વડોદરા જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચે વડોદરા નજીક એક્સપ્રેસ હાઇવે ઉપરથી કન્ટેનરમાં અમદાવાદ તરફ જતો ભારતીય બનાવટનો રૂપિયા 24.36 લાખની કિંમતનો દારૂ તેમજ ટ્રક મળી કુલ 34.41 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે કન્ટેનર ચાલકની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે.
પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી
વડોદરા જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચના પી.આઇ. કૃણાલ પટેલે માહિતી આપતા જણાવ્યું હતું કે, જિલ્લા પોલીસ વડાએ જિલ્લામાં દારૂ-જુગાર તેમજ ગુનાહિત પ્રવૃત્તિઓ અટકાવવા માટે જિલ્લા પોલીસ તંત્રને એલર્ટ રહેવા માટે સૂચના આપી છે. જે સૂચના અનુસાર જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચની ટીમ રાત્રી પેટ્રોલિંગમાં હતી. દરમિયાન માહિતી મળી હતી કે, એક્સપ્રેસ હાઇવે થઇ અમદાવાદ તરફ એક કન્ટેનરમાં દારૂનો જથ્થો જવાનો છે.
આજોડ પાસે વોચ ગોઠવી
આ માહિતીના આધારે પી.એસ.આઇ. પી.જે. ખરસાણ તથા સ્ટાફના અ.હે.કો. સિદ્ધરાજસિંહ સહિતા અન્ય જવાનોની મદદ લઈને એક્સપ્રેસ હાઇવે ઉપર આજોડ ગામ પાસે વોચ ગોઠવી દેવામાં આવી હતી. દરમિયાન માહિતીવાળું કન્ટેનર અમદાવાદ તરફ જઇ રહ્યું હોઇ, પોલીસે તેને રોક્યું હતું. કન્ટેનર ઉભો રેહતા જ પોલીસે કન્ટેનર ચાલક સુરેન્દ્રકુમાર બજરંગલાલ ગુર્જર (રહે. દેવીપુરા, જિલ્લો-જુનજુન, રાજસ્થાન)ને દબોચી લીધો હતો.
કન્ટેનરમાંથી દારૂની 498 પેટી મળી
પી.આઇ. કૃણાલ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, કન્ટેનર ચાલકની કન્ટેનરની અંદરના સામાનની પૂછપરછ કરતા તેણે સંતોષકારક જવાબ ન આપતા શંકા ગઇ હતી. આથી પોલીસ દ્વારા કન્ટેનર ખોલાવી તપાસ કરતા તેમાંથી ભારતીય બનાવટની દારુની 498 પેટી મળી હતી. દારૂની પેટીમાં તપાસ કરતા 11364 નંગ દારૂની બોટલો મળી આવી હતી. પોલીસે રૂપિયા 24,36,000ની કિંમતનો દારૂ કબજે કરવા સાથે કન્ટેનર ચાલકની ધરપકડ કરી મંજુસર પોલીસના હવાલે કર્યો હતો.
મંજુસર પોલીસ મથકમાં ફરિયાદ
આ દારૂનો જથ્થો અમદાવાદ તરફ લઇ જવાતો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું. અમદાવાદ પહોંચ્યા બાદ કન્ટેનર ચાલક સુરેન્દ્રકુમાર ગુર્જરને ફોન કરવાનો હતો. ફોન કર્યાં બાદ સામેની જે વ્યક્તિ જ્યાં કહે ત્યાં દારુનો જથ્થો પહોંચતો કરવાનો હતો. જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચના અનાર્મ હેડ કોન્સ્ટેબલ સિદ્ધરાજસિંહે મંજુસર પોલીસ મથકમાં કન્ટેનર ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી. મંજુસર પોલીસે ફરિયાદના આધારે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.