રાજીવનગર સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટથી IOCL અને રિલાયન્સને રોજ 6 કરોડ લીટર પાણી આપવાના પ્રોજેકટમાં થયેલા વિલંબના કારણે પાલિકાને 21 કરોડનું નુકસાન થયું છે. 16 મહિનામાં પૂર્ણ થનાર પ્રોજેક્ટ 42 મહિના બાદ પણ હજી અધૂરો છે. નાગરિકોના ઘરે જઈ વેરાની પઠાણી ઉઘરાણી કરતું તંત્ર જો યોગ્ય સંકલન કરી આવક મેળવવાના પ્રોજેક્ટને વહેલી તકે પૂર્ણ કરવા જોર લગાવે તો ઉઘરાણી કરવી ન પડે.
પાલિકાએ રિયુઝ ઓફ ટ્રીટેડ વેસ્ટ વોટર પ્રોજેક્ટ માટે વર્ષ 2020ના સપ્ટેમ્બરમાં કોન્ટ્રાક્ટર સ્કાય વે ઈન્ફ્રા પ્રા. લિમિટેડને કોન્ટ્રાક્ટ આપ્યો હતો. જેમાં રૂા. 80.30 કરોડના ખર્ચે રાજીવનગર સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટથી IOCLને દરરોજ 4 કરોડ લિટર અને રિલાયન્સને 2 કરોડ લિટર પાણી આપી તેમની પાસેથી આવક મેળવવાનું નક્કી કર્યું હતું. આ પ્રોજેક્ટને 16 મહિનામાં પૂર્ણ કરવાનો હતો. પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ પાણીનું વેચાણ કરતા વાર્ષિક રૂ. 8થી 9 કરોડની આવક થશે તેવી જાહેરાત કરાઈ હતી.
જોકે આ પ્રોજેક્ટને 3 વર્ષ અને 6 મહિના થઈ ગયા છે, પરંતુ હજી પણ આ પ્રોજેક્ટ પૂર્ણ ન થવાથી બે વર્ષમાં મળનારી રૂા. 17 કરોડની આવકનું નુકસાન થયું હતું. તંત્રે આ માટે કોન્ટ્રાક્ટરને રૂા. 55 કરોડનું ચુકવણું કર્યું છે. જેનું માત્ર વ્યાજ ગણીએ તો પણ 4 કરોડ થાય છે. ઉલ્લેખનીય છે કે પાલિકાની ટીમો 720 કરોડની વેરાની આવક મેળવવા માટે નાગરિકોના ઘરે ઘરે જઈ પઠાણી ઉઘરાણી કરે છે. તો આવક મેળવી આપતાં આવા પ્રોજેક્ટને વહેલી તકે પૂર્ણ કરવા જો તંત્ર કામે લાગે તો આવક વધી શકે છે.
કોન્ટ્રાક્ટરે રોજના 41 મીટરને બદલે 15 મીટર જ પાઇપ નાખી
રાજીવનગરથી 20 કિમી (20 હજાર મીટર) સુધી બે કંપનીઓમાં પાણી પહોંચાડવા માટે લાઈન નાખવા માટે તેમજ આ પ્રોજેક્ટ પૂર્ણ કરવા માટે 16 મહિના એટલે કે 484 દિવસની મર્યાદા હતી. પરંતુ 3 વર્ષ અને 6 મહિના એટલે કે 1260 દિવસમાં પણ પૂર્ણ થયો નથી. ગણતરી મુજબ કોન્ટ્રાક્ટરે 1 દિવસમાં 41 મીટર સુધી પાઇપ નાખવાની હતી, પરંતુ તેણે 1 દિવસમાં માત્ર 16 મીટર જ પાઇપ નાખી છે.
તંત્રનો બચાવ, સરકારમાંથી મંજૂરી મોડી મળી
પ્રોજેક્ટમાં વિલંબ થવા અંગે પૂછતાં અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું કે, જુદા જુદા વિભાગોમાંથી મંજૂરી મળવામાં વિલંબ થયો હતો. જેમાં ઉન્ડેરાથી આગળ આવેલી આરએન્ડબીના તાબા હેઠળની 1700 મીટર જમીનમાં તેમજ કોયલી જીઆઇડીસીની 1500 મીટર જમીનમાં લાઈન નાખવા માટે 8 મહિના મોડું થયું હતું. ગોરવા-છાણી તરફ જતી રેલવે લાઈન નીચે પુશિંગ કરી પાઇપ નાખવામાં વિલંબ થયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.