શહેરના આજવા રોડ સરદાર એસ્ટેટ પાસે મોડી રાત્રે રોડ ઉપર ચાલી રહેલા ઝઘડામાં ઓળખીતાને બચાવવા પડેલા એલએન્ડટીમાં સુપરવાઇઝર તરિકે ફરજ બજાવતા યુવાનને હુમલાખોરોએ ચાકૂના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ બનાવ અંગે બાપોદ પોલીસે કાર્યવાહી હાથ ધરી 3 આરોપીને ઝડપી પાડયા હતા.
બાપોદ પોલીસ મુજબ ‘આજવા રોડ પર આવેલા શાંતિનગરમાં રહેતો આદર્શ શર્મા અને તેનો ભાઇ અમન મોડી રાત્રે પોણા બાર વાગ્યે પેટ્રોલ પુરાવવા નિકળ્યા હતા. તે સમયે તેમના ઘર જે.પી નગર સરદાર એસ્ટેટ પાણીની ટાંકી પાસે કેટલાક યુવાનો ઝઘડો કરી રહ્યા હતા. બંને ભાઇઓ થઈ રહેલા ઝઘડા બાબતે મધ્યસ્થી કરવા ગયા હતા અને ત્યાંથી પેટ્રોલ પુરાવા નિકળી ગયા હતા.
પેટ્રોલ પુરાવી બંને ભાઇ પરત ફરી રહ્યા હતા ત્યારે પણ ઝઘડો ચાલતો હતો. આદર્શના ઘરની પાસે રહેતાં મિતેશ રાજપૂતના મિત્ર ઉમેશ સાથે યુવકો ઝઘડો કરી રહ્યા હતા. જેથી આદર્શ અને નાનો ભાઈ અમન બંનેવે મિતેશ રાજપુતના ઘરે જઇ સઘળી વાત કરી હતી. જેથી મિતેશ રાજપુત સાથે બંને ભાઈઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા.
મિતેશ ઉમેશને ઠપકો આપવા લાગ્યા હતા જેથી હેમંત રોહિતે મિતેશભાઈને કહેવા લાગ્યો હતો કે તારા મિત્રને મારથી બચાવેલ છે તે વેળા આદર્શ શર્મા કહેવા લાગ્યો હતો કે ‘તમે પણ ઉમેશને મારતા જ હતા ને? આ સાંભળી ઉશ્કેરાયેલા હેમંત અને બે ઇસમો બંને ભાઈઓને મારવા લાગ્યા હતા. દરમિયાન હેમંત રોહિતે છાતીના ભાગે અને પેટની જમણી બાજુ ચાકુના ઘા માર્યા હતા.
આદર્શ નીચે પડી જતાં તેને સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં લઇ જવાયો હતો જયાં રાતના 2-15 વાગે તેનું સારવાર દરમિયાન મોત થયું હતું. હત્યાના સંબંધમાં બાપોદ પોલીસે હેમંત રોહિતની અટક કરી કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. રિપોર્ટ બાદ તેની ધરપકડ કરાશે એમ પોલીસે જણાવ્યું હતું. જયારે અન્ય બે આરોપીને પણ પોલીસે ઝડપ્યા છે. તેમની ઓળખપરેડ બાદ તેમની ધરપકડ કરાશે એમ પોલીસે જણાવ્યું હતું.
મૃતકની બહેનનો આક્ષેપ : બાપોદ પોલીસે યોગ્ય કાર્યવાહી નથી કરી
મૃતકની બહેન નેહલ શર્માએ જણાવ્યું કે, જ્યા સુધી આદર્શ શર્માને ન્યાય નહીં મળે અને તેના હત્યારા પકડવામાં નહીં આવે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારીશુ નહીં. સાથે જ બાપોદ પોલીસે પણ યોગ્ય કાર્યવાહી નહીં કરી હોવાના આક્ષેપો કર્યા હતા. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી પોલીસે યોગ્ય કાર્યવાહીની ખાતરી આપતાં પરિવાર આદર્શનો મૃતદેહ સ્વીકારવા તૈયાર થયા હતા.
મૃતક આદર્શ શર્મા પરિવારનો મુખ્ય સહારો હતા
આદર્શ એલએન્ડટી કંપનીમાં સુપરવાઈઝર હતો અને પરિવારના ગુજરાન માટેનો મુખ્ય સહારો હતો. આદર્શના પરિવારમાં બેન નેહલ (પરિણીત), નાનો ભાઈ અમન અને પિતા રાજબહાદુર શર્મા છે. રાજબહાદુર શર્મા એલએન્ડટી કંપનીમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.