ભાસ્કર ઇનસાઇટ:લિકર કિંગ જોગીન્દર શર્મા ક્રાઇમ બ્રાન્ચના સોફા ઉપર આરામ ફરમાવતો વીડિયોમાં કેદ

વડોદરા25 દિવસ પહેલા
  • કૉપી લિંક
લિકર કિંગ જોગીન્દર શર્મા - Divya Bhaskar
લિકર કિંગ જોગીન્દર શર્મા
  • હરજાણીના હત્યારાની ક્રાઇમ બ્રાંચમાં સરભરા
  • ફોજી ગુજરાતમાં વર્ષે 500 કરોડનો દારૂ ઠાલવતી ગેંગનો માસ્ટરમાઇન્ડ

રાજ્ય ભરમાં અબજો રૂપિયાનો વિદેશી દારૂ ઠાલવી ચૂકેલા હત્યાના આરોપી જોગીન્દરસિંઘ ઉર્ફે ફૌજીની ક્રાઈમ બ્રાન્ચમાં સરભરા થતી હોવાનો ઘટસ્ફોટ દિવ્ય ભાસ્કરના છુપા કેમેરામાં થયો છે. મુકેશ હરજાણી હત્યા કેસમાં જેને 7 વર્ષ સુધી પોલીસ શોધી ના શકી તેને સ્ટેટ મોનીટરીંગ સેલે ઝડપ્યા બાદ ટ્રાન્સફર વોરંટથી ક્રાઇમ બ્રાંચમાં લવાયો હતો.

જ્યાં રિમાન્ડમાં લોકઅપમાં રાખવાને બદલે સોફા ઉપર બેસાડી સરભરા થતી હતી. જોગીન્દરસિંઘ ઉર્ફે ફૌજી સામે અમદાવાદ, આણંદ, વડોદરા, પંચમહાલ, ગાંધીનગર, નડિયાદ, નર્મદા, રાજકોટ, તાપી, જૂનાગઢ, તાપી, ભાવનગર, રાજપીપળા, અરવલ્લીમાં દારૂના 28 ગુના હતા. તે વડોદરામાં મુકેશ હરજાણી હત્યા કેસના 11 પૈકીનો એક આરોપી હતો.

2016ના હત્યાના ગુનામાં શહેર પોલીસ એને 7 વર્ષ સુધી પકડી શકી ન હતી. સ્ટેટ મોનીટરીંગ સેલે 17 નવેમ્બરે મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર બોર્ડર ઉપરથી ઝડપી પાડતાં અમદાવાદ જેલમાંથી ટ્રાન્સફર વોરંટના આધારે વડોદરા ક્રાઈમ બ્રાન્ચે લાવી બે દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. જોગીન્દર સિંગ આટલો મોટો ગુનેગાર હોવા છતાં રિમાન્ડ દરમ્યાન એની પૂછપરછ ચાલુ ના હોય તેવા સમયે લોક અપમાં રાખવાને બદલે બહાર સોફા ઉપર બેસાડી સરભરા કરવામાં આવતી હતી.

સવાલ ઊભો થાય છે કે કોના ઇશારે ક્રાઈમ બ્રાન્ચ જોગીન્દરસિંઘ પ્રત્યે કુણું વલણ દાખવી રહ્યું છે? આ ઘટના અંગે એસીપી એચ.આર.રાઠોડને જાણ કરતા ચોંક્યા હતા અને જણાવ્યું હતું કે ‘એ રિમાન્ડ ઉપર છે, સોફા ઉપર બેસાડ્યો હોય એવું બની શકે નહિ, છતાં હું આ મામલે તપાસ કરાવીશ’

ચપ્પલ કાઢીને પગ ઉપર પગ ચઢાવી બેઠો હતો
દિવ્ય ભાસ્કરનો કેમેરા બપોરના 1.23 મીનીટે ક્રાઈમ બ્રાન્ચની પાણીગેટ ભદ્ર કચેરીમાં પ્રવેશે છે ત્યારે જવાબદાર પોલીસ અધિકારીઓ જેમાં એસીપી અને પીઆઇ પોલીસ વિભાગની ક્રિકેટ મેચમાં ગયા હોવાથી ગેરહાજર હતા અને પીએસઓ ખુરશીમાં બેઠા હતા અને જોડે એક પો.કર્મી હાજર હતો. સામે સોફા ઉપર પગ ઉપર પગ ચઢાવી જોગીન્દરસિંઘ ઉર્ફે ફૌજી બેઠો હતો. અઢી મિનિટના વિડિયોમાં એ એવી જ અવસ્થામાં દેખાઈ રહ્યો છે.

હત્યામાં બૂટલેગર જોગીન્દર શર્માની શું ભૂમિકા હતી હવે તેની તપાસ કરાશે
વડોદરા : ક્રાઈમ બ્રાન્ચે ફોજીની ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરી હરજાણીની હત્યામાં જોગિન્દરસિંઘનો શું રોલ હતો? અને છ વર્ષથી તે કયાં રહ્યો હતો? કાવતરાંખોરો સાથે શું સંબંધ છે? તે સહિતના સવાલોના જવાબ શોધવા માટે તેના બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે.

સૂત્રોના મુજબ ગુજરાતમાં વર્ષે 500 કરોડનો દારૂ ઠાલવતી ગેંગના માસ્ટર માઈન્ડ હરિયાણાના જોગીન્દરસિંઘ ઉર્ફે ફૌજી શર્માને મહારાષ્ટ્ર-મધ્યપ્રદેશની બોર્ડરેથી પકડતાં મોટા પ્રમાણમાં રોકડ પણ મળી હતી. મોટાભાગના ગુના પ્રોહીબીશનના તેની સામે નોંધવામાં આવેલા છે. હવે ડીસીબી પોલીસે જોગીન્દરના હરજાણીની હત્યામાં શું? રોલ હતો તે દિશામાં તપાસ કરવાની છે.

અન્ય સમાચારો પણ છે...