ભાયલી રોડ પર પસ્તીનો વેપાર કરતા વેપારીનું બુધવારે રાતે સાડા આઠ વાગે ચાર અજાણ્યા લોકોએ ભાયલી પાસેથી ઈકો કારમાં અપહરણ કરીને રૂા.30 લાખની માગણી કરીને મારમાર્યો હતો. અપહરણકર્તાઓએ વેપારીને 7 કલાક કારમાં અલગ અલગ સ્થળો પર ફેરવીને સગા-વહાલા પાસેથી રૂપીયા મંગાવ્યાં હતાં.
પોલીસની કાર સતત પાછળ આવતી હોવાથી વેપારીને કપુરાઈ બ્રિજ ચઢતા ઉતારી આરોપીઓ ભાગી ગયા હતા. અકોટા શ્રીનાથધામમાં રહેતા લોકેશ કેદારનાથ અગ્રવાલ (38) ભાયલી સ્ટેશન રોડ પર પસ્તીની દુકાન ચલાવે છે. 1 જુને વેપારીએ 130 કિલો પુઠાંની પસ્તી ચેતન અગ્રવાલ (રહે-અકોટા)ને રૂા.2700માં વેચી હતી. બુધવારે રાત્રે 8.30 વાગે મિત્ર મોહસીનખાન એહમદખાન પઠાણ (રહે-બહાર કોલોની, આજવારોડ) સાથે અલગ અલગ ટુ-વ્હિલર પર ઘરે જતા હતાં.
મોહસીન ભાયલી પાસે લઘુશંકા માટે ઉભો રહેતા વેપારી પણ ઉભા રહ્યાં હતાં. દરમિયાન ગ્રે ઈકો ગાડી આવી અને વેપારીના ટુ-વ્હિલર પાસે ઉભી રાખી દરવાજો ખોલી બે માણસોએ વેપારીને કારમાં ખેંચી લીધો હતો. કારમાં ચાર વ્યક્તિઓ બેઠા હતા, તમામના મોઢા ઢાંકેલા હતાં. જેમાંથી એકે વેપારીનં માથું તેના પગ વચ્ચે દબાવી દીધું હતું. એકે કાર પોર લઈ લેવાનું જણાવ્યું હતું. ત્યારબાદ બે વ્યક્તિઓએ વેપારીના હાથ કપડાથી બાંધી મોઢે અને આંખે કપડું બાંધી તેમના ખિસ્સામાં રહેલા રોકડા રૂા.15 હજાર, મોબાઈલ અને ઘડિયાળ કાઢી લીધા હતાં.
ચાલુ ગાડીએ એકે વેપારીને તેં 40થી 50 લાખનો ભંગાર લીધો છે. તેમાંથી રૂા.30 લાખ આપવા પડશે કહીને વેપારીને તેના ભાઈને ફોન લગાવી પૈસા મંગાવાનું જણાવ્યું હતું. એકે વેપારીના મોબાઈલ પરથી તેના ભાઈ દેવકીનંદન અગ્રવાલને ફોન લગાવ્યો હતો.વેપારીએ પોતાનું અપહરણ થયું હોવાનું ભાઈને કહીને અપહરણકર્તાઓ ભંગારની વાત કરે છે અને પૈસા માંગે છે તેમ કહેતા અપહરણકર્તાઓએ વેપારીના ભાઈને ફોન કરીને તારો ભાઈ અમારી પાસે છે, 30 લાખ આપીને ભાઈને લઈ જાવ કહીને ફોન કટ કરી દિધો હતો.
દરમિયાન અપહરણકર્તાઓએ વેપારીના સાળા નિલેશ રામઅવતાર અગ્રવાલ (રહે--સમા)ને ફોન લગાવીને સાડા ત્રણ લાખ રોકડા અને ઘરમાં રહેલા દાગીના લઈને એરોપ્લેન હોટલ આવવાનું જણાવ્યું હતું. જોકે અચાનક લોકેશન બદલીને એ.પી.એમ.સી માર્કેટ બોલાવ્યો હતો. અપહરણકર્તાઓ વારંવાર લોકેશન બદલતા હતાં. છેલ્લે દાવત હોટલ પાસે સફેદ બિલ્ડીંગ કહ્યું હતું.
દરમિયાન અપહરણકર્તાઓની કાર પાછળ પોલીસની ગાડી આવતા તેઓ કાર ભગાડીને કપુરાઈ ચોકડી તરફ લઈ ગયા હતાં. પરંતું પોલીસની ગાડી પાછળ આવતી હોવાથી તેઓ વેપારીને ગુરૂવારે સવારે સાડા ત્રણ વાગે કપુરાઈ બ્રિજ ચઢતા ગાડીમાંથી ઉતારી દિધો હતો. દરમિયાન વેપારીએ કારનો નંબર પણ જોઈ લીધો હતો. આ અંગે વેપારીએ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ કરી હતી.
ઇકો કારની નંબર પ્લેટ ખોટી લગાવી હતી
પોલીસે ઈકો કારની નંબર પ્લેટના આધારે તેના માલિકની તપાસ કરતા તે પાટણના ખેડૂતની કાર હોવાનું જાણવા મળ્યું હતું. પરંતું આ નંબરની કાર તેના માલિક પાસે જ હતી. જેથી અપહરણકર્તાએ ખોટી નંબર પ્લેટ લગાવી હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.