વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચાર કિલોમીટરનો સાઇકલ ટ્રેક બનાવવામાં આવ્યો. આ ટ્રેક બનાવવા માટ 1.88 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. હાલ ટ્રેક માટે રોડ બની ગયો છે અને તેને વાહનવ્યવહારના રોડથી અલગ રાખવા માટે સાઇકલ ટ્રેક માર્કિંગની કામગીરી બાકી છે.
ક્યા થઇને પસાર થયો છે ટ્રેક
વડોદરામાં સૌથી લાંબો સાઇકલ ટ્રેક બનીને તૈયાર થઇ ગયો છે. આ ટ્રેક શહેરના પૂર્વ વિસ્તારમાં પાણીગેટ ત્રણ રસ્તાથી સુલેમાની ચાલ થઇ, વૃંદાવન ચાર રસ્તા થઇ, સરદાર એસ્ટેટ ચાર રસ્તાથી મહાવીર હોલ થઈને પરત પાણીની ટાંકી સુધીનો ચાર કિલોમીટરનો ઘેરાવો ધરાવે છે.
1.88 કરોડનો ખર્ચ
રોડની સાઇડમાં જ તૈયાર થયેલા આ સાઇકલ ટ્રેક માટે ગત વર્ષે કામગીરી શરૂ કરવામાં આવી હતી, હવે આ ટ્રેક માટે રોડ અને ગ્રાઉટીંગનું કાર્ય પુરુ થઇ ગયું છે. આ રોડ બનાવવા માટે 1 કરોડ 88 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે.
ફિનિશિંગ અને માર્કિંગ થતાં ટ્રેક અલગ દેખાશે
હાલ સાઇકલ માટેનો ટ્રેક બની ગયો છે. પરંતુ, આ ટ્રેકમાં વચ્ચે નડતરરૂપ બનતી આડાશો દૂર કરવાની કામગીરી પૂર્ણ થઇ ગઇ છે. હવે આ ટ્રેક માટે ફિનિસિંગ અને સાઇકલ ટ્રેક અંગેનું માર્કિંગનું કામ થતાં જ તે વાહનવ્યવહારથી અલગ સાઇકલ ટ્રેક તરીકે દેખાશે.
સાઇકલ રાઇડર્સ અને કસરત કરનારાઓને લાભ
આ સાઇકલ ટ્રેક આગામી એક-બે મહિનામાં લોકો માટે ખુલ્લો મુકાય તેવી શક્યતા છે. જેથી સાઇકલ રાઇડર્સ અને કસરત કરનારાઓને અલગ ટ્રેક મળતા તેમના માટે સુરક્ષિત સવારીની સુવિધા મળી રહેશે.
પશ્ચિમ બાદ પૂર્વને સુવિધા
ઉલ્લેખનીય છે કે, શહેરના પશ્ચિમ વિસ્તારમાં તાજેતરમાં જ ગેંડા સર્કલથી મનિષા ચોકડી સુધી સાડા ત્રણ કિલોમીટર લાંબા ઓવરબ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ત્યારે હવે શહેરના પૂર્વ વિસ્તારમાં ચાર કિલોમીટર લાંબો સાઇકલ ટ્રેક બનાવી બંને વિસ્તારોની વિકાસની સમતુલા જળવાઇ રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.