થંડરસ્ટ્રોમની અસર:બપોરે ગાજવીજ સાથે હળવો વરસાદ, આજે પણ આગાહી

વડોદરા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બપોર સુધી ઉઘાડ રહ્યા બાદ પલટો
  • ઓક્ટોબરના ત્રીજા સપ્તાહ સુધી વરસાદ વિદાય લે તેવી શક્યતા

શહેરમાં દિવસ દરમિયાન તડકો રહ્યા બાદ બપોરે અચાનક ગાજવીજ સાથે વરસાદી ઝાંપટું પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. હવામાં ભેજયુક્ત પવનો સાથે થંડરસ્ટ્રોમની રચના થતા વડોદરામાં ગાજવીજ સાથે વરસાદી ઝાંપટુ પડ્યું હોવાનું હવામાન વિભાગે જણાવ્યું હતું. જ્યારે આગામી બે સપ્તાહ સુધીમાં શહેરમાં થંડરસ્ટ્રોમના કારણે વરસાદી ઝાપટાં વરસશે તેવી આગાહી હવામાન શાસ્ત્રીએ કરી છે. ઉલ્લેખનિય છે કે, રવિવારના રોજ ગરમીનો પારો 33 ડિગ્રી સુધી રહેશે.

હવામાન શાસ્ત્રી અંકિત પટેલે જણાવ્યું હતું કે, હાલ વાતાવરણમાં અસ્થિતરતા જોવા મળી રહી છે.જેના પગલે શહેરમાં આગામી 11 ઓક્ટોબર સુધીને થંડરસ્ટ્રોમના પગલે છુટાછવાયા ઝાપટાં પડશે. ઓક્ટોબરના ત્રીજા અઠવાડિયા સુધીમાં શહેરમાંથી વરસાદી વિદાય લઈ શકે છે. શનિવારે બપોર બાદ થંડરસ્ટ્રોમના પગલે જ વડોદરામાં ગાજવીજ સાથે વરસાદી ઝાંપટું વરસ્યું હતું. હવામાન વિભાગના જણાવ્યા મુજબ શનિવારે મહત્તમ તાપમાનનો પારો 33.4 ડિગ્રી અને લઘુત્તમ તાપમાનનો પારો 26.9 ડિગ્રી નોંધાયો હતો. ભેજનું પ્રમાણ સવારે 79 ટકા અને સાંજે 88 ટકા નોંધાયું હતું. જ્યારે પશ્ચિમની દિશાથી 5 કિમીની ઝડપે પવનો ફુંકાયા હતાં. શનિવારે 6 મિમી વરસાદ વરસ્યો હતો.

દેવ જળાશય 80% ભરાતાં એલર્ટ અપાયું
વડોદરા ફ્લડ કન્ટ્રોલ સેલના જણાવ્યાનુસાર દેવ જળાશયની જળ સપાટી 88.72 મીટર થતાં જળાશયમાં પાણીની કુલ સંગ્રહ શક્તિ 80 ટકા જેટલી થતાં જળાશય એલર્ટ સ્ટેજ પર પહોંચ્યું છે. તંત્ર દ્વારા દેવ જળાશયને એલર્ટ સ્ટેજ તરીકે જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે પ્રાંત અઘિકારી ડભોઈ, મામલતદાર વાઘોડિયા દ્વારા અસરગ્રસ્ત ગામોને ચેતવણી આપી એલર્ટ કરી દેવાયાં છે.

અન્ય સમાચારો પણ છે...