વડોદરા શહેર પાસે આવેલા ઇટોલા ગામની સીમમાં મોડી રાત્રે હિંસક દીપડાએ રસ્તા પર જતા સસલાનો શિકાર કર્યો હતો. જેના દ્રશ્યો એક ખેડૂતે કેમેરામાં કેદ કર્યાં હતા. આ બનાવે ગ્રામજનોમાં ગભરાટ ફેલાવી દીધો છે.
શિકારનો વીડિયો કેમેરામાં કેદ
વન્ય પ્રાણીઓ હવે ખોરાકની શોધમાં માનવ વસ્તીમાં આવી જતાં હોવાની ઘટનાઓ રાજ્યના લગભગ તમામ જંગલોની આસપાસના વિસ્તારમાં સામાન્ય બની ગઈ છે, ત્યારે વડોદરા શહેરની નજીક આવેલા ઇટોલા ગામમાં દીપડો દેખાયો હતો. જેને પગલે ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. વડોદરા શહેરની નજીક આવેલા ઇટોલા ગામની સીમમાં મોડી રાત્રે એક સ્થાનિક ખેડૂતે હિંસક દીપડાને સીમમાંથી પસાર થતા જોયો હતો. આ સમયે દીપડાએ સામેથી આવતા એક સસલાનો શિકાર કરતા આ સમગ્ર ઘટનાનો વીડિયો કેમેરામાં કેદ થઈ ગયો હતો.
દીપડો ક્યાંથી આવ્યો તે અંગે વન વિભાગ તપાસ કરશે
ગાઢ જંગલમાં હિંસક પ્રાણીઓ દ્વારા થતાં શિકારના દ્રશ્યો જેવું જીવંત દ્રશ્ય વડોદરાના પાદરે ઇટોલા ગામની સીમમાં કેમેરામાં કેદ થયું હતું. હાલ આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. વડોદરા શહેર નજીક દિપડાની ઉપસ્થિતિ હાલ ચિંતાનો વિષય બની છે. દીપડો ક્યાંથી આવ્યો તે અંગે પણ વન વિભાગ તપાસ હાથ ધરશે.
10 વર્ષમાં દીપડાઓની સંખ્યામાં 30 ટકાનો વધારો
ઉલ્લેખનીય છે કે, આ અગાઉ અનેક વખત રહેણાંક વિસ્તારોમાં હિંસજ પ્રાણીઓની હાજરી જોવા મળી છે. ખોરાકની શોધમાં દિપડા અને સિંહ જેવા પ્રાણીઓ માનવ વસ્તીમાં આવી જતાં હોય છે. ગત જાન્યુઆરી 2021માં વનમંત્રી ગણપત વસાવાએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં છેલ્લા 10 વર્ષમાં દીપડાની સંખ્યામાં 20 ટકા વધારો થયો છે. વર્ષ 2006માં થયેલી વસતિ ગણતરી મુજબ 1070 દીપડાઓ હતા, જે વર્ષ 2011માં 1160 થયા હતા. ત્યાર બાદ 2016માં દીપડાઓની સંખ્યા 20.25 ટકા વધીને 1395એ પહોંચી હતી. આમ એક દાયકામાં દીપડાઓની સંખ્યામાં 30 ટકાનો વધારો થયો હતો.
34 ટકા દીપડાઓ માનવ વસ્તીની આસપાસ વસવાટ કરે છે
કુલ દીપડાઓમાં 34 ટકા દીપડાઓ એટલે કે આશરે 470થી વધુ માનવ વસ્તીની આસપાસ વસવાટ કરે છે. દીપડો હિંસક પ્રાણી હોવાથી તેનો વસ્તી વધારો હાલ ખેડૂતો, રાજ્ય સરકાર અને વન વિભાગ માટે ચિંતાજનક સાબિત થઈ રહ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.