વડોદરાના ક્રાઇમ ન્યૂઝ:માંજલપુરમાં મહિલા બુટલેગરના ઘરમાંથી દારૂ જપ્ત, ફતેગંજમાં દુકાન માલિક પર છરાથી હુમલો, ઓ.પી. રોડ પર ચેઇન સ્નેચિંગ

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
મહિલા બુટલેગરના ઘરમાંથી દારૂ જપ્ત. - Divya Bhaskar
મહિલા બુટલેગરના ઘરમાંથી દારૂ જપ્ત.

શહેરના માંજલપુર વિસ્તારમાં PCB દ્વારા બાતમીના આધારે દરોડો પાડી 47 હજારનો દારૂ જપ્ત કરી લેવામાં આવ્યો છે. પોલીસે માંજલપુર બ્રિજ પાર્ક સોસાયટીમાં રહેતા પંકીત હસમુખભાઇ પટેલના આકાશવાણી પાછળ આવેલ દિવ્યજ્યોત સોસાયટીના મકાન નં. 42માં રહેતી હીરલ ઉર્ફે કાજલ પટણીના ઘરમાં દરોડો પાડ્યો હતો. જેમાં ઘરમાંથી 70 બોટલ દારૂ અને બિયરના 112 નંગ મળી કુલ 47,200 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે પંકીત પટેલ અને હીરલ પટણી સામે દારૂ વેચવા મામલે ગુનો દાખલ કર્યો છે.

છાણીમાં દુકાનમાં ખરીદી કરવા આવેલા શખ્સોએ છરાથી હુમલો કર્યો
શહેરના છાણી ટીપી-13માં મહર્ષિ શોપિંગની દુકાનમાં દુકાન માલિક રાજેશભાઇ સોલંકી દુકાનમાં હાજર હતા. આ દરમિયાન લક્ષ્મણસિંહ તાવરજી ગરાસિયા (રહે. ઘનલક્ષ્મી એવન્યુ, ટીપી-13 છાણી) અને જયંતીભાઇ રામજીભાઇ કોન્ટ્રાક્ટર (રહે. સમા, વડોદરા) ખરીદી કરવા આવ્યા હતા. અને ખરીદી દરમિયાન બોલાચાલી કરી લક્ષ્મણસિંહ અને જયંતીભાઇએ છરાથી દુકાનદાર રાજેશભાઇ સોલંકીના ગળા પર અને શરીરના ભાગે ઘા માર્યા હતા. જેથી રાજેશભાઇની બુમો સાંભળી દુકાન ઉપર ઘરમાં રહેતો તેમનો પુત્ર મયંકભાઇ સોલંકી પણ દુકાનમાં નીચે દોડી આવ્યો હતો. અને લક્ષ્મણસિંહે દુકાનદારના પુત્ર મયંકના હાથ પર છરીના ઘા માર્યા હતા. જેથી હુમલામાં ઘાયલ પિતા-પુત્રને સારવાર માટે છાણીની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

ઓ.પી. રોડ પર ચેઇન સ્નેચિંગ
શહેરના માંજલપુર વિસ્તારમાં જૈન મંદિર રોડ આદિનાથ ડુપ્લેક્ષમાં રહેતા વૃદ્ઘા કનકબેન હર્ષદભાઇ શાહ પાસપોર્ટ લેવા માટે દીકરાની વહુ સાથે ઓ.પી. રોડ ખાતે પહોંચ્યા હતા. આ દરમિયાન વિનસ હોસ્પિટલ પાસે ટુ-વ્હિલર પર આવેલ બે શખ્સ પાછળથી વૃદ્ઘાના ગળામાંથી સવા તોળા સોનાની ચેઇન (કિંમત 40 હજાર) તોડી અક્ષર ચોક તરફ ફરાર થઇ ગયા હતા. જે અંગે વૃદ્ઘાએ જે.પી.રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

બાપોદમાં સગીરાનું અપહરણ
શહેરના બાપોદ વિસ્તારમાં એક સગીરા તેની નાની બહેનને બાલવાડીમાં મુકવા માટે સવારે ગઇ હતી. જો કે તે ઘરે પરત ફરી ન હતી. તપાસ કરતા પરિવારને જાણવા મળ્યું છે કે સગીરાને એક યુવક લગ્નની લાલચ આપી અપહરણ કરી ગયો છે. જેથી આ અંગે પરિવારજનોએ બાપોદ પોલીસ સ્ટેશનમાં સગીરાના અપહરણની ફરિયાદ નોંધાવી છે.