ભાસ્કર વિશેષ:વડોદરાના આઇટી પાર્ક માટે L&T 7000 કરોડનું રોકાણ કરશે, 10 હજાર લોકોને રોજગારી પ્રાપ્ત થશે

વડોદરા6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 2000 ઇજનેરોથી કાર્યરત થનાર ટેક્નોલોજી પાર્ક IT અને ITeS એનેબલ્ડ હશે

આગામી સમયમાં વડોદરામાં આઇટી પાર્ક ધમધમતો કરવાનું રાજ્ય સરકારનું આયોજન છે. આ માટે એલ એન્ડ ટી રૂ. 7000 કરોડનું રોકાણ કરશે. IT અને ITeS ઇનેબલ્ડ સર્વિસીસ ટાઇપના આ ટેક્નોલોજી આઇટી પાર્ક માટે L&Tએ સરકાર સાથે એમઓયુ કર્યા છે. પાર્ક ધમધમતો થતા 10 હજાર લોકોને રોજગારી મળશે. જેમાં 2 હજાર એન્જિનિયરોનો સમાવેશ થશે. રાજ્ય સરકારે જાહેર કરેલી IT અને ITeS (2022-27) પોલિસી અંતર્ગત વિવિધ આઇ.ટી કંપનીઓ, ઉદ્યોગોની વ્યૂહાત્મક ભાગીદારી સાથે રાજ્યની IT ઇકો સિસ્ટમનો વિકાસ થવાની શક્યતા છે.

પાંચ વર્ષમાં સીધી અને પરોક્ષ રોજગારી મળીને મળી કુલ 10 હજાર જેટલી સૂચિત રોજગારી પૂરી પાડવાનું L&Tનું આયોજન છે. સંશોધન, વિકાસ તથા ડિઝાઇન કેન્દ્રો સાથે, L&T 5G, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, સહયોગી રોબોટ્સ, ડિજિટલ ફેકટરી અને ઓટોનોમસ ટ્રાન્સપોર્ટ જેવી ટેકનોલોજીમાં અગ્રણી હોવાથી તેનો લાભ પણ વડોદરાને મળશે. IT અને ITeS (2022-27) પોલિસી નીતિનો અમલ થયાના 6 મહિનામાં ગુજરાત સરકારે 13 અગ્રણી સ્થાનિક અને વૈશ્વિક IT કંપનીઓ સાથે એમઓયુ કર્યા છે.

જેમાં કુલ રૂ. 2400 કરોડના સૂચિત રોકાણ સાથે, આશરે 13750 ઉચ્ચ કૌશલ્ય ધરાવતી IT રોજગારીની તકો ઊભી કરવામાં આવશે. હાલમાં રાજ્યમાં મજબૂત નીતિ માળખું ઘડવામાં આવ્યું છે, જેને કારણે અનુકૂળ બિઝનેસ ઇકોસિસ્ટમ ઊભી થતા ઉદ્યોગો માટે પ્રોત્સાહન, તકો અને IT ને લગતી કામગીરી ગુજરાતમાં શરૂ કરવા માટેની સરળ પ્રક્રિયાઓ અને સાનુકૂળ વાતાવરણ પૂરું પાડવામાં આવી રહ્યું છે.

L&Tના સીઇઓ, સરકારના સચિવે MOU કર્યા
માહિતી ટેક્નોલોજી ક્ષેત્રે ‘આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત’ના વિઝનને સાકાર કરવા માટે ગુજરાત આઇટી/ ITeS નીતિ (2022-27) જાહેર થતાં IT ઉદ્યોગોમાં અનેક રોકાણકારો સરકાર સાથે ભાગીદાર બનવા રસ દાખવ્યો છે. આગામી પાંચ વર્ષમાં આ રોકાણને પગલે વડોદરાનો હવે IT/ ITeS ક્ષેત્રે દેશના અગ્રણી શહેરોમાં સ્થાન મેળવશે. L&T વતી સીઇઓ એમડીએસ. સુબ્રહ્મમણ્યમ, સરકાર તરફે સચિવ વિજય નહેરાએ MoU સાઇન કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...