શહેરના નંદેસરી જીઆઇડીસીમાં આવેલ દિપકનાઇટ્રેટ કંપનીમાં ગુરુવારે ધડાકા સાથે આગ લાગવાની ઘટનામાં બીજા દિવસે પણ અસર દેખાઇ હતી કંપનીની સામે આવેલી સોડિયમ મેટલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં પ્રોડક્શન બંધ રાખવાની ફરજ પડી હતી. 20 જેટલી કંપનીઓમાં એક દિવસ પ્રોડક્શન બંધ રહેતા એક કરોડ રૂપિયાના નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. બ્લાસ્ટને પગલે અાસપાસની કંપનીઅોમાં નુકસાન થયાની શકયતા છે.
જેને પગલે નંદેસરી નંદેસરી ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશન દ્વારા અા અંગે પરિપત્ર બહાર પાડી નુકશાનીની વિગતો મંગાવાશે. ગુરુવારે સાંજે સાડા પાંચ વાગ્યાના અરસામાં નંદેસરી જીઆઇડીસીમાં ધડાકાભેર આગ ની દુર્ઘટનાને પગલે 20 જેટલી કંપનીઓ બંધ કરવાની ફરજ પડી હતી. ધરતીકંપ થયો હોય તેવી ધરા ધ્રુજી અને અનેક કંપનીઓમાં અને અન્ય નુકશાન પહોંચ્યું હતું. જેને પગલે પ્રોડક્શન બંધ થતા મોટા પ્રમાણમાં આર્થિક નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.
દીપક નાઇટ્રેટની સામે આવેલી કેમિકલ કંપની સોડિયમ મેટલ પ્રાઇવેટ લિમિટેડ ના એચ.આર. હેડ હિરેન શાહ દ્વારા જણાવ્યા મુજબ તેમની કંપની તીવ્ર ધડાકાને પગલે ધણ- ધણી ઉઠી હતી. કંપનીમાં કેમિકલ બનાવવામાં આવે છે જો પ્રોડક્શન ચાલુ કરવામાં આવે તો કોઈ હોનારત થવાની શક્યતા છે જેથી શુક્રવારે પણ અમે પ્રોડક્શન ચાલુ કર્યું નથી. જ્યારે અન્ય કંપનીના સંચાલકો દ્વારા જાણવા મળ્યા મુજબ શુક્રવારે પ્રોડક્શન ચાલુ કરવામાં આવ્યું હતુ. અન્ય નુકશાનની ગણતરી કરી નથી.
વડોદરા ફાયરબ્રિગેડ દ્વારા રાત્રે 11:30 વાગ્યે આગ ઉપર સંપૂર્ણ કાબુ મેળવવામાં આવ્યો હતો જ્યારે બીજે દિવસે શુક્રવારે કુલિંગની પ્રક્રિયા માટે એક ફાયર એન્જિન ઘટનાસ્થળે સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યું હતું. આગની દુર્ઘટનાઓમાં ફાયર બ્રિગેડના કર્મચારી દીપક પરમાર ઇજાગ્રસ્ત થયા હતા જોકે પ્રાથમિક સારવાર બાદ ફરી તેઓ કોલમાં લાગ્યા હતા. નંદેસરી ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશનના બાબુભાઈ પટેલે જણાવ્યું હતું કે, નંદેસરીની દીપક નાઇટ્રેટ કંપનીમાં ભીષણ અાગ લાગ્યા બાદ અન્ય કંપનીઓમાં કેટલું નુકસાન થયું છે તે અંગે પૂછપરછ કરશે તપાસ થયા બાદ નુકસાનનો સાચો આંકડો જાણી શકાશે. કંપનીઓને થયેલા નુકશાન માટે સર્ક્યુલર બહાર પાડી તપાસ કરાવીશું.
તપાસ ચાલુ છે : કંપનીના અધિકારી
નંદેસરીની દીપક નાઇટ્રેટના કોર્પોરેટ અફેર્સ અને કમ્યુનિકેશનના અધિકારી જયદીપ ચૌધરીએ નિવેદનમાં જણાવ્યું કે, દુર્ઘટનામાં 7 લોકોને માઇનોર ઈજા છે. કંપની સત્તાધીશો તેમની કાળજી રાખી રહ્યા છે. ટૂંક સમયમાં તેઓ સાજા થઇ દવાખાનામાંથી રજા મળશે. આગ કંપનીના વેરહાઉસમાં લાગી હતી. ઈમરજન્સી રિસ્પોન્સ ટીમ લોકલ ઓથોરિટીઝ સાથે આગ ઓલવવા અને રેસ્ક્યુમાં લાગી હતી. થોડા કલાકોમાં આગ ઉપર કાબુ મેળવી લેવાયો હતો. કંપનીના તમામ પ્લાન્ટ વીમાનું કવચ હેઠળ આવરી લેવામાં આવેલા છે. દુર્ઘટનાના કારણોની તપાસ ચાલી રહી છે તમામ એજન્સીઓની સાથે કંપની સહયોગ આપી રહી છે જલ્દીથી કંપનીનું પ્રોડક્શન પણ શરૂ થશે તેવી આશા રાખીએ છીએ.
કંપનીના તમામ 14 બોઇલર સુરક્ષિત
નંદેસરી જીઆઈડીસીમાં આવેલી દીપક નાઈટ્રેટ કંપનીમાં તમામ 14 બોયલર સુરક્ષીત છે. બોયલરમાં કોઈ બ્લાસ્ટ થયો નથી. જ્યારે કંપનીના ગોડાઊનમાં આગ લાગી હતી. દીપક નાઈટ્રેટમાં આવેલા બોયલરની 12 મેના રોજ જ સ્ટીમ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જ્યારે 21 એપ્રીલ 2022ના રોજ બોયલરોની વાર્ષિક તપાસ પણ કરવામાં આવી હતી. > બી.એ.બારડ, મદદનીશ નિયામક, બોઈલર કચેરી
જાણવાજોગ ફરિયાદ નોંધાઈ
દીપક નાઈટ્રેટમાં લાગેલી આગ મુદ્દે નંદેસરી પોલીસ મથકમાં જાણવાજોગ નોંધવામાં આવી છે. જ્યારે પોલીસ દ્વારા ફેક્ટરી ઈન્સપેક્ટરનો રિપોર્ટ માંગવામાં આવશે. ત્યાર બાદ આગળ કાર્યવાહી કરીશું. > એસ. એ. કરમુર, પીઆઈ, નંદેસરી પોલીસ મથક
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.