વ સાસંદ સત્યજીતસિંહ ગાયકવાડને ટિકિટ આપનાર હોવાનું નક્કી છે અને સત્યજીતસિંહ ગાયકવાડે પણ છેલ્લા કેટલાંક સમયથી વાઘોડિયા વિધાનસભા મત વિસ્તારના 127 ગામડાઓ ખૂંદવાનું શરૂ કરી દીધું છે.

આ વખતની ચૂંટણીમાં વડોદરા જિલ્લાની સાવલી બેઠક ઉપર પણ સૌની મીટ રહેશે
આ વખતની ચૂંટણીમાં વડોદરા જિલ્લાની સાવલી બેઠક ઉપર પણ સૌની મીટ રહેશે

સાવલી બેઠક ઉપર સૌની મીટ
આ વખતની ચૂંટણીમાં વડોદરા જિલ્લાની સાવલી બેઠક ઉપર પણ સૌની મીટ રહેશે. ભાજપા દ્વારા પુનઃ એક વખત સાવલી બેઠક ઉપરથી ચૂંટાઇ આવેલા અને પ્રજા વચ્ચે રહેનારા કેતન ઇનામદારને રિપીટ કર્યા છે. જોકે, તેઓને એન્ટીઇન્કમટન્સીનો સામનો કરવાનો વખત આવશે. સાવલી વિધાનસભા મત વિસ્તારમાં મતદારો પરિવર્તન ઇચ્છી રહ્યા છે. ત્યારે આ વખતે કોંગ્રેસ દ્વારા ભાજપામાંથી કોંગ્રેસમાં આવેલા બરોડા ડેરીના ડિરેક્ટર અને ક્ષત્રીય સમાજના અગ્રમી કુલદીપસિંહ રાઉલજીને મેદાનમાં ઉતારનાર હોવાનું નક્કી છે. ત્યારે આ બેઠક ઉપર પણ ભાજપા અને કોંગ્રેસના ઉમેદવાર વચ્ચે સિધો જંગ રહેશે.

રસાકસી ભર્યો જંગ જામશે
તેજ રીતે ડભોઇની બેઠક ઉપર શૈલેષ મહેતા (સોટ્ટા)ને રિપીટ કરવામાં આવ્યા છે. ગત ચૂંટણીમાં પ્રતમ વખત ચૂંટણી લડ્યા હોવા છતાં, કોંગ્રેસના કદાવર નેતા સિધ્ધાર્થ પટેલ સામે પાતળી સરસાઇથી જીત મેળવી હતી. જોકે, ગત ચૂંટણીમાં હિંદુ-મુસ્લીમ ફેક્ટરનો મુદ્દો હતો. આ વખતે ભાજપાના ઉમેદવારો સામે મોંઘવારી અને બેરોજગારીના મુદ્દો પડકાર રૂપ છે. બીજુ કે, કોંગ્રેસ દ્વારા ભાજપામાંથી સસ્પેન્ડ કરાયેલા અને કોંગ્રેસમાં આવેલા ભાજપાના પૂર્વ ધારાસભ્ય બાલકૃષ્ણ પટેલ (ઢોલાર) સામે જંગ લડવાનો છે. કોંગ્રેસ દ્વારા બાલકૃષ્ણ પટેલ (ઢોલાર)ને ટિકીટ આપશે તે પણ લગભગ નક્કી છે. ત્યારે ડભોઇ સીટ ઉપર પણ રસાકસીભર્યો જંગ રહે તેવા એંધાણ વર્તાઇ રહ્યા છે.

પાદરા ભાજપા-કોંગ્રેસ વચ્ચે જંગ
જ્યારે પાદરા બેઠક ઉપર ભાજપાએ પાદરા નગર પાલિકાના પ્રમુખ વિજયસિંહ ઝાલાને ટિકીટ આપી છે. ત્યારે પાદરા બેઠક ઉપર હવે કોંગ્રેસના વર્તમાન ક્ષત્રીય ધારાસભ્ય જસપાલસિંહ ઠાકોર (પઢીયાર) સામે ભાજપાના ક્ષત્રીય ઉમેદવાર વિજયસિંહ ઝાલા આવતા રસાકસી જામે તેવી શક્યતાઓને નકારી શકાય નહીં.

અન્ય સમાચારો પણ છે...