વડોદરાના ક્રાઇમ ન્યૂઝ:સવા બે લાખના ચાઇનીઝ ગુબ્બારા સાથે ત્રણની ધરપકડ, સાણંદની કંપનીમાંથી 23 ફોન ચોરી ભાગેલો સિક્યોરિટી ગાર્ડ ઝડપાયો

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિબંધિત ચાઇનીઝ ગુબ્બારા સાથે ઝડપાયેલ ત્રણ શખ્સ. - Divya Bhaskar
પ્રતિબંધિત ચાઇનીઝ ગુબ્બારા સાથે ઝડપાયેલ ત્રણ શખ્સ.

વડોદરા PCBએ બાતમીના આધારે દરોડો પાડી બાજવાડા ખાતે આવેલ ગોડાઉનમાંથી કખા સીંગલ રોડ ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાંથી સવા બે લાખની કિંમતના 22 હજાર 500 પ્રતિબંધિત ચાઇનીઝ ગુબ્બારા ઝડપી લીધા હતા. આ સાથે જ આ મામલે વિનય તુલસીદાસ સુલતીયાણી (રહે. ગાયત્રીનગર, વારસીયા), સલમાનખાન (રહે. ખ્વાઝાનગર, આજવા રોડ) અને મકસુદઅહેમદ શેખ (રહે. લક્ષ્મીનગર, આજવા રોડ)ની ધરપકડ કરી હતી.

ચોરીના મોબાઇલ સાથે ઝડપાયેલ સિક્યોરિટી ગાર્ડ.
ચોરીના મોબાઇલ સાથે ઝડપાયેલ સિક્યોરિટી ગાર્ડ.

સાણંદની ખાનગી કંપનીમાંથી 23 ફોન ચોરી ફરાર આરોપીની ધરપકડ
વડોદરા ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે વડોદરા સેન્ટ્રલ એસટી બસ ડેપો ખાતેથી 23 મોબાઇલ સાથે અભિષેક ઉર્ફે કલ્લુ સુનીલ મિશ્રા (મૂળ રહે. શંકરગઢ. જિ. પ્રયાગરાજ, ઉત્તરપ્રદેશ)ને ઝડપી લીધો હતો. આ મોબાઇલ અંગે પૂછપરછ કરતા તેણે કબૂલ્યું હતું કે સાણંદ ખાતે આવેલ એવરી ફાર્માસ્યુટીકલ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં તે સિક્યોરિટી ગાર્ડ તરીકે નોકરી કરે છે અને ગાર્ડ રૂમમાં રાખેલા 23 મોબાઇલ ચોરી તે ઉત્તર પ્રદેશ ભાગવાની ફિરાકમાં હતો. પરંતુ ઉત્તર પ્રદેશ જવા માટે તેની પાસે રૂપિયા ન હતા તેથી તે એક-બે મોબાઇલ વડોદરામાં ફરતો હતો. આ દરમિયાન વડોદરા ક્રાઇમ બ્રાન્ચે તેને દબોચી લીધો હતો.

ઉત્તરાયણની ઉજવણી માટે ફોર્ચ્યુનરમાં દારૂની હેરાફેરી 11 લાખનો મુદ્દામાલ જપ્ત
વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં ઉત્તરાયણની ઉજવણી માટે ફોર્ચ્યુનર કારમાં દારૂ લાવવામાં આવી રહ્યો હોવાની બાતમી PCBને મળી હતી. જેથી ગત રાત્રે તરસાલી ઓવરબ્રિજ પાસે વૉચ ગોઠવવામાં આવી હતી. આ દરમિયાન બાતમીવાળી ફોર્ચ્યુનર કાર પસાર થતાં તેને રોકવાનો ઇશારો કરતા કાર ચાલક કારને સર્વિસ રોડ તરફ હંકારીને ભાગ્યો હતો અને ભાલીયાપુરા ગામના પાછળના ભાગે આવેલા કોતરોમાં કાર ઉભી રાખીને ભાગ્યો હતો.

જો કે કારમાં બેઠેલો 19 વર્ષનો વિશાલ શંકરરાવ ઠાકોર (રહે. ટેકરાવાળું ફળીયું, ભાલીયાપુરા ગામ. વડોદરા) ઝડપાઇ ગયો હતો. વિશાલ ઠાકોરે પૂછપરછમાં જણાવ્યું હતું કે આ દારૂ વિજય પ્રભાતભાઇ ઠાકરડા (રહે. દ્વારકેશ ફ્લેટ, તરસાલી બ્રીજ પાસે, વડોદરા)એ મંગાવ્યો હતો અને આ કાર પણ વિજય ઠાકરડાની છે. તેમજ કારનો ચાલક રોહિત ઠાકોર પણ તેમનો ડ્રાયવર છે.

પોલીસે આ મામલે કારમાં રહેલા દારૂ અને બિયરનો 1 લાખ 6 હજારનો જથ્થો તેમજ ફાર્ચ્યુનર કાર મળી કુલ 11 લાખ 6 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તેમજ આરોપીઓને સામે ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથધરી છે.

મકરપુરામાં મહિલાએ તેના દારૂડિયા પતિને ઝડપાવ્યો
વડોદરા શહેરના મકરપુરામાં અભયમની ટીમને એક મહિલાએ મદદ માટે બોલાવી હતી. જેમાં મહિલાનો પતિ દારૂ પી ત્રાસ આપતો હોવાનું જણાવ્યું હતું. જેથી અભયમની ટીમે પોલીસને બોલાવી મહિલાના પતિ વિશાલભાઇ સુનીદત્ત સરદાર (રહે. વિશાલનગર, દંતેશ્વર, વડોદરા)ને દારૂના નશાની હાલતમાં પોલીસને હવાલે કર્યો હતો.

લક્ષ્મીપુરામાં વૃંદાવન સોસાયટીમાં દારૂ પીધેલો શખ્સ ઝડપાયો
વડોદરા શહેરના લક્ષ્મીપુરા જૂના પોલીસ સ્ટેશનની બાજુમાં વૃંદાવન સોસાયટીના બંગલા નંબર-9ની સામે ભદ્રેશ શાહ નામનો વ્યક્તિ દારૂ પી ગાળા ગાળી કરતો હોવાની વિગતો પોલીસને મળી હતી. જેથી પોલીસે ઘટના સ્થળે પહોંચી ભદ્રેશ શાહ (રહે. વૃંદાવન ટેનામેન્ટ, રામી સ્કૂલની બાજુમાં, લક્ષ્મીપુરા, વડોદરા)ને નશાની હાલતમાં ઝડપી લીધો હતો.

ગોત્રીમાં દારૂ પી ટુ વ્હિલર પર નિકળેલા બે શખ્સ પકડાયા
વડોદરા શહેરના ગોત્રી વાસણા ભાયલી રોડ પર નિલામ્બર સર્કલ પાસે ટુ વ્હિલર પર આવી રહેલા બે શખ્સો તેમનું વાહન વાંકુચુંકુ ચલાવી રહ્યા હતા. જેથી પોલીસે તેમને રોકી બ્રીથ એનેલાઇઝરથી ચેક કરતા બંને શખ્સ લાલુભાઇ ગોપાલભાઇ ચુનારા અને ઉમંગ જગદીશભાઇ ચુનારા (રહે. સકરપુર ગામ, તા. ખંભાત) દારૂ પીધેલી હાલતમાં પકડાયા હતા. પોલીસે બંનેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...