કામગીરી સામે સવાલો:મેયરે હટાવેલાં મચ્છીપીઠ, તાંદલજા, પાણીગેટનાં દબાણોનો દોઢ જ મહિનામાં ફરી બેખોફ જમાવડો

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
તાંદલજા - 20 દિવસ પહેલાં દબાણ હટ્યાં હતાં - Divya Bhaskar
તાંદલજા - 20 દિવસ પહેલાં દબાણ હટ્યાં હતાં
  • ઓગસ્ટમાં મચ્છીપીઠમાં અને તાંદલજા સહકાર નગરમાં પોલીસને સાથે રાખી તમામ દબાણો દૂર કર્યાં હતાં
  • ​​​​​​​ગેરકાયદેસર લારી-ગલ્લા અને શેડ દૂર કરી રસ્તો ​​​​​​​ખુલ્લો કર્યો હતો, મેયરે કહ્યું ફરી દબાણો થયાં હશે તો દૂર કરાશે

વડોદરા શહેરમાં પાલિકાની સામાન્ય સભામાં કાઉન્સિલરોએ પોતાના વિસ્તારમાં રોડ રસ્તાને અડચણરૂપ કરવામાં આવેલા દબાણની ફરિયાદ બાદ મેયર એક્શનમાં આવ્યા હતા અને તેઓએ છેલ્લા 6 મહિનામાં 8 સ્થળોએ થયેલા દબાણોનો સફાયો બોલાવ્યો હતો. જેમાં મચ્છીપીઠ અને તાંદલજાના દબાણો મુખ્ય હતાં. જોકે આ દબાણો હટાવ્યા બાદ પુનઃ લાગી જતા દબાણ શાખાની કામગીરી સામે સવાલો ઉભા થયા છે. પાલિકાની સામાન્ય સભામાં રજૂઆતો બાદ મેયર કેયુર રોકડિયાએ એપ્રિલમાં ખાસવાડી સ્મશાન રોડ પરના દબાણો દૂર કર્યા હતા. મેયરે રાત્રિ બજારમાં લાગેલા ટેબલ-ખુરશી સહિત દબાણો હટાવ્યા હતા.

મચ્છીપીઠ - ફરીથી લારી-ગલ્લા ધમધમ્યાં
મચ્છીપીઠ - ફરીથી લારી-ગલ્લા ધમધમ્યાં

માંડવીથી પાણીગેટ તરફ કપડાના વેપારીઓએ ફૂટપાટ અને પાર્કિંગની સ્પેસમાં મેનિક્વિન મૂકી દબાણ કર્યાની ફરિયાદને આધારે મેયરે 23મી મેએ દબાણો દૂર કર્યા હતા. તે જ રીતે જૂનમાં અકોટા રોડ પર પહોંચી મેયરે મુજમહુડા તરફના રોડ પરથી લારી ગલ્લા, શેડ તોડી પાડ્યા હતા. ઓગષ્ટમાં મચ્છીપીઠમાં પોલીસ બંદોબસ્ત સાથે મેયરે ચૂંટાયેલી પાંખને સાથે રાખી ગેરકાયદેસર લારીગલ્લા અને શેડ દૂર કર્યા હતાં. જ્યારે તાંદલજા સહકાર નગરની દરગાહ બાદ 25મી સપ્ટેમ્બરે તાંદલજામાં રાણેશ્વર મહાદેવ મંદિરથી સનફાર્મા સર્કલ સુધીના ખાણીપીણી સહિતની દુકાનોના ગેરકાયદે શેડ હટાવ્યા હતા.

જોકે ગણતરીના દિવસોમાં જ આ દબાણો પુનઃ યથાવત થયા છે. પાણીગેટ, અકોટા, મચ્છીપીઠ, તાંદલજામાં દબાણો જામી ગયા છે. જેમાં ટેબલ પર મેનિક્વિન, હંગામી શેડ, લારી ગલ્લા, લારીઓ-દુકાનોની આગળ શેડ, ફૂટપાથ પર કેબિન અને શેડ ફરી લાગ્યા છે. આ અંગે મેયર કેયુર રોકડીયાએ જણાવ્યુ હતું કે, અમે જે વિસ્તારમાં દબાણો હટાવ્યા હતા ત્યાં ફરીથી દબાણો ઉભા કરવામાં આવ્યા હોવાની મને ફરિયાદ મળી છે. લોકોએ સહયોગ આપવો જોઈએ. પરંતુ જો તેઓ નહી સમજે તો ફરીથી દબાણ હટાવવાની કામગીરી કરાવીશું.

દબાણો દૂર કર્યા પછી ફરીથી ન થાય તેનું નિરીક્ષણ જે તે વોર્ડ ઓફિસરની જવાબદારી
શહેરમાં મંગળબજાર, કીર્તિસ્તંભ, પાણીગેટ રોડ, ખાસવાડી સ્મશાન રોડ, અકોટા રોડ, મચ્છીપીઠ, તાંદળલજા વિસ્તારમાં પાલિકાએ દબાણ દૂર કર્યા બાદ ત્યાં પુનઃ લાગી જતા તંત્રની કામગીરી શંકાના દાયરા આવી છે. સામાન્ય રીતે પોતાના વિસ્તારમાં દબાણ ન થાય તો તેની જવાબદારી હોય છે. પરંતુ યોગ્ય નિરીક્ષણ કરવામાં નહી આવતા ફરીથી દબાણ થઈ જાય છે. તાજેતરમાં પાલિકા તંત્રએ જાહેરાત કરી પોતાના વિસ્તારમાં દબાણો ન થાય તે માટે વોર્ડ ઓફિસરોને સૂચના અપાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...