રજૂઆત:પાવીજેતપુરમાં દારૂની લતના કારણે મોટા પ્રમાણમાં તડવી પુરુષોના મોત

વડોદરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • નગરમાં ચાલી રહેલા દારૂના અડ્ડા બંધ કરાવવા ડીએસપી સહિત ઉચ્ચ કક્ષાએ રજૂઆત
  • તડવી સમાજની મહિલાઓને અર્થી લઈને ભવિષ્યમાં સ્મશાનમાં જવું પડશેની ભીતિ

છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર નગરમાં લાંબા સમયથી બેરોકટોક ચાલતા દારૂના અડ્ડાઓના કારણે મોટા પ્રમાણમાં તડવી સમાજના પુરુષોનું મોત થતાં દારૂના અડ્ડાઓ બંધ કરવાની માગ સાથે પાવીજેતપુર તડવી સમાજ દ્વારા ડીએસપી સહિત ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી છે.

છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તડવી સમાજના લોકોએ કરેલી અરજી મુજબ પાવીજેતપુરમાં સ્થાનિક પોલીસના છૂપા આશીર્વાદથી બેરોકટોક ચાલતા દારૂના અડ્ડાઓના કારણે લાંબા સમયથી તડવી સમાજના પુરુષોના મોત મોટા પ્રમાણમાં થઈ રહ્યા છે. જેના કારણે કેટલીક મહિલાઓ વિધવા થઈ છે તો કેટલાય બાળકો અનાથ થઈ ગયા છે. તડવી સમાજમાં કેટલાક ઘરોમાં તો પુરુષો રહ્યા જ નથી. મહિલાઓ તથા બાળકો જ રહ્યા છે. આવા ઘરની મહિલાઓને લોકોના ઘરોમાં વાસણ ઘસીને પોતાનું તથા પોતાના પરિવારનું ગુજરાન ચલાવવાની ફરજ પડી છે.

પાવીજેતપુર નગરમાં દારૂની બદીના કારણે તડવી સમાજના પુરુષોનું પ્રમાણ એટલું ઝડપથી ઘટી રહ્યું છે કે એક સમય એવો આવશે કે તડવી સમાજમાં કોઈકનું મૃત્યુ થશે તો તેઓની અર્થી તડવી સમાજની મહિલાઓએ ઉઠાવવી પડશે તો નવાઈ નહીં. ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે ત્યારે છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર નગરમાં જોઈએ તેટલો, જોઈએ તેવો અને જોઈએ ત્યાં દેશી વિદેશી દારૂ બેરોકટોક મળી રહે છે. કોવિડ-19ની પરિસ્થિતિમાં પોલીસ લોકોને માસ્કના નામ ઉપર દંડ કરવા સુરા થઈ જાય છે. જ્યારે દારૂના અડ્ડા ઉપર જામતાં મેળાવડાઓ પોલીસ દાદાઓને દેખાતા નથી. એનું શું કારણ ? દારૂના બૂટલેગરો પોલીસ દાદાઓને હપ્તા પહોંચાડતા હોય એટલે ? આવા વેધક સવાલો તડવી સમાજમાં ઉઠી રહ્યા છે. પાવીજેતપુર નગરમાં કેમેરા સિસ્ટમ લાગી ગઇ હોવાથી પોલીસ દાદાઓ ફોન કોલ કરીને નિશ્ચિત સ્થાન ઉપર દારૂના હપ્તાઓ મગાવે છે.

પાવીજેતપુર સ્થાનિક પોલીસ સ્ટેશનમાં દારૂના અડ્ડાઓ અંગે રજૂઆત કરવામાં આવે છે તો અગાઉથી જ બુટલેગરોને જાણ કરી દઈ રેડ પાડવામાં આવે છે. જેથી રેડને નીલ બતાવી દેવામાં આવે છે. ક્યારેક દારૂના કેસ બતાવવા માટે 5-7 લિટર દારૂ 100-120 રૂપિયાનો પકડી પાડી રેકોર્ડ ઉપર બોલાવી પોલીસ દાદાઓ બહાદુરી બતાવે છે. પરંતુ ખરેખર પાવીજેતપુર નગરમાં 7થી 8 જેટલા ચાલતા દેશી-વિદેશી દારૂના અડ્ડા વાળા દેખાતા નથી. આમ, પાવીજેતપુર નગરમાં દારૂની બદીના કારણે લાંબા સમયથી તડવી સમાજના મોટા પ્રમાણમાં પુરુષોના મોત થઈ રહ્યા છે. ત્યારે પોલીસ તંત્ર સજાગ બની આ દારૂના અડ્ડાઓને તાત્કાલિક યુદ્ધના ધોરણે બંધ કરાવે તેવી પાવીજેતપુર નગરના તડવી સમાજના લોકોની ઉગ્ર માગ છે.

જો આ દારૂના અડ્ડાઓ અંગે નક્કર પગલાં ભરવામાં નહીં આવે તો નાછૂટકે સ્વયંભૂ દારૂના અડ્ડા બંધ કરાવવાની જનતાને ફરજ પડશે જેની સંપૂર્ણ જવાબદારી પોલીસ તંત્રની રહેશે. તેવી ચીમકી અરજીમાં તડવી સમાજ દ્વારા ઉચ્ચારવામાં આવી છે. પાવીજેતપુર તડવી સમાજ દ્વારા ડીએસપી, કલેક્ટર, મુખ્યમંત્રી, પોલીસ મહાનિરીક્ષક, નિયામક નશાબંધી અને આબકારી વિભાગ ગાંધીનગર લેખિતમાં રજૂઆત કરી ન્યાયની માગ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...