વડોદરા મહાનગર પાલિકાના અંધેર વહીવટને કારણે વડોદરા ખાડા નગરી અને ભૂવા નગરી તરીકે પણ ઓળખાવા લાગી છે. પાણી-ડ્રેનેજની લાઈનો નાખ્યા બાદ કેટલાક કોન્ટ્રાક્ટ દ્વારા યોગ્ય રીતે માટી પુરાણ કરતા નથી, પરિણામે અનેક સ્થળોએ ભૂવાઓ પડે છે. આવો જ એક ભુવો કારેલીબાગ વિસ્તારમાં પડ્યો છે.
કારેલીબાગમાં આવેલા ઓમ શાંતિ ભવન, બહુચરાજી નગર પાસે ભૂવો પડ્યો છે, પરંતુ, કોર્પોરેશન દ્વારા તેનું સમારકામ કરવામાં આવ્યું નથી, જેથી વાહન ચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ચોમાસા પહેલા જ ભુવા પડતા લોકોમાં પણ આશ્ચર્ય ફેલાયું છે. વડોદરા શહેરમાં પાણી અને ડ્રેનેજ લાઈન કામગીરી બાદ કોન્ટ્રાક્ટર દ્વારા થતી હલકી કક્ષાની કામગીરીમાં ભૂવા પડવાને કારણે પોલ ખુલ્લી પડતી હોય છે, પરંતુ, કોર્પોરેશનનું તંત્ર જવાબદાર કોન્ટ્રાક્ટરો સામે કોઇ કાર્યવાહી કરતું નથી જેથી લોકોને હેરાનગતિ થતી હોય છે.
આ અંગે સામાજિક કાર્યકર તેજસ બહ્મભટ્ટે આક્ષેપ કર્યો છે કે, સ્માર્ટ સિટી વડોદરામાં કોર્પોરેશનના ઇજનેરો અને ઇજારદારોની મીલીભગતને કારણે કોર્પોરેશનને આર્થિક નુકસાન થઈ રહ્યું છે એટલું જ નહીં લોકો પણ હેરાનગતિ ભોગવી રહ્યા હોવાનો આક્ષેપ કર્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.