તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધાર્મિક:ભગવાન જગન્નાથજી 15 દિવસ ક્વોરન્ટાઇન રહેશે, દર્શન બંધ

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નર્મદા, મહી, ગંગાના જળથી જગન્નાથજીને અભિષેક
  • સરકાર મંજૂરી નહીં આપે તો મંદિર પરિસરમાં રથયાત્રા યાેજાશે

શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલા ઈસ્કોન મંદિરમાં 24 જૂનના રોજ સવારે 9:30 વાગે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામની પ્રતિમાઓ પર નર્મદા, મહીસાગર અને ગંગાના પવિત્ર જળથી જળાભિષેક કરવામાં આવ્યો હતો. મંદિરના પ્રાંગણમાં આયોજીત આ ભવ્ય કાર્યક્રમમાં મંદિર પરીસરમાં રહેતા ભક્તો, સાંસદ, ધારાસભ્યો તેમજ કોર્પોરેટર અને શહેરીજનો ઉપસ્થિત રહ્યાં હતાં. જળાભિષેકની વિધિ શરૂ કરતા પહેલા કેક કાપવામાં આવી હતી. ત્યારબાદ ભગવાનને જળથી અભિષેક કરવામાં આવ્યા બાદ તેમને ભોગ ધરાવવામાં આવ્યો હતો.

ભોગ ધરાવ્યા બાદ મહાઆરતી કરી ભક્તોએ ભોગનો પ્રસાદ લીધો હતો.જળાભિષેક પૂર્ણ થયા બાદ ભગવાનને મંદિરના ગર્ભગૃહમાં લઈ જવામાં આવ્યાં હતાં. પૌરાણિક માન્યતા મુજબ જળાભિષેક બાદ ભગવાન બીમાર પડતા હોવાથી તે 15 દિવસ સુધી મંદિરના વિશેષ રૂમમાં રહેતા હોય છે. જ્યાં પૂજારી દ્વારા તેમને વિવિધ ઔષધિઓ અને લેપ ભગવાનને લગાવવામાં આવતા હોય છે. 15 દિવસના ક્વોરન્ટાઇન પિરિયડ પૂરો થતા ભગવાન ભક્તોને દર્શન આપતા હોય છે.

આ અંગે ઈસ્કોન મંદિરના સ્વામી નિત્યાનંદે જણાવ્યું હતું કે, સરકાર પરવાનગી આપશે તો ગાઈડ લાઈન મુજબ રથયાત્રા કાઢવામાં આવશે. નહી તો ગત વર્ષની જેમ મંદિર પરીસરમાં જ રથયાત્રાનું આયોજન કરવામાં આવશે.આગામી 12 જુલાઈ અષાઢી બીજના દિવસે રથયાત્રાનો તહેવાર આવી રહ્યો છે. ત્યારે ઈસ્કોન મંદિરમાં રથ તૈયાર કરવામાં આવી રહ્યો છે. કારીગરો દ્વારા રથનું સમારકામ કરીને તેને નવેસરથી કલર કરવામાં આવશે. ભક્તો દ્વારા જળાભિષેકના દિવસે પ્રભુને રથયાત્રાનું શહેરમાં આયોજન થઈ શકે તે માટે પ્રાર્થના કરી હતી.

અન્ય સમાચારો પણ છે...