વડોદરા સયાજીબાગ ઝૂમાં હિપ્પોપોટેમસે રાઉન્ડમાં ગયેલા ઝૂ ક્યુરેટર અને સિક્યુરિટી જવાન ઉપર જીવલેણ હુમલો કરતા ગંભીર ઇજા પહોંચી હતી. બંને ઇજાગ્રસ્તો હજુ પણ સંપૂર્ણ સ્વસ્થ ન હોવાના કારણે ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. ઝૂ ક્યુરેટરે બચકાં ભરી રહેલા હિપ્પોથી બચવા માટે મરી જવાનો ડોળ કર્યો ન હોત તો કદાચ તેઓને હિપ્પોએ મારી નાખ્યા હોત. જોકે, સિક્યોરિટી જવાનને પોતાનો જમણો પગ ગુમાવવાનો વખત આવ્યો છે. અનેક હિંસક પ્રાણીઓનું રેસ્ક્યૂ કરી સલામત સ્થળે ખેસડવાનું કામ કરનાર ગુજરાત પ્રાણી ક્રૂર નિવારણ સંસ્થાના અગ્રણીએ જણાવ્યું હતું કે, આફ્રિકન મૂળના પ્રાણી હિપ્પોના હુમલામાં વર્ષે 500 જેટલા લોકોનાં મોત થાય છે.
સિક્યોરિટીને વધુ ઇજાઓ પહોંચી
સયાજીબાગમાં વિવિધ પ્રકારનાં હિંસક પ્રાણીઓનું પ્રાણી સંગ્રહાલય છે. આ પ્રાણી સંગ્રહાલયમાં ઝૂ ક્યુરેટર તરીકે પ્રત્યુષ પાટણકર ફરજ બજાવે છે. સમયાંતરે ઝૂ ક્યુરેટર સિક્યોરિટી જવાન સાથે પ્રાણીઓની આરોગ્યલક્ષી તપાસ માટે જતા હોય છે. તા. 9 માર્ચના રોજ પણ ઝૂ ક્યુરેટર પ્રત્યુષ પાટણકર સિક્યોરિટી જવાન સાથે પ્રાણીઓની સુરક્ષા તેમજ આરોગ્યલક્ષી તપાસ માટે રાઉન્ડમાં નીકળ્યા હતા. જેમાં તેઓ હિપ્પોપોટેમસને રાખવામાં આવતા પિંજરામાં ગયા હતા. દરમિયાન હિપ્પોપોટેમસે એકાએક ઝૂ ક્યુરેટર પ્રત્યુષ પાટણકર અને ઝૂ ક્યુરેટરને બચાવવા માટે પ્રયાસ કરનાર સિક્યોરિટી જવાન રોહિતભાઇ ઇથાપે ઉપર જીવલેણ હુમલો કર્યો હતો.
સદભાગ્યે બચી ગયા
ઝૂ ક્યુરેટર પ્રત્યુષ પાટણકર કંઈ વિચારે તે પહેલાં જ ભુરાંટા બનેલા હિપ્પોએ જીવલેણ હુમલો કરી ચાર-પાંચ બચકાં ભરી લીધાં હતાં. હિપ્પોએ હુમલો કરતા જ પ્રાણીઓ વિષે જાણકાર ઝૂ ક્યુરેટર મરી જવાનો ડોળ કરી હિપ્પો પાસે જમીન ઉપર સૂઇ ગયા હતા. જેના કારણે તેઓનો આબાદ બચાવ થયો હતો. નહીં તો હિપ્પોએ તેઓને મારી નાખ્યા હોત. તે દરમિયાન સિક્યોરિટી જવાન બચાવ માટે આવી પહોંચતા હિપ્પોએ સિક્યોરિટી જવાન ઉપર પણ જીવલેણ હુમલો કરી દીધો હતો.
બંને ઇજાગ્રસ્તોના અપડેટમાં ધાંધિયા
હિપ્પોએ કરેલા જીવલેણ હુમલામાં પ્રત્યુષ પાટણકર અને સિક્યોરિટી જવાનને મલ્ટિપલ ફ્રેક્ચર થયાં છે. તેમજ હિપ્પો મારેલા દાંતથી ગંભીર ઇજા પહોંચી છે. બંને ઇજાગ્રસ્તોને અલગ-અલગ ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. જેમાં ઝૂ ક્યુરેટર પ્રત્યુષ પાટણકરને નરહરિ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. તાજેતરમાં તેમના એક પગનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. તેઓને ચોક્કસ કેવા પ્રકારની ઇજા પહોંચી છે, કેટલા પ્રમાણમાં ઇજા પહોંચી છે અને તેઓને કાયમી તકલીફ રહેશે કે કેમ તે અંગે નરહરિ હોસ્પિટલ દ્વારા માહિતી આપવામાં આવી રહી નથી. તે જ રીતે ઇજાગ્રસ્ત સિક્યોરિટી રોહિતભાઇને પણ જેતલપુર રોડ ખાતેની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. તેઓના એક કરતાં વધુ અંગોને ગંભીર ઇજા પહોંચી છે. સિક્યોરિટી રોહિતભાઇનો જમણો પગ કાપવાની સ્થિતી સર્જાઇ છે. તેમ વડોદરા કોર્પોરેશનના પાર્ક્સ એન્ડ ગાર્ડનના ડાયરેક્ટર મંગેશ જયશ્વાલે જણાવ્યું હતું.
ઝૂ ક્યુરેટરએ હિપ્પો ઉપર ભરોસો રાખ્યો
કમાટીબાગમાં હિપ્પો દ્વારા ઝૂ ક્યુરેટર પ્રત્યુષ પાટણકર અને સિક્યોરિટી જવાન ઉપર કરાયેલ હુમલો ગંભીર બાબત છે. સદભાગ્યે તેઓ મોતના મુખમાંથી બચી ગયા છે. પરંતુ, પ્રાણીઓ વિષેના જાણકાર ઝૂ ક્યુરેટર પ્રત્યુષ પાટણકરની કોઇપણ સેફ્ટી વગર હિપ્પો પાસે જવું મોટી ભૂલ હતી. તેમ હવે જાણકારો કહી રહ્યા છે. જાણકારો નામ ન લખવાની શરતે જણાવી રહ્યા છે કે, ઝૂ ક્યુરેટરનો વધારે પડતા હિપ્પો પાસે જવાના ઉત્સાહને કારણે આ ઘટના બની છે.
હિપ્પો મૂળ આફ્રિકન પ્રાણી
પ્રાણીઓ વિષે જાણકાર અને અસંખ્ય હિંસક પ્રાણીઓનું રેસ્ક્યૂ કરનાર ગુજરાત પ્રાણી ક્રૂર નિવારણ સંસ્થાના અગ્રણી રાજ ભાવસારે જણાવ્યું હતું કે, કમાટીબાગમાં હિપ્પો દ્વારા ઝૂ ક્યુરેટર અને સિક્યોરિટી જવાન ઉપર કરાયેલા હુમલાની ઘટના ગંભીર છે. સદભાગ્યે બંનેનો જીવ બચી ગયો તે એક સારી વાત છે. હિપ્પો એ આફ્રિકન મૂળનું પ્રાણી છે. હિપ્પોના હુમલામાં વર્ષે 500 જેટલા લોકો મોતને ભેટતા હોય છે. તે બાબતથી ઝૂ ક્યુરેટર પણ અજાણ નહીં હોય. તેમ છતાં, તેઓ કોઇ પણ સેફ્ટી વગર હિપ્પો પાસે કોઇ પણ કારણસર ગયા તે તેમની ભૂલ ગણી શકાય. દુનિયામાં મોટા કદના પ્રાણીઓમાં ત્રીજા નંબર હિપ્પો આવે છે. પ્રથમ સ્થાને હાથી અને બીજા સ્થાને ગેંડો આવે છે.
કાયમી વેટેરનરી ડોક્ટર નથી
રાજ ભાવસારે વધુમાં જણાવ્યું હતું કે, કોઇપણ હિંસક પ્રાણીની સારવાર કરવાની હોય તો તેને બેભાન કરવું જરૂરી છે અને તે કામ વેટેરનરી તબીબનું છે. કમાટીબાગમાં કાયમી એક પણ વેટેરનરી ડોક્ટર નથી. ક્યારેક જરૂર પડે ત્યારે આણંદથી બોલાવવા પડે છે. અથવા તો પ્રાઇવેટ પ્રેક્ટિસ કરતા વેટરનરી ડોક્ટરને બોલાવવા પડે છે. વર્ષે કરોડો રૂપિયાનો ખર્ચ કરતા કોર્પોરેશન દ્વારા કમાટીબાગમાં વેટેરનરી તબીબની કાયમી નિમણૂક કરવામાં આવતી નથી.
સેફ્ટી વગર પિંજરામાં જવું જોખમ
હિપ્પોમાં 8 માસનો ગર્ભ રહે છે અને તેનો હિટનો સમય ફેબ્રુઆરી-ઓગસ્ટનો હોય છે. આ સમયગાળાની આસપાસ હિપ્પો જેવા હિંસક પ્રાણી સામે કોઇપણ સેફ્ટી વગર જવું જોખમકારક હોય છે. સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીની ગાઇડ લાઇન મુજબ કોઇપણ હિંસક પ્રાણીના પિંજરામાં જઇ શકાય નહીં. અને જો કોઇપણ પ્રાણીની ટ્રીટમેન્ટ કરવાની હોય તો ત્રણ સ્ટેજ પાર કર્યા બાદ કરી શકાય છે. અને તે માટે ઝૂ ક્યુરેટર નહિં. પરંતુ, વેટેરનરી ડોક્ટર હોવા જરૂરી છે. કોઇપણ ફીમેલ હિંસક પ્રાણી હીટમાં આવે ત્યારે જ આક્રમક બનતું હોય છે.
હવે પગ કાપવો પડે તેવી સ્થિતિ
વડોદરા કોર્પોરેશનના પાર્ક્સ એન્ડ ગાર્ડનના ડાયરેક્ટર મંગેશ જયશ્વાલે જણાવ્યું હતું કે, હિપ્પોના હુમલાનો ભોગ બનેલા ઝૂ ક્યુરેટર પ્રત્યુષ પાટણકર હજુ સારવાર હેઠળ છે. તેઓની તબિયતમાં સુધાર છે. તેઓનાં કેટલાં અંગો ડેમેજ છે તે અંગે ડોક્ટરોનો અભિપ્રાય લીધા પછી ખબર પડશે. જ્યારે સિક્યોરિટી જવાન રોહિતભાઇના જમણા પગને બચાવી શકાય તેમ નથી. સારવાર કરી રહેલા ડોક્ટરના અભિપ્રાય મુજબ તેમનો જમણો પગ કાપવો પડે તેવી સ્થિતિ છે. પગ બચાવવા માટે અથાગ પ્રયાસો કરવામાં આવ્યા છે. પરંતુ, હવે પગ કાપવો પડશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.