રાજ્યના સૌથી લાંબા અટલ બ્રિજ પર ગેંડા સર્કલથી મનીષા ચોકડી સુધીના રસ્તા પર આવેલા 206 ઇલેક્ટ્રીક પોલ પર લગાવવાની જાહેરાત માટે રૂપિયા 16.48 લાખની અપસેટ વેલ્યુ સામે એક કોન્ટ્રાક્ટરે રૂ. 46.26 લાખ ચૂકવવાની તૈયારી દર્શાવતા તેને પરવાનો આપવા અંગેની દરખાસ્ત મંજૂરી માટે સ્થાયી સમિતિમાં મુકાય છે. અન્ય ત્રણ કોન્ટ્રાક્ટર કરતા સિલેક્ટ થયેલા કોન્ટ્રાકટર પાલિકાને વાર્ષિક 18.26 લાખ વધુ ચૂકવશે.
રાજ્યના સૌથી લાંબા બ્રિજ પર 206 ઇલેક્ટ્રીક પોલ આવેલા છે. જેના પર 3 ફૂટ પહોળા અને 4 ફૂટ લાંબા બોર્ડ લગાવી જાહેરાત કરવાનો ત્રણ વર્ષનો કોન્ટ્રાક્ટ આપવા માટે પાલિકાએ વેપારીઓ પાસેથી ભાવો મંગાવ્યા હતા. જેમાં મિનિમમ અપસેટ વેલ્યુ રૂ.16.48 લાખ રાખવામાં આવી હતી. આ કામ માટે ટેન્ડર ખોલતા તેમાં એડ વેલ્યુ એન્ટરપ્રાઇઝે રૂ. 25.20 લાખ, ગુરુબલ ઇન્ફો મીડિયા સોલ્યુશને રૂ. 46.26 લાખ, સર્જક આઉટડોર્સે રૂ. 25.21 લાખ અને સન આઉટડોર્સે રૂ. 27.99 લાખના ભાવે કામ કરવા તૈયારી બતાવી હતી.
જેમાં ગુરુબલ ઇન્ફો મીડિયા સોલ્યુશનનું ટેન્ડર મિનિમમ અપસેટ વેલ્યુની સામે સૌથી વધારે રૂ. 46.26 લાખનું આવતા તેને પ્રથમ વર્ષની વાર્ષિક ફી ગણી પરવાનો આપવા માટેની દરખાસ્ત સ્થાયી સમિતિમાં મોકલવામાં આવી છે. ટેન્ડરની શરત મુજબ વાર્ષિક લાયસન્સ ફીની રકમમાં દર વર્ષે 10 ટકા લેખે વધારો તેમજ 18 ટકા જીએસટી સાથે ભરવાના રહેશે. મિનિમમ અપસેટ વેલ્યુ કરતા રૂ. 29 લાખની પાલિકાને વાર્ષિક આવક થશે.ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ વર્ષોના પરવાનાના કરોડો રૂપિયા ભરપાઇ નહીં થતાં સુજલ એડવર્ટાઇઝમેન્ટનો કોન્ટ્રાક્ટ રદ કરવામાં આવ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.