• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Live Webcasting Of Voting Process Will Be Done At Total 1330 Polling Stations Of Vadodara City district, 12 Documents Will Also Be Valid For Voting.

વિધાનસભા ચૂંટણીની તૈયારી:વડોદરા શહેર-જિલ્લાના કુલ 1330 મતદાન મથકો પર મતદાન પ્રક્રિયાનું લાઈવ વેબ કાસ્ટિંગ કરાશે, મતદાન માટે 12 દસ્તાવેજો પણ માન્ય રહેશે

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
વડોદરા જિલ્લા ચૂંટણી અધિકારી અતુલ ગોર. - Divya Bhaskar
વડોદરા જિલ્લા ચૂંટણી અધિકારી અતુલ ગોર.

ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી બે તબક્કામાં યોજાનાર છે. વડોદરા શહેર જિલ્લાની 10 વિધાનસભા બેઠકોની સામાન્ય ચૂંટણી 5 ડિસેમ્બરે અને મતગણતરી 8 ડિસેમ્બરે યોજાનાર છે.

વડોદરા શહેર જિલ્લાની 10 બેઠકો પર પુરુષ 13,31,174 , મહિલા 12,70,875 અને અન્ય 223 સહિત કુલ 26,02,272 મતદારો નોંધાયા છે. સાવલી વિધાનસભા બેઠક પર 273, વાઘોડિયામાં 288, ડભોઈમાં 270, વડોદરા (શહેર) માં 272, સયાજીગંજમાં 261, અકોટામાં 246, રાવપુરામાં 281, માંજલપુરમાં 217, પાદરામાં 126 અને કરજણમાં 146 સહિત કુલ 2590 મતદાન મથકો ઊભા કરવામાં આવ્યા છે.

વડોદરા શહેર જિલ્લામાં વિધાનસભાની સામાન્ય ચૂંટણી મુક્ત,ન્યાયી અને નિષ્પક્ષ રીતે યોજાય તેમજ ચૂંટણી દરમ્યાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે શહેર જિલ્લાના કુલ 1330 મતદાન મથકો ઉપર મતદાન પ્રક્રિયાનું લાઈવ વેબ કાસ્ટીંગ કરવામાં આવશે એમ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર અતુલ ગોરે જણાવ્યું હતું . સાવલી વિધાનસભા બેઠક પર 137, વાઘોડિયામાં 152, ડભોઈમાં 135, વડોદરા (શહેર) માં 131, સયાજીગંજમાં 130, અકોટામાં 128, રાવપુરામાં 159, માંજલપુરમાં 112, પાદરામાં 123 અને કરજણમાં 123 સહિત કુલ 1330 મતદાન મથકો ઉપર લાઈવ વેબ કાસ્ટીંગ કરવામાં આવશે.

વડોદરા જિલ્લા ચૂંટણી અધિકારી અતુલ ગોરે જણાવ્યું હતું કે, વડોદરા શહેર જિલ્લામાં વિધાનસભા બેઠક દીઠ સાત લેખે 70 સખી મતદાન મથકો ઊભા કરવામાં આવશે. જેનું સંપૂર્ણ સંચાલન મહિલાઓ દ્વારા કરવામાં આવશે. શહેર જિલ્લામાં કુલ 10 આદર્શ મતદાન મથકો,10 દિવ્યાંગ સંચાલિત મતદાન મથકો,10 ગ્રીન મતદાન મથકો ઊભા કરવામાં આવનાર છે. સયાજીગંજ વિધાનસભા મત વિભાગમાં એક યુવા મતદાન મથક ઉભુ કરવામાં આવશે.જેનું સંચાલન 18થી 29 વર્ષના યુવા અધિકારી કર્મીઓ દ્વારા કરવામાં આવશે.

મતદાન માટે મતદાર ફોટો ઓળખકાર્ડ-EPIC ઉપરાંત અન્ય 12 દસ્તાવેજો પણ માન્ય રહેશે
ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી દરમિયાન મતદાન કરતાં પહેલાં મતદારે મતદાર ફોટો ઓળખકાર્ડ-EPIC રજૂ કરી પોતાની ઓળખ પ્રસ્થાપિત કરવાની રહેશે. EPIC ઉપરાંત ભારતના ચૂંટણી પંચ દ્વારા મતદાન માટે અન્ય 12 દસ્તાવેજો પણ માન્ય કરવામાં આવ્યા છે.

આ દસ્તાવેજોમાં આધાર કાર્ડ, મનરેગા હેઠળ આપવામાં આવતા જોબ કાર્ડ, બેંક/પોસ્ટ ઓફિસ તરફથી આપવામાં આવતી ફોટોગ્રાફ સાથેની પાસબુક, શ્રમ મંત્રાલયની યોજના હેઠળ આપવામાં આવેલ હેલ્થ ઇન્સ્યોરન્સ સ્માર્ટ કાર્ડ, ડ્રાઇવીંગ લાયસન્સ, પાનકાર્ડ, એનપીઆર અન્વયે આરજીઆઇ દ્વારા ઇસ્યુ કરેલ સ્માર્ટ કાર્ડ, ઇન્ડિયન પાસપોર્ટ, ફોટોગ્રાફ સાથેના પેન્શન ડોક્યુમેંટ, કેન્દ્ર/રાજય સરકારના જાહેર ક્ષેત્ર ઉપક્રમો, જાહેર લિમિ. કંપનીઓએ કર્મચારીઓને ઇસ્યુ કરેલા ફોટોગ્રાફ સાથેના સર્વિસ ઓળખપત્રો, સંસદસભ્યો/ધારાસભ્યો/વિધાન પરિષદના સભ્યોને ઇસ્યુ કરેલા સરકારી ઓળખપત્રો અને ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય દ્વારા ઇસ્યુ કરેલ Unique Disability ID(UDID) કાર્ડનો સમાવેશ થાય છે, જે રજૂ કરી મતદાન કરી શકાશે.

વધુમાં બિનનિવાસી ભારતીયોની જો મતદાર તરીકે નોંધણી કરેલ હોય તો તેઓએ મતદાન મથકે ફક્ત "અસલ પાસપોર્ટ" રજૂ કરી તેમની ઓળખ પ્રસ્થાપિત કરવાની રહેશે એમ જિલ્લા ચૂંટણી અધિકારી અતુલ ગોરે જણાવ્યું હતું.

સાવલી વિધાનસભા વિસ્તારમાં સાત સખી મતદાન મથકો બનશે
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને કેન્દ્રીય ચૂંટણી પંચની સૂચનાનુસાર સાવલી બેઠક ઉપર સાત સખી મતદાન મથક બનાવવાનું આયોજન વડોદરા ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે. ચૂંટણી તંત્ર દ્વારા જણાવાયું છે કે, સાવલીમાં આવેલી ગંગોત્રી શૈક્ષણિક સંકુલમાં ત્રણ, સાવલી બોયઝ હાઇસ્કૂલમાં બે, તાલુકા પંચાયત પાસે આવેલી સાવલી હાઇસ્કૂલમાં બે બૂથ સખી મતદાન કેન્દ્ર બનાવવામાં આવ્યા છે. જેનું સંચાલન મહિલા ચૂંટણીકર્મીઓ દ્વારા થશે. જાવલા પ્રાથમિક શાળામાં દિવ્યાંગ મતદાન કેન્દ્ર (તમામ કર્મીઓ દિવ્યાંગ) અને એચ. પી. શેઠ ગર્લ્સ હાઇસ્કૂલમાં મોડેલ મતદાન કેન્દ્ર બનાવવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...