શહેર નજીક છાણીમાં પરાક્રમસિંહના સૂચનથી નિર્જન વિસ્તારમાં બનેલા રોડના કારણે ભારે વિવાદ થયો હતો. તદુપરાંત અંકોડિયા રોડ અને ભાયલીમાં પણ બિનરહેણાંક વિસ્તારમાં મસ મોટા રોડ બનાવાયા છે. ત્યારે ડભોઇના ધારાસભ્ય શૈલેષ મહેતા (સોટ્ટા)એ મુખ્યમંત્રીને પત્ર લખી એ વુડાએ બનાવેલા 17 રોડની વિજિલન્સ તપાસની માંગ કરી છે વુડાએ રોડ બનાવ્યા તો ડ્રેનેજ અને પાણીની લાઈન કેમ ન નાખી તેવા વેધક સવાલો ઉભા કર્યા છે.
ધારાસભ્ય શૈલેષ મહેતાએ મુખ્યમંત્રીને પત્ર લખી વુડાએ બનાવેલા 17 રોડની તપાસની માંગ કરી છે. તેઓએ જણાવ્યું છે કે ભાયલી ટીપી 5માં બિન રહેણાંક વિસ્તારમાં 2 કિમી લાંબો બનેલા રોડ સંદર્ભે જાણવા મળ્યું હતું કે ડ્રાફ્ટ ટીપી બનતા જ રોડ બનાવાય છે. સમિયાલામાં પણ નિર્જન વિસ્તારમાં રોડ બન્યો છે. જોકે આ એક ચોક્કસ ષડયંત્ર છે. રોડ બનાવતા પહેલા અન્ડરગ્રાઉન્ડ ડ્રેનેજ અને પાણીની લાઈન નખાય છે. પરંતુ આવી કોઈ વ્યવસ્થા થઈ નથી.
સરકારી નાણાનો બગાડ થઈ રહ્યો છે. તેની વિજિલન્સ તપાસ કરાય. વુડાના અધિકારીઓએ બચાવના ભાગરૂપે ગુજરાત ટાઉન પ્લાનિંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ એકટની કલમ 48 મુજબ આવા 17 રોડ બનાવવામાં આવ્યા છે. ત્યારે કલમમાં શુ માત્ર રોડ બનાવવાની જ છૂટ છે ? અન્ય કોઈ સુવિધાની વાત નથી ? જંગલમા રોડ બને એટલે લોકોનો અવાજ ઉભો થાય ત્યારે સરકારને બદનામ કરવાનો ઇરાદો સ્પષ્ટ થાય છે.
પાણી-ડ્રેનેજ લાઇનની તપાસ કરવી પડશે
ટીપીની જોગવાઈમાં ક્લોઝ 48-49 એવી છે કે જ્યારે સરકાર ડ્રાફ્ટ ટીપી મંજુર કરે ત્યારે રોડ રસ્તા અને બીજી સુવિધાઓ આપવામાં આવતી હોય છે. આ રોડ કેવા સંજોગોમાં બનાવ્યા છે. તે તપાસ કરવી પડશે. બીજી તરફ ત્યાં ડ્રેનેજ લાઈન અને પાણીની લાઈન નાખી છે કે કેમ તેની પણ તપાસ કરવામાં આવશે.> એ.બી. પટેલ, સીઈઓ, વુડા
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.