ચૂંટણીમાં દારૂની રેલમછેલ:વડોદરા પાસેથી ટ્રકમાં ગાંધીધામ-કચ્છ લઇ જવાતો 59 લાખનો દારૂ LCBએ ઝડપી પાડ્યો, 2ની ધરપકડ

વડોદરા6 દિવસ પહેલા
ટ્રકમાં દારુનો જંગી જથ્થો લઇને જતાં એલ.સી.બી.એ ઝડપી પાડ્યા
  • વડોદરા-હાલોલ રોડ ઉપર આમલીયા ગામ પાસે LCBએ વોચ ગોઠવી

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને પગલે દારૂની રેલમછેલ કરવા માટે બુટલેગરો સક્રિય થઈ ગયા છે. જોકે, પોલીસ તંત્ર દ્વારા નાકાબંધી કરી દેવામાં આવી હોવાથી બુટલેગર અને નિયત સ્થળે દારૂ પહોંચાડવા માટે સાત કોઠા પાર કરવા જેવી હાલત થઈ ગઈ છે. મોડી રાત્રે વડોદરા જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે ટ્રકમાં લઇ જવાતો રૂપિયા 59 લાખની કિંમતનો ભારતીય બનાવટનો દારૂનો જંગી જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે આ ગુનામાં દારૂ લઈને જઈ રહેલા બે ટ્રક ડ્રાઇવરની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. આ દારૂનો જથ્થો ગાંધીધામ-કચ્છ ખાતે લઈ જવાતો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું.

LCB દ્વારા વોચ ગોઠવાઈ
વડોદરા જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચના પી.આઈ. કૃણાલ પટેલે જણાવ્યું હતું કે, પ્રવર્તમાન વિધાનસભાની ચૂંટણીઓમાં દારૂનો ઉપયોગ ન થાય તે માટે જિલ્લા પોલીસવડા દ્વારા ઘનિષ્ઠ પેટ્રોલિંગ કરવા તેમજ નાકાબંધી કરવા માટે સૂચનાઓ આપવામાં આવી છે. જેના ભાગરૂપે જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ હાલોલ-વડોદરા રોડ ઉપર પેટ્રોલિંગમાં હતી. દરમિયાન અમને માહિતી મળી હતી કે, દારૂ ભરેલી એક ટ્રક ગોધરા તરફથી વડોદરા થઈને ગાંધીધામ-કચ્છ તરફ જવાની છે.

ગાંધીધામ-કચ્છ 985 પેટી દારુ લઇ જવાતો હતો
ગાંધીધામ-કચ્છ 985 પેટી દારુ લઇ જવાતો હતો

ટ્રકમાં 985 પેટી દારૂ મળી આવ્યો
તેમણે વધુમાં જણાવ્યું કે, આ માહિતીના આધારે એલસીબીના પી.એસ.આઇ. એ.એમ. પરમાર તથા સ્ટાફના અનાર્મ હેડ કોન્સ્ટેબલ દેવરાજસિંહ, શક્તિસિંહ, સિદ્ધરાજસિંહ, કનુભાઇ અને બળદેવસિંહ સહિતના સ્ટાફને આમલીયારા ગામ પાસે વાંચમાં ગોઠવી દેવામાં આવ્યા હતા. દરમિયાન બાતમીવાળી ટ્રક આવી પહોંચતા તેને રોકવામાં આવી હતી. ટ્રકમાં તપાસ કરતા ઢાકેલી તાડપત્રી નીચેથી 985 પેટી દારૂ મળી આવ્યો હતો.

બે આરોપીની ધરપકડ
પી.આઈ. કૃણાલ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, આ દારૂની પેટીઓમાંથી 11,820 નંગ બોટલો મળી આવી હતી. જેની કિંમત રૂપિયા 59,10,000 થાય છે. પોલીસે દારૂ ભરેલી ટ્રક કબજે કરવા સાથે ટ્રકના ડ્રાઇવર તાજારામ ભગારામ પુનિયા (જાટ) રહે. અરણીયાલી ગામ, જિલ્લો-બાડમેર, રાજસ્થાન ) અને રાવતારામ શેરારામ બાના (જાટ) રહે. મોતીહેરી ગામ, જિલ્લો બાડમેર, રાજસ્થાન) ની અટકાયત કરવામાં આવી છે. આ સાથે મોબાઇલ ફોન, ટ્રક, દારુનો જથ્થો મળી કુલ્લે રૂપિયા 69,26,000 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

ગાંધીધામ પહોંચી ફોન કરવાનો હતો
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ દારૂનો જથ્થો ક્યાંથી લાવ્યા અને ક્યાં લઈ જવાતો હતો તે અંગે ટ્રક ચાલકોની પૂછપરછ કરતા તેઓએ જણાવ્યું હતું કે આ દારૂનો જથ્થો હરિયાણાના રાજુ જાટે ભરાવ્યો હતો અને ગાંધીધામ-કચ્છ ખાતે લઈ જવામાં આવતો હતો. ગાંધીધામ ખાતે પહોંચીને રાજુ જાટને ફોન કરવાનો હતો ફોન કરાયા બાદ તેઓ જ્યાં સ્થળ બતાવવાના હતા તે સ્થળે દારૂનો જથ્થો પહોંચાડવાનો હતો. આ બનાવ અંગે જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચના અનાર્મ હેડ કોન્સ્ટેબલ દેવરાજસિંહે જરોદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે જરોદ પોલીસ સ્ટેશને ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...