બુલેટ ગતિએ ચાલે છે બુલેટ ટ્રેનનું કામ:વડોદરામાં જમીન સંપાદન અને ડિમોલિશનની 98 ટકા કામગીરી પૂર્ણ, બુલેટ ટ્રેનને કારણે સ્ટેશન વિસ્તાર પેસેન્જર હબ બનશે

વડોદરા14 દિવસ પહેલાલેખક: મેહુલ ચૌહાણ
  • રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નં-7ની બાજુમાં જ બુલેટ ટ્રેનનું સ્ટેશન બનશે
  • બુલેટ ટ્રેનના સ્ટેશનથી વોક-વેથી સીધા બસ સ્ટેશનમાં આવી શકાશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ અમદાવાદ-મુંબઇ બુલેટ ટ્રેનની કામગીરી વડોદરામાં ઝડપથી ચાલી રહી છે, જેમાં જમીન સંપાદન, આડાશો દૂર કરવાનું અને વળતર ચૂકવવાનું કામ 98 ટકા પૂર્ણ થઇ ગયું છે. આ પ્રોજેક્ટ સાકાર થતાં વડોદરાનો સ્ટેશન વિસ્તાર પેસેન્જર હબ બની જશે.

પ્લેટફોર્મ નં-7ની બાજુમાં જ બુલેટ ટ્રેનનું સ્ટેશન બનશે
નેશનલ હાઇસ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડના PRO (પબ્લિક રિલેશન ઓફિસર) સુષમા ગૌડે દિવ્ય ભાસ્કર સાથે ટેલિફોનિક વાતમાં જણાવ્યું હતું કે વડોદરામાં બુલેટ ટ્રેન માટેનું જમીન સંપાદન, રૂટમાં આડે આવતાં મકાન, દીવાલો અને નડતરરૂપ બાંધકામોનું ડિમોલિશનનું કામ પણ 98 ટકા પૂર્ણ થઇ ગયું છે. વડોદરામાં બુલેટ ટ્રેનનું સ્ટેશન હાલ જ્યાં રેલવે સ્ટેશન છે ત્યાં પ્લેટફોર્મ નંબર-7ની બાજુમાં જ બનાવવામાં આવશે. આ માટેની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે.

જમીન સંપાદન, આડાશો દૂર કરવાનું અને વળતર ચૂકવવાનું કામ 98 ટકા પૂર્ણ થઇ ગયું છે
જમીન સંપાદન, આડાશો દૂર કરવાનું અને વળતર ચૂકવવાનું કામ 98 ટકા પૂર્ણ થઇ ગયું છે

વડોદરાનો સ્ટેશન વિસ્તાર બનશે પેસેન્જર હબ
વડોદરા શહેરમાં બુલેટ ટ્રેનનું સ્ટેશન રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-7 પાસે બનતું હોવાથી બુલેટ ટ્રેનમાં અમદાવાદ કે સુરત, મુંબઇ તરફથી આવતા કે વડોદરાથી અન્ય શહેરમાં જતા મુસાફરોને મોટો ફાયદો થશે. મુસાફરો ચાલીને જ બુલેટ ટ્રેનના સ્ટેશનમાં કે બુલેટ ટ્રેનના સ્ટેશનમાંથી રેલવે સ્ટેશનમાં જઇ શકશે. બીજી તરફ બુલેટ ટ્રેનના સ્ટેશનની બિલકુલ સામે જ વડોદરાનું મુખ્ય એસ.ટી. બસ સ્ટેશન અને સિટી બસનું મથક આવેલું છે, જેથી બુલેટ ટ્રેનના મુસાફરોને એસ.ટી. બસ, સિટી બસમાં બેસવા માટે કે વડોદરાથી બુલેટ ટ્રેનમાં જતાં લોકોને માત્ર વોકિંગ ડિસ્ટન્સમાં જ બધી સુવિધા મળી જશે, જેથી તેમના મુસાફરી ખર્ચ અને સમય પણ બચશે.

બુલેટ ટ્રેનનું સંપૂર્ણ કામ અને સ્ટેશન બની જવામાં હજુ પણ ત્રણ વર્ષથી વધુનો સમય લાગી શકે છે.
બુલેટ ટ્રેનનું સંપૂર્ણ કામ અને સ્ટેશન બની જવામાં હજુ પણ ત્રણ વર્ષથી વધુનો સમય લાગી શકે છે.

બસ સ્ટેશનમાંથી સુધી બુલેટ ટ્રેનના સ્ટેશનમાં જઇ શકાશે
વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારમાં જ આવેલા વડોદરાના બસ ટર્મિનલમાંથી હાલ એવી વ્યવસ્થા છે કે સીધા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-7 પર રોડ ઓળંગ્યા વિના સ્કાય વોક-વે દ્વારા ચાલીને જઇ શકાય છે, તેથી બુલેટ ટ્રેનમાં આવતા કે જતા મુસાફરો સીધા બસ સ્ટેશનમાં આવી-જઇ શકશે. આ સિવાય સિટી બસ સ્ટેશન પણ બાજુમાં જ આવેલું હોવાથી આ વિસ્તાર પેસેન્જર હબ બની જશે.

વડોદરામાં બુલેટ ટ્રેન મોટા ભાગે પિલર પરથી પસાર થશે.
વડોદરામાં બુલેટ ટ્રેન મોટા ભાગે પિલર પરથી પસાર થશે.

બુલેટ ટ્રેન માટે જૂની ચાલી, દીવાલો તોડી પડાઈ
વડોદરા શહેરમાં બુલેટ ટ્રેનના રૂટમાં આવતી લગભગ 100 વર્ષ જૂના પંડ્યા બ્રિજ પાસેથી નાણાવટી ચાલનાં મકાનો તોડી પાડવામાં આવ્યાં છે. આ સિવાય વડસર ઇન્દિરાનગરનાં મકાનોનું ડિમોલિશન પણ કરવામાં આવ્યું છે. આ સિવાય વિશ્વામિત્રી રેલવે સ્ટેશન નજીક સોસાયટીઓની નડતરરૂપ દીવાલ તોડવા અંગે પણ ટેન્ડર આપવામાં આવ્યાં છે. વડોદરા રેલવે સ્ટેશન પાસે આવેલા પ્રવાસી માહિતી કેન્દ્ર પણ બુલેટ ટ્રેનના રૂટમાં આવતું હોવાથી તોડી પાડવામાં આવશે. આ સિવાય વડોદરા નજીકના ચાણસદમાં પણ જમીન સંપાદન કરવામાં આવ્યું છે.

વડોદરામાં જમીન સંપાદનની પ્રક્રિયા પૂર્ણતાના આરે છે.
વડોદરામાં જમીન સંપાદનની પ્રક્રિયા પૂર્ણતાના આરે છે.

બુલેટ ટ્રેનના સ્ટેશન બનતાં હજુ કેટલાંક વર્ષ રાહ જોવી પડશે
વડોદરામાં હાલ બુલેટ ટ્રેનની કામગીરી ઝડપથી ચાલી રહી છે. જોકે બુલેટ ટ્રેનનું સંપૂર્ણ કામ અને સ્ટેશન બની જવામાં હજુ પણ ત્રણ વર્ષથી વધુનો સમય લાગી શકે છે. વડોદરામાં બુલેટ ટ્રેન મોટા ભાગે પિલર (બિંબ) પરથી પસાર થશે. સુરતમાં પણ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ ઝડપથી થઇ રહ્યું છે.

વડોદરા શહેરમાં બુલેટ ટ્રેનના રૂટમાં આવતાં બાંધકામ તોડવામાં આવી રહ્યાં છે.
વડોદરા શહેરમાં બુલેટ ટ્રેનના રૂટમાં આવતાં બાંધકામ તોડવામાં આવી રહ્યાં છે.

મુંબઈથી અમદાવાદ સુધીમાં બુલેટ ટ્રેનનાં 12 સ્ટેશન બનશે
ઉલ્લેખનીય છે કે મુંબઈથી અમદાવાદ સુધીમાં બુલેટ ટ્રેનનાં 12 સ્ટેશન બનાવવામાં આવશે. બુલેટ ટ્રેનની લંબાઈ 508.5 કિલોમીટર રહેશે. બુલેટ ટ્રેનની ઓપરેટિંગ સ્પીડ 320 કિ.મી. પ્રતિ કલાક રહેશે તેમજ મુંબઈ અને અમદાવાદ વચ્ચેનું 508 કિ.મી.નું અંતર માત્ર 2 કલાક 7 મિનિટમાં જ કપાશે. અમદાવાદના સાબરમતી ખાતે બુલેટ ટ્રેનનું સ્ટેશન બનાવાશે. જે જાપાનના શિંકાનસેન ડિઝાઈનના આધારે તૈયાર થશે. આ પ્રોજેકટમાં 55 લાખ મેટ્રિક ટન સિમેન્ટનો વપરાશ થશે અને 15 લાખ મેટ્રિક ટન સ્ટીલનો ઉપયોગ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...