• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • "Let All The Officials Of Gujarat Listen. I Will Come At Any Time. Give The Verdicts Of The Appeals Which Have Been Heard Quickly Said Cabinet Minister Rajendra Trivedi

મહેસુલ મંત્રીનો આદેશ:'ગુજરાતના તમામ અધિકારીઓ સાંભળી લે, ગમે તે સમયે હું આવીશ, જે અપીલોની સુનાવણી થઇ ગઇ હોય એ ચુકાદાઓ ઝડપથી આપી દો'

વડોદરા15 દિવસ પહેલા
  • કેબિનેટ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ આજે વડોદરા કલેક્ટર ઓફિસની સરપ્રાઇઝ મુલાકાત લીધી
  • 70 જેટલી આરટીએસ અપીલના હુકમો 7 દિવસમાં કરવાનો આદેશ કર્યો

રાજ્યના મહેસુલ અને કાયદા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ આજે વડોદરા કલેક્ટર કચેરીની પ્રાંત ઓફિસની ઓચિંતી મુલાકાત લીધી હતી અને 70 જેટલી આરટીએસ અપીલના હુકમો 7 દિવસમાં કરવાનો આદેશ કર્યો છે. આ ઉપરાંત રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું કે, ગુજરાતના તમામ અધિકારીઓ જાણી લે, ગમે ત્યારે ગમે તે સમયે આવી રીતે હું આવીશ અને લોકોને ન્યાય મળે તેની કાળજી લઇશ. તમામ અધિકારીઓ સાંભળી લે સુનાવણી થઇ ગઇ હોય એ ચુકાદાઓ ઝડપથી આપવા માટે મહેસુલ વિભાગના મંત્રી તરીકે હું આદેશ કરૂ છું.

કેબિનેટ મંત્રીએ કલેક્ટર ઓફિસની સરપ્રાઇઝ મુલાકાત લીધી
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, મેં આજે કલેક્ટર ઓફિસની સરપ્રાઇઝ મુલાકાત લીધી હતી. જેમાં પ્રાંત ઓફિસમાં પ્રશ્નો પૂછ્યા હતા કે, આપની પાસે કટેલા આરટીએસ અપીલના હુકમો આપવાના બાકી છે. જેમાં 70 કેસની સુનાવણી થઇ ગઇ હોવાનો જવાબ મળ્યો હતો. જેથી મેં 3 દિવસમાં તમામ 70 કેસનો નિકાલ કરવાનો આગ્રહ કર્યો હતો. અધિકારીએ પોતાની વિટંબણા રજૂ કરી હતી અને 7 દિવસનો સમય માગ્યો હતો. જેથી મેં તેઓને 7 દિવસનો સમય આપ્યો હતો.

વડોદરા કલેક્ટર કચેરી
વડોદરા કલેક્ટર કચેરી

એજન્ટને રૂપિયા ન આપવા અપીલ કરી
તેઓએ ઉમેર્યું હતું કે, તમામ અરજકર્તાઓને મારી વિનંતી છે કે, કોઇપણ એજન્ટના માધ્યમથી કોઇ પણ રકમ માગવામાં આવે તો આપશો નહીં, તમે મને લેખિતમાં જાણ કરશો. હું તમામ લોકોને ન્યાય અપાવીશ. તમામ 70 કેસનો નિકાલ કરવાનો છે. આજે જે કર્યું છે, તે તમામ લોકો માટે એક દાખલો છે. આવનારા દિવસોમાં તમામ લોકોને ન્યાય અપાવવાના પ્રયાસો કરીશ.

મહિલાએ મહેસુલ મંત્રીની યાત્રા સમયે આક્રોશ વ્યક્ત કર્યો હતો
ઉલ્લેખનિય છે કે, શનિવારે મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીને જન આશીર્વાદ યાત્રા કારેલીબાગ કાશીબા ચિલ્ડ્રન હોસ્પિટલ પાસેથી જતી રહી હતી, ત્યારે જ એક મહિલાએ ધસી આવી નેતાઓના ચહેરા પર માસ્ક નથી તો દંડ કેમ નથી લેતા સવાલ કરી પોતે ભરેલા દંડ નાણાં પરત અપાવો તેવી માગ કરી હતી.

રાજેન્દ્ર ત્રિવેદીએ પ્રાંત ઓફિસની ઓચિંતી મુલાકાત લીધી હતી
રાજેન્દ્ર ત્રિવેદીએ પ્રાંત ઓફિસની ઓચિંતી મુલાકાત લીધી હતી

યાત્રામાં બધા જ લોકોએ માસ્ક પહેર્યો નથી
વીઆઇપી રોડ જીતેન્દ્ર પાર્કમાં રહેતી મહિલાએ જણાવ્યું હતું કે, તેઓ જ્યારે રિક્ષામાં બેસીને પસાર થતા હતા ત્યારે તેમનું માસ્ક સહેજ નીચુ હતું છતાં પોલીસે 1 હજાર દંડ કર્યો હતો. આ યાત્રામાં બધા જ લોકોએ માસ્ક પહેર્યો નથી. હોસ્પિટલમાં દાખલ 50 બાળકો ડીજેના ઘોઘાટથી ગભરાઇ રહ્યા છે પરંતુ ડીજે બંધ કરાયું નથી.

અન્ય સમાચારો પણ છે...