રાજ્ય સરકાર દ્વારા ગુજરાત ધર્મ સ્વતંત્રતા સુધારા અધિનિયમ લાગુ કરાયાના ત્રણ દિવસ બાદ વડોદરાના ગોત્રી પોલીસ સ્ટેશનમાં પ્રથમ કેસ નોંધાયો હતો અને થોડા સમય બાદ યુવતીએ ફરિયાદ પણ પરત ખેંચી લીધી હતી. યુવતીએ વિધર્મી યુવાન સાથે શારીરિક જીવનની શરૂઆત કરી હતી. નિકાહ કર્યા બાદ પસ્તાયેલી યુવતીને પતિ અને સસારીયાઓ ત્રાસ આપવામાં આવતા યુવતીએ પુનઃ પતિ સહિત સાસરિયા વિરુદ્ધ ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવતા પોલીસે પતિ અને સસરાની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, મુસ્લિમ યુવકે ખ્રિસ્તી હોવાનું જણાવી મિત્રતા બાંધી હિન્દુ યુવતી સાથે બળજબરીપૂર્વક સંબંધ બાંધીને તેની સાથે નિકાહ પઢ્યા હતા.
લગ્ન બાદ યુવતી પર પતિ અને સાસરીયાઓનો અત્યાચાર
વડોદરા શહેરમાં રહેતા સમીર અબ્દુલ કુરેશીએ ખ્રિસ્તી નામ માર્ટિન સેમ ધારણ કરીને સોશિયલ મીડિયાના માધ્યમથી હિન્દુ યુવતી સાથે મિત્રતા કરી હતી અને પોતે તેની સાથે લગ્ન કર્યા હતા. લગ્ન બાદ પતિ સમીર અને તેના પરિવારજનો દ્વારા ત્રાસ આપવામાં આવ્યો હતો. છેલ્લા કેટલાંક દિવસથી યુવતીને તેના પિયર મોકલી દીધી હતી. પિયરમાં ગયા બાદ યુવતીને પેટમાં દુખાવો થતાં પરિવારજનો હોસ્પિટલ ખાતે લઇ ગયા હતા. જ્યાં તેનો ગર્ભપાત કરાવવાની ફરજ પડી હતી.
સસરાએ લાતો મારી હોવાથી યુવતીનો ગર્ભપાત થયો
યુવતી સાથે આવેલા પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે, સસરાએ પેટમાં લાતો મારી હોવાથી યુવતીને ગર્ભપાત કરાવવાની ફરજ પડી છે. આ બનાવ અંગે યુવતીએ ગોત્રી પોલીસ સ્ટેશનમાં પતિ સમીર કુરેશી, સસરા અબ્દુલ કુરેશી સહિત સાસરિયા સામે માનસિક, શારીરિક ત્રાસ આપ્યાની ફરિયાદ નોધાવતા પોલીસે ફરિયાદના આધારે દહેજ પ્રતિબંધક ધારા હેઠળ ગુનો દાખલ કરી પતિ અને સસરાની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ દ્વારા પતિ અને સસરાની ધરપકડ
આ બનાવ અંગે એ.સી.પી. એ.વી. કાટકરે જણાવ્યું હતું કે, પીડિતાએ ગોત્રી પોલીસ સ્ટેશનમાં નોધાવેલી ફરિયાદના આધારે પોલીસે પતિ સમીર કુરેશી અને સસરા અબ્દુલ કુરેશીની ધરપકડ કરી લેવામાં આવી છે. પીડિતા દ્વારા સસરા દ્વારા પેટમાં લાતો મારવાથી ગર્ભપાત થયો હોવાનો જે આક્ષેપ મુક્યો છે. તે અંગે તબીબી અભિપ્રાય મંગાવવામાં આવ્યો છે. તબીબી અભિપ્રાય આવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
કાયદો લાગુ કર્યાના 3 દિવસ બાદ પ્રથમ કેસ નોંધાયો હતો
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં વિધર્મી યુવાનો દ્વારા પટાવી, ફોસલાવીને ધર્માંતરણ કરવાના કિસ્સાઓમાં વધારો નોંધાતાં કાયદો બનાવવાની માગ ઊઠી હતી. આખરે રાજ્ય સરકારે ગુજરાત ધર્મ સ્વતંત્રતા સુધારા અધિનિયમ-2021નો કાયદો ઘડ્યો હતો અને 15 જૂનથી લાગુ કરવામાં આવ્યો હતો. નવો કાયદો લાગુ કર્યાના ત્રણ દિવસ બાદ વડોદરામાં લવ જેહાદનો પ્રથમ કેસ નોંધાયો હતો.
યુવાને યુવતી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું
લવ જેહાદનો પ્રથમ કેસ નોંધાયા બાદ ઝોન-2ના DCP જયવીરસિહ વાળાએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, વડોદરા શહેરમાં રહેતા સમીર અબ્દુલ કુરેશીએ ખ્રિસ્તી નામ માર્ટિન સેમ ધારણ કરીને સોશિયલ મીડિયાના માધ્યમથી હિન્દુ યુવતી સાથે મિત્રતા કરી હતી અને પોતે તેની સાથે લગ્ન કરશે, એવું જણાવી વિશ્વાસ કેળવીને યુવતી સાથે બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધીને દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ યુવાને યુવતી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું. તેણે યુવતીની જાણબહાર તેના નગ્ન ફોટા પણ પાડી લીધા હતા.
યુવકે યુવતીની મરજી વિરુદ્ધ બે વખત ગર્ભપાત પણ કરાવ્યો
યુવકે યુવતીના નગ્ન ફોટા સોશિયલ મીડિયામાં વાઇરલ કરવાની ધમકી આપીને તેની સાથે મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધ્યો હતો. દરમિયાન યુવતી બે વખત ગર્ભવતી પણ થઇ હતી. યુવતીને પ્રથમ વખત બે માસનો ગર્ભ રહી જતાં મેડિકલ સ્ટોરમાંથી એની દવા લાવીને તેની મરજી વિરુદ્ધ ગર્ભપાત કરાવ્યો હતો. ત્યારબાદ ફરી એક વખત યુવતીને પાંચ માસનો ગર્ભ રહી જતાં ડોક્ટર પાસે યુવતીની મરજી વિરુદ્ધ ગર્ભપાત કરાવ્યો હતો.
યુવકે બળજબરીપૂર્વક યુવતી સાથે નિકાહ પઢ્યા હતા
ઘટના બાદ મુસ્લિમ યુવકે યુવતીને કલ્યાણનગર ગોસિયા મસ્જિદ ખાતે લઇ જઇ યુવતીનું હિન્દુ નામ રાખવાને બદલે તેનું મુસ્લિમ નામ રાખીને બળજબરીપૂર્વક નિકાહ પઢ્યા હતા અને તેનું ધર્મપરિવર્તન કરાવ્યું હતું. ત્યારબાદ યુવતીને મુસ્લિમ ધર્મ પાળવા માટે દબાણ કરવામાં આવતું હતું તથા તેનાં માતા-પિતાને જાતિવિષયક ગાળો આપીને તેની સાથે મેરેજ રજિસ્ટર્ડ કરાવ્યું હતું.
યુવતીએ યુવક સામે ફરિયાદ નોંધાવી હતી
આટલેથી નહીં અટકતાં યુવકે સાસરીમાં રહેવા ગયેલી યુવતીને મારીને તું અમારા માટે બની જ નથી, એમ જણાવી ત્રાસ ગુજાર્યો હતો. આખરે સમગ્ર મામલે યુવતીએ યુવક વિરુદ્ધ ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ગોત્રી પોલીસે યુવક સામે બળાત્કાર તથા એટ્રોસિટી એક્ટ અને ગુજરાત ધર્મ સ્વતંત્રતા અધિનિયમ-2021ની કલમો અંતર્ગત ગુનો નોંધીને તેની ધરપકડ કરી હતી.
મહિલાએ ખોટી ફરિયાદ દાખલ થઈ હોવાનું જણાવ્યું હતું
જોકે, આરોપી સમીર કુરેશીએ અદાલતમાં જામીન અરજી દાખલ કરતાં ફરિયાદી મહિલાએ સોગંદનામું રજૂ કરી માત્ર પતિ વિરુદ્ધ શારીરિક-માનસિક ત્રાસની ફરિયાદ આપી હોવાનું જણાવી તેની વિરુદ્ધ ખોટી ફરિયાદ દાખલ થઈ હોવાનું જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.