હનુમાન જયંતી:વડોદરામાં ત્રેતાયુગથી હરણીમાં બિરાજમાન ભીડભંજન હનુમાનજીની પ્રતિમા મનુષ્ય સ્વરૂપની, શ્રધ્ધાળુઓની લાંબી કતારો લાગી

વડોદરાએક મહિનો પહેલા
ત્રેતાયુગથી હરણીમાં બિરાજમાન
  • ભગવાન રામે હનુમાનજીને આ સ્થળે મનુષ્ય રૂપે વસવા આદેશ કર્યો હતો

ત્રેતાયુગથી હરણીમાં બિરાજમાન ભીડભંજન હનુમાનજીની પ્રતિમા મનુષ્ય સ્વરૂપની છે. મંદિરોમાં હનુમાનજીની પ્રતિમા વાનર સ્વરૂપે હોય છે. આ મંદિરનો ઈતિહાસ સ્કંદ પુરાણના નાગરખંડમાં ત્રિશંકુ અને વિશ્વામિત્ર સંવાદમાં મળે છે. હરણી હનુમાન ભીડભંજન મારુતિ મંદિરના મહંત હર્ષદગીરી ગોસ્વામીએ જણાવ્યુ હતું કે, હરણી ભીડભંજન મંદિરની ગાથા અને મૂર્તિ ત્રેતાયુગ સમય કાલની હોવાનું શાસ્ત્રોમાં કહેવાયું છે. અમારા પરિવારની દશમી પેઢી હાલમાં ભીડભંજન દાદાની સેવામાં છે.

અસૂરને આકાશમાંથી ધરતી પર પછાડી પગ તળે દબાવ્યો હતો
શાસ્ત્રો પ્રમાણે આ વિસ્તાર શિવ વન હતો. તેની રાજધાની હિરણ્ય નગરી (હવે હરણી)માં રાજા હિરણ્યાક્ષનું શાસન હતું. ભગવાન શ્રીરામ અહીં આવ્યા ત્યારે તેમણે હનુમાનજીને લોકોની પીડા નિવારવા કહેતાં 7 દિવસના ભીષણ યુદ્ધ બાદ અંત ન દેખાતાં શ્રીરામ યુદ્ધ કરવા તૈયાર થયા. ત્યારે હનુમાનજીએ વિરાટ શક્તિ રૂપ ધરી અસૂરને આકાશમાંથી ધરતી પર પછાડી પગ તળે દબાવ્યો હતો. જ્યાં ભગવાન રામે હનુમાનજીને આ સ્થળે મનુષ્ય રૂપે વસવા આદેશ કર્યો હતો. જેથી અહીં માનવ મુખાકૃતિવાળા હનુમાન બિરાજે છે.

હિમકૂટ પર્વત અને ધ્યાન મુદ્રામાં હનુમાનદાદાની પ્રતિમાના દિવ્ય સ્વરૂપનો અલૌકિક દર્શન કરવા ભક્તોની ભારે ભીડ ઉમટી પડી.
હિમકૂટ પર્વત અને ધ્યાન મુદ્રામાં હનુમાનદાદાની પ્રતિમાના દિવ્ય સ્વરૂપનો અલૌકિક દર્શન કરવા ભક્તોની ભારે ભીડ ઉમટી પડી.

અલૌકિક દર્શન કરવા ભક્તોની ભારે ભીડ ઉમટી
ત્યારે આજે હનુમાનજી પ્રાગટ્ય દિને હરણી ભીડભંજન મંદિરમાં હિમકૂટ પર્વત અને ધ્યાન મુદ્રામાં હનુમાનદાદાની પ્રતિમાના દિવ્ય સ્વરૂપનો અલૌકિક દર્શન કરવા ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી. સવારથી મંદિરમાં દાદાને તેલ ચઢાવવા માટે શ્રધ્ધાળુઓની લાંબી કતારો લાગી હતી. મંદિરમાં ભવ્ય ડેકોરેશન કરવામાં આવ્યું છે. મંદિરના વહીવટ કર્તાઓ દ્વારા વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. મંદિરને ભવ્ય રોશનીથી શણગારવામા આવ્યું છે. સાજે મંદિર ઝળહળી ઉઠશે.