દેશનું પહેલું ગતિશક્તિ વિશ્વવિદ્યાલય શહેરના લાલબાગ એનએઆઈઆર કેમ્પસમાં બનશે. હયાત નેશનલ રેલ ટ્રાન્સપોર્ટ ઇન્સ્ટિટ્યૂટનું સ્વરૂપ બદલી રેલવેના તમામ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટને એકત્ર કરી વિશ્વવિદ્યાલય બનાવવા કવાયત શરૂ કરાઈ છે. ટૂંક સમયમાં વડાપ્રધાન ખાતમુહૂર્ત કરવા આવે તેવા પ્રયાસો હાથ ધરાયા છે.
લાલબાગ પ્રતાપ વિલાસ પેલેસને નુકસાન ન થાય અને રેલવેના તમામ પાસા એક જગ્યાએ સાંકળી શકાય તે માટે રેલવે મંત્રાલયની કમિટી દ્વારા વડોદરા બહાર રેલવે યુનિવર્સિટીને બદલે લાલબાગ કેમ્પસ અને પ્રતાપ નગર ડીઆરએમ ઓફિસ પાસેની જગ્યામાં જરૂરી બદલાવ કરી નવું સ્વરૂપ આપવા બ્લ્યૂ પ્રિન્ટ તૈયાર થઈ રહી હોવાનું જાણવા મળ્યું છે. 5 હજાર ઉપરાંત વિદ્યાર્થીઓને કેમ્પસમાં સમાવવા પ્રયાસ થશે.
સત્તાવાર જાહેરાત થતાં સુધી લાલબાગ ખાતે બૂલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ અટકાવી દેવાયું છે. તાજેતરમાં રેલવે બોર્ડના ચેરમેને લાલબાગ એનએઆઇઆર સાથે ડીઆરએમ ઓફિસની જગ્યાનું નિરીક્ષણ કર્યું હતું. સૂત્રો મુજબ ગુજરાતની ચૂંટણી પહેલાં આ જાહેરાત અને ખાતમુહૂર્ત સંપન્ન થશે.
શું છે નવું આયોજન?
સ્ટાફ ક્વાર્ટર અને હોસ્ટેલ પ્રતાપ નગર રેલવે કોલોની પાસેની જગ્યામાં બનાવવા આયોજન
લાલબાગ પ્રતાપ વિલાસ પેલેસ પાસે રેલવે યુનિવર્સિટી માટેના સ્ટાફ ક્વાર્ટરનું કામ અટકાવવામાં આવ્યું હતું તેમજ હાલ ત્યાં આવેલી હોસ્ટેલની જગ્યા યુનિવર્સિટી માટે નાની છે, જેથી આ બંને પ્રતાપ નગર રેલવે કોલોની પાસેની જગ્યામાં બનાવવા માટેનું આયોજન હાથ ધરાયું છે. રેલવે યુનિવર્સિટીના અન્ય બિલ્ડિંગનું નિર્માણ પણ હાલ લાલબાગમાં અટકાવવામાં આવ્યું છે.
400 કરોડનું સેમ્યૂલેટર બિલ્ડિંગનું ટેન્ડર અટક્યું
બૂલેટ ટ્રેન માટે લાલબાગ કેમ્પસમાં ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ પાસે બૂલેટ ટ્રેન ચલાવવા માટે સેમ્યૂલેટર મૂકવા 3 માળનું બિલ્ડિંગ બનાવવા 400 કરોડનો પ્રોજેક્ટ હાલ અટકાવાયો છે. બિલ્ડિંગની ટેક્નિકલ બીડ ફેબ્રુઆરીમાં થઈ હતી, ત્યારબાદ આગળ કામગીરી થઈ નથી.
હાલમાં નેગોસિયેશન ચાલી રહ્યું છે : અધિકારી
નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશનના સત્તાધીશોએ આ અંગે પૂછતાં તેમણે સત્તાવાર કંઈ કહેવાની મનાઈ કરી હતી. નેગોસિયેશન ચાલી રહ્યું હોવાની માહિતી આપ્યા બાદ સેન્સિટિવ મેટર હોવાથી સત્તાવાર કંઈ પણ કહેવાની મનાઈ ફરમાવી હતી.
સીઆરબીએ સ્થળ વિઝિટ કરી છે, સત્તાવાર નિર્ણય બાકી
રેલવે મંત્રાલયમાં બનેલી કમિટી આ સમગ્ર વિષય ઉપર કામ કરી રહી છે. ગત મંગળવારે આવેલા રેલવે બોર્ડના ચેરમેને સાઇટ વિઝિટ કરી હતી, પરંતુ હજુ કોઈ સત્તાવાર નિર્ણય થયો નથી.
> અમિતકુમાર, ડીઆરએમ, વડોદરા
વડાપ્રધાનને બોલાવવા પ્રયાસ થશે, રેલવે મંત્રી નિર્ણય કરશે
લાલબાગ ખાતે આ સમગ્ર પ્રોજેક્ટની મંજૂરી માટે રેલવે મંત્રી એક વખત સ્થળ નિરીક્ષણ કરવા આવશે. જોકે ટૂંક સમયમાં ખાતમુહૂર્ત થવાની શક્યતા છે. વડાપ્રધાનને આ માટે બોલાવવાના પ્રયાસ થશે. > રંજનબેન ભટ્ટ, સાંસદ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.