તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શિક્ષકની હાલત દયનીય:કોરોના થયા બાદ નોકરી છૂટી જતાં MA Bed શિક્ષક રૂ100ના રોજ પર મજૂરી કરવા મજબૂર

વડોદરા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આજવા રોડના શિક્ષકની હાલત દયનીય, સેલ્સમેનની નોકરી પણ છૂટી ગઈ

કોરોનાના કારણે અનેક લોકોએ પોતાના ધંધા રોજગાર ગુમાવ્યાં છે. છેલ્લા એક વર્ષથી શાળા કોલેજો પણ બંધ છે. જેના કારણે શિક્ષકોની પણ હાલત દયનિય બની છે. શહેરના આજવા રોડ પર રહેતા એક શિક્ષક નોકરીના અભાવે બેકરીની દુકાન પર સેલ્સમેન તરીકે નોકરી કરી હતી. કોરોના કાળથી બેકાર બનેલા શિક્ષક સંક્રમિત થતાં આખરે મજૂરી કામ કરવા પણ મજબૂર થવું પડ્યું છે.શાળા કોલેજ ઓનલાઇન થઈ છે. પરંતુ કલાસીસ બંધ થતાં કેટલાક શિક્ષકો બેરોજગાર થયા છે. આજવા રોડ પર મેમણ કોલોનીમાં રહેતા સાજીદભાઈ મેમણના પરિવારમાં પત્ની, બે બાળકો છે. તેઓએ MA Bed સુધીનો અભ્યાસ કર્યો છે.

કોરોના પહેલાં તેઓ શહેરના ચાર કલાસિસ અને કોન્સેપ્ટ સ્કૂલમાં લેક્ચર આપવાનું કામ કરતા હતા. તેઓએ ઘર ચલાવવા માટે ઓક્ટોબર માસમાં બેકરીના આઉટલેટમાં સેલ્સમેન તરીકે નોકરી ચાલુ કરી હતી. સાથે લોકોના ઓનલાઇન ફોર્મ ભરવાનું કામ ચાલુ કર્યું હતું. જોકે એપ્રિલમાં બીજી લહેરમાં તે સંક્રમિત થતા તે નોકરી પણ છોડવી પડી હતી. હાલમાં તેઓ ઘરે જ છે અને છૂટક મજૂરી કરવા મજબૂર બન્યા છે.પ્લમ્બર મિત્ર સાથે તેના હેલ્પર તરીકે જઈ દિવસો પસાર કરે છે. જેમાં તેઓને રૂ.100 મજૂરી પેટે મળે છે.સાજીદભાઈનું કહેવું છે કે કોરોનાને લીધે શિક્ષક હોવા છતાં ના છૂટકે મજૂરી કામ કરવું પડે છે. સરકાર સ્કૂલ કોલેજ કલાસીસ શરૂ કરે તો સ્થિતિ સુધરી શકે તેમ છે.

કડકીમાં પત્નીને મોબાઈલ ફોન વેચવો પડ્યો
કોરોના કાળના કારણે બેકાર બનેલા શિક્ષક સાજીદ મેમણે જણાવ્યું હતું કે એક સમય એવો આવ્યો હતો કે નાણાની જરૂરિયાત હોવાથી પત્નીએ તેનો મોબાઈલ રૂ. 2 હજારમાં વેચવો પડ્યો હતો. બાળકો ઓનલાઇન અભ્યાસ કરતા હોવાથી મારો મોબાઈલ સતત ઉપયોગમાં લેવાતો હતો.

અન્ય સમાચારો પણ છે...