વડોદરા શહેરને સ્માર્ટ સિટી બનાવવા માટે કોર્પોરેશન દ્વારા અનેક પ્રોજેક્ટ ઉપર કામ હાથ ધરવામાં આવ્યું છે, જે પૈકી કેટલાક પ્રોજેક્ટ પૂર્ણ થયા છે. સિટી બસ માટે કોર્પોરેશન દ્વારા રૂપિયા 20 કરોડના ખર્ચે આધુનિકીકરણનો પ્રોજેક્ટ પૂર્ણ થવા છતાં મુસાફરો માટેની પ્રાથમિક સુવિધા એવા સિટી બસ સ્ટેન્ડની સંખ્યા શહેરમાં માત્ર 103નું હોવાનું કોર્પોરેશન જણાવે છે. જેમાંથી 7 સ્ટેન્ડ રોડ લાઇનમાં હોવાથી હટાવ્યાં બાદ નવાં બનાવ્યાં નથી.
હાલમાં 8થી 25 કિમીના વિવિધ 62 રૂટ પર માત્ર 96 બસ સ્ટેન્ડ છે. બાકીના સ્થળે રોજ 10 હજાર મુસાફરોને તાપમાં ઊભા રહી બસની રાહ જોવાનો વારો આવે છે. એક રૂટ પર ઓછામાં ઓછાં 5 સ્ટેન્ડ ગણીએ તો પણ 62 રૂટ પર 300થી વધુ પિકઅપ સ્ટેન્ડ હોવા જોઇએ.
કોર્પોરેશન દ્વારા વિનાયક લોજિસ્ટિકના સંચાલન હેઠળ શહેરના સીમાડા સુધી એસી અને નોન એસી સિટી બસ ચલાવવામાં આવી રહી છે. વાઘોડિયા, છાયાપુરી, દુમાડ સહિતના શહેરના સીમાડા સુધી સિટી બસનું વિસ્તરણ કરવામાં આવ્યું છે, પરંતુ કોર્પોરેશન દ્વારા શહેરમાં માત્ર 103 બસ સ્ટેન્ડ બનાવ્યાં છે. જે પૈકી 7 બસ સ્ટેન્ડ રોડ લાઈનમાં કાઢી નાખવામાં આવ્યાં છે.
સિટી બસ સંચાલક દ્વારા શહેરના તમામ વિસ્તારમાં મળી 62 રૂટ ચલાવવામાં આવે છે. અંદાજે 80 હજાર મુસાફરો સિટી બસમાં મુસાફરી કરે છે તે પૈકી બસ સ્ટેન્ડના અભાવને કારણે ખુલ્લામાં ઊભા રહીને બસની રાહ જોતા મુસાફરોની સંખ્યા 10 હજારથી ઉપરાંત હોવાનું મનાય છે.
સિટી બસમાં 20 કરોડ ક્યાં ખર્ચાયા?
કોર્પોરેશન દ્વારા સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત તમામ બસ સ્ટેન્ડમાં સીસીટીવી કેમેરા તેમજ એલઇડી ડિસ્પ્લે મૂકવામાં આવ્યા છે. આ સાથે તમામ બસમાં જીપીએસ સિસ્ટમ અને સીસીટીવી કેમેરાથી મોનિટરિંગ કરવામાં આવે છે. આ સાથે બસના રૂટ માટે એપ બનાવવામાં આવી છે.
સંચાલકો દ્વારા નવા સ્ટેન્ડની માગણી નથી
હાલ નવું બસ સ્ટેન્ડ બનાવવાનું આયોજન નથી, સિટી બસ સંચાલકો દ્વારા નવા બસ સ્ટેન્ડ અંગે માગણી થઇ નથી. > રાજેશ ચૌહાણ,કાર્યપાલક ઇજનેર
પાલિકા જ નવા બસ સ્ટેન્ડ નક્કી કરે છે
અમારું કામ નિયત રૂટ પર બસ સેવા આપવાનું છે. બસ સ્ટેન્ડ ક્યાં બનાવવું, બસ ક્યાં ઊભી રાખવી તે પાલિકા નક્કી કરે છે.> નરેન્દ્ર રાણા, મેનેજર, વિનાયક લોજિસ્ટિક
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.