કાર્યવાહી:કરજણ ટોલનાકા અને એક્સપ્રેસ વે પરથી રૂા.60.81 લાખનો દારૂનો જથ્થો પકડાયો

વડોદરા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિધાનસભાની ચૂંટણી દરમિયાન દારૂની રેલમછેલ કરવાનો પ્લાન ઊંધો પડ્યો
  • 3 શખ્સોની​​​​​​​ ધરપકડ સાથે 80.94 લાખનો મુદ્દામાલ કબજે

વિધાનસભા ચૂંટણીને લઇ દારૂની હેરફેર રોકવા જિલ્લા પોલીસ એક્શનમાં આવી ગઈ છે. જિલ્લાના કરજણના ભરથાણા ટોલનાકા પાસેથી 36.91 લાખ અને આજોડની સીમ પાસેથી પસાર થતા એક્સપ્રેસ વે પાસેથી 23.89 લાખ સહિત કુલ 60.81 લાખનો દારૂ એલસીબીએ ઝડપી લીધો હતો. પોલીસે 80.94 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

એલસીબી પોલીસના જવાનો ભરથાણા ટોલનાકા ખાતે વોચમાં હતા ત્યારે બાતમી મુજબના ટેમ્પોને અટકાવી તેમાં તપાસ કરાઈ હતી. જેમાં રૂા.36.91 લાખની વિદેશી દારૂની 9264 બોટલ મળી હતી. પોલીસે દારૂ, આઇસર ટેમ્પો સહિત 46.99 લાખના મુદ્દામાલ સાથે બેની ધરપકડ કરી હતી.

આ અંગે કરજણ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવાયો હતો. આઈદાનરામ જેહારામ જાટ તેમજ વિનસિંગ લાલસીંગ રાવણા (બંને કોલું, બાયતું, બાડમેર, રાજસ્થાન)ની ધરપકડ કરી ટેમ્પો આપનાર રાજુરામ જાટ (સચોર, રાજસ્થાન) તેમજ દારૂ મગાવનાર અને મોકલનાર સામે કરજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી તપાસ હાથ ધરી છે.

અન્ય બનાવમાં ગ્રામ્ય જિલ્લા એલસીબીના પીએસઆઇ કે.એ.પટેલ અને તેમની ટીમને કન્ટેનરમાં દારૂ અમદાવાદ તરફ જતો હોવાની માહિતી મળી હતી. જેથી આજોડની સીમમાં પસાર થતા એક્સપ્રેસ વે નજીકથી કન્ટેનર પકડ્યું હતું. જેમાંથી રૂા.23.89 લાખની વિદેશી દારૂની 13,080 બોટલો મળી હતી.

કન્ટેનરના ચાલક ધરમપાલ બનવારીલાલ ગુર્જર (રહે. ભેરુબાંસ ઝાંઝર, જિ.ઝુનઝુન, રાજસ્થાન)ની ધરપકડ કરી હતી. તેની પૂછપરછમાં દારૂનો જથ્થો ભિવંડી મહારાષ્ટ્રથી મીર સુભાષ ગુર્જર (દેવપુરા)એ ભરાવ્યો હતો અને અમદાવાદ ખાતે ડિલિવરી કરવાની હોવાનું ખૂલ્યું હતું. પોલીસે દારૂ, કન્ટેનર સહિત 30.94 લાખનો મુદ્દામાલ કબજે કરી મંજૂસર પોલીસને હવાલે કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...